દિગ્ગજ ભારતીય ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ: હાલત સ્થિર

ભારતીય ક્રિકેટર જગતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવને ગુરુવારે મોડી રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો. છાતીમાં દુખાવાની ફરિયાદ થતાં તેમને દિલ્હીની ઓખલાની ફોર્ટિસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે અને તે જોખમમાંથી બહાર છે.

હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, કપિલ દેવ હાલમાં આઈસીયુમાં છે. અને ડૉ.અતુલ માથુર અને તેમની ટીમની દેખરેખ હેઠળ છે. કપિલ દેવની હાલત સ્થિર છે અને થોડા દિવસોમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ભારતને પ્રથમ વનડે વર્લ્ડ કપ અપાવનારા કપિલ દેવ

ભારતની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વનડે વર્લ્ડ કપ અપાવનારા કપિલ દેવની ગણતરી વિશ્વના મહાન ઓલરાઉન્ડરોમાં થાય છે. 1983 માં, ભારતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એવા કપીલ દેવની અધ્યક્ષતા હેઠળ પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

કપિલ દેવે છેલ્લી મેચ 1994માં રમી હતી

કપિલ દેવે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી હતી. તેના નામે 5248 રન અને 434 વિકેટ છે. વન-ડે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 3783 રન બનાવ્યા અને 253 વિકેટ લીધી. તેમણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 1994 માં ફરીદાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી.