પીઢ પત્રકાર સ્વ. કાંતિભાઈ કતિરાના અબતક સાથેના યાદગાર સંભારણા

‘અબતક’ પરિવારમાં દરેક પ્રસંગો કતિરા સાહેબની હાજરીથી દીપી ઉઠતા : કતિરા સાહેબનો એક અનોખો ગુણ, બાળકની જેમ પળોને મનભરીને માણતા પણ ખરા અને વડીલની જેમ જરૂર પડ્યે ટોકતા પણ ખરા

૨૫૦થી વધુ બેનડીના ભાઈ ‘કતિરા સાહેબ’ જીવનના અંતિમ શ્વાસ સુધી સૌ સાથે આત્મીયતાથી જોડાયેલા રહ્યા

કલમના કસબીએ ૯૦ વર્ષની જૈફ વયે લીધા અંતિમ શ્વાસ: સૌરાષ્ટ્રના અખબારી જગતને કદી પુરી ન શકાય તેવી ખોટ પડી, ધુરંધરોએ શોક વ્યકત કરી શ્રદ્ધાંજલિ અર્પી

પીઢ પત્રકાર અને સિનિયર મોસ્ટ જર્નાલિસ્ટ કાંતિભાઈ કતિરાના નિધનથી સમગ્ર મીડિયા જગતમાં શોક વ્યાપી ગયો છે. તેઓ અબતક સાથે પારિવારિક સંબંધો ધરાવતા હતા.

અબતક મીડિયા હાઉસ પ્રત્યે તેમને ખુબ લગાવ હતો. અહીંના દરેક પ્રસંગો તેમની હાજરીથી દીપી ઉઠતા હતા.

કતીરા સાહેબ ખૂબ સરળ સ્વભાવના અને કડવું પણ સાચું કહેવાવાળા વ્યક્તિ હતા. તેઓએ પોતાની આખી જિંદગી પત્રકારત્વ ક્ષેત્રને સમર્પિત કરી હતી. તેઓએ છેક સુધી પોતાની કલમનો સાથ છોડ્યો ન હતો.

તેઓએ પોતાની કલમથી એક- બે નહિ ત્રણ- ત્રણ પેઢીઓના પ્રશ્નોને વાચા અપાવી છે.તેઓ અબતક સાથે ખૂબ ટૂંકા ગાળામાં જ ધરોબો ધરાવવા લાગ્યા હતા. તેઓએ અબતકના દરેક નાના મોટા પ્રસંગમાં તેઓ ઉત્સાહભેર હાજરી આપીને પરિવારના વડીલ તરીકેની જવાબદારી નિભાવતા હતા.

તેઓએ અબતકની ઓસમ પર્વત ખાતેની પિકનીકમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરાંત તેઓનો જન્મદિવસ અબતક મીડિયા હાઉસમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જે સમયે તેઓ હર્ષની લાગણી વ્યકત કરવાની સાથે અબતક પરિવારની પારિવારિક ભાવના ઉપર ઓતપ્રોત થઈ ગયા હતા.

Loading...