Abtak Media Google News

જામનગરના નવાગામ, કાનાલુસ, કાનાછીકરી, પડાણા અને ડેરાછીકરીની ૧૧૨૩૫ એકર જમીન બાબતે રિલાયન્સને હાઈકોર્ટની રાહત

રાજયના હજારો ઔદ્યોગીક એકમોને રાહત થાય તેવો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. હાઈકોર્ટના ચુકાદા અનુસાર વળતર મળ્યું કે નહીં તે કરતા સરકારે કંપની પાસેથી કરેલી વસુલાત વધુ માન્ય રહે છે.

જમીન સંપાદન માટે કંપનીએ પાંચ વર્ષની મર્યાદામાં જમીન હસ્તગત કરવી પડતી હોય છે. જો કે, સરકારે ખેડૂતો પાસેથી લીધેલી જમીન બાદ કંપની પાસેથી નાણા લઈ લીધા હોય તો તેમાં જમીન સંપાદનના અમુક નિયમો લાગુ પડતા નથી. રિલાયન્સના કેસમાં જામનગરના નવાગામ, કાનુલુસ, કાનાછીકરી, પડાણા અને ડેરાછીકરી જેવા ગામની ૧૧૨૩૫ એકર જમીન મુદ્દે ચુકાદો અપાયો છે. આ જમીન રિલાયન્સને ૨૦૦૮માં સંપાદીત કરવામાં આવી હતી.

પરંતુ ફિઝીકલી પજેશન લેવાઈ નહોતી. ત્યારબાદ ખેડૂતોએ આ સંપાદનની પ્રક્રિયાને રદ્દ કરી દેવામાં આવે તેવી અરજી કોર્ટમાં કરી હતી. જેમાં દાવો કર્યો હતો કે, ૭ વર્ષ જેટલા સમય છતાં હજુ સરકારે વળતર ચૂકવ્યું નથી. જો કે, હાઈકોર્ટે આ કેસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડની તરફેણમાં ચુકાદો આપ્યો છે.

કોર્ટે કહ્યું છે કે, કંપનીએ સરકારને સંપાદન માટેનું વળતર ચૂકવી દીધું છે. માટે ત્યારબાદ સરકારે ખેડૂતોને વળતર ચૂકવ્યું છે કે નહીં તેમજ જમીનની ફિઝીકલ પજેશન લેવાય છે કે નહીં તે વાતનો કોઈ અર્થ રહેતો નથી. આ જમીન ઉદ્યોગને સંપાદિત થયેલી ગણાય છે. હાઈકોર્ટના ચુકાદાના પગલે ગુજરાતના અનેક ઔદ્યોગીક એકમોને ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.