Abtak Media Google News

પ્રધાનમંત્રીની વરસાદના ટીપે ટીપા પાણીના સદઉપયોગની ટકોરને પગલે

જિલ્લામાં પાણીના ક્ષેત્રમાં અભિનવ અને પ્રેરક પાંચ પહેલ

બહુ આયામી સંકલિત જળ આયોજન દેશમાં જિલ્લા સ્તરે પહેલીવાર કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇની વરસાદના ટીપેટીપે પાણીનો ઉપયોગ કરવાની ટકોરને પગલે પંચજલ સેતુ આયોજનમાં વડોદરા જિલ્લો અગ્રેસર છે. કદાચ દેશમાં પ્રથમ વખત આ જિલ્લામાં બહુ આયામી સંકલિત જળ આયોજન થઇ રહ્યુ છે.

ભારત સરકાર અને ગુજરાત સરકારની ટોચ અગ્રતાઓમાં સમુચિત અને બહુ પાંખી વોટર મેનેજમેન્ટ નો સમાવેશ  થાય છે. દેશના પ્રધાનમંત્રીએ વરસાદના ટીપે ટીપાંને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ભંડાર ભરવાનો અનુરોધ કર્યો છે. તો રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે ખાસ કરીને વપરાશી પાણીને શુદ્ધ કરીને પીવા સિવાયના અન્ય ઉપયોગમાં લેવા અને એ રીતે જળસંપત્તિને સાચવવાની નીતિ અમલમાં મૂકી છે.

આવા સમયે વડોદરા જિલ્લા વહીવટી તંત્રે, જિલ્લા કલેકટર મતી શાલિની અગ્રવાલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પાણીના ક્ષેત્રમાં અભિનવ અને પ્રેરક પાંચ પહેલાંનો દિશા દર્શક સમન્વય કરીને પંચ જલ સેતુનું અભિનવ આયોજન કર્યુ છે જે વડોદરા જિલ્લાને વોટર સિક્યોરિટીની દિશામાં લઈ જશે.

પંચ જલસેતુમાં પ્રધાનમંત્રી પ્રેરિત નલ સે જલ અભિયાનને સાકાર કરવા જિલ્લાના પ્રત્યેક ઘરને નળ જોડાણ, ઘર અને વ્યાપારિક વપરાશના ગંદા પાણીને શુદ્ધ કરી પીવાના ઉપયોગ સિવાય ખેતી અને અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કરવો, ભૂગર્ભ જળને બદલે જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓને સરફેસ વોટર આધારિત યોજનાઓમાં રૂપાંતરિત કરવી, પાણી પુરવઠા માટેની ઊંચી ટાંકીઓની ટોચની ખાલી જગ્યાઓમાં સોલાર પેનલ ગોઠવી સૂર્ય વીજળીનું ઉત્પાદન કરવું અને શાળાઓની છતો પર પડતું વરસાદનું પાણી જમીનમાં ઉતારવાના અને રાજ્ય સરકારના સુજલામ સુફલામ્ અભિયાન હેઠળ તળાવો અને જળ સંગ્રહ માટેના સ્ટ્રકચર્સની જળસંગ્રહ શક્તિ વધારવાના આયોજનોનો સમાવેશ થાય છે. વડોદરા જિલ્લાનું આ સુસંકલિત પાણીદાર આયોજન પાણીના મેનેજમેન્ટની બાબતમાં દેશના તમામ જિલ્લાઓને રાહ ચિંધનારું બની રહેશે.

વિગતવાર વાત કરીએ તો, વર્ષા જળ નિધિ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાની એક હજાર સરકારી શાળાઓમાં, છતો પર પડતાં વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતરવાનું આયોજન દેશમાં પ્રમવાર થયું છે અને તેની નોંધ દેશના પ્રધાનમંત્રીએ લીધી છે અને આ પહેલને તેમણે દેશના તમામ જિલ્લાઓ માટે પ્રેરક ગણાવી છે. લો કોસ્ટ સ્ટ્રકચર દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની વ્યવસથા એ આ પ્રોજેક્ટની આગવી ખાસિયત છે અને માત્ર ૯ મહિનાના ટૂંકા ગાળામાં જળ સંરક્ષણના આ માળખાં ૧,૦૦૦ શાળાઓ બનાવવામાં આવ્યા છે.

દેશના પ્રત્યેક ઘર માટે નળ દ્વારા પાણી પુરવઠાની વ્યવસથાએ પ્રધાનમંત્રી પ્રેરિત અભિયાન છે. ભારત સરકારે આ વ્યવસથા સાકાર કરવા માટે ૨૦૨૪ની અને ગુજરાત સરકારે ૨૦૨૨ની સમય સીમા નિર્ધારિત કરી છે. જ્યારે વડોદરા જિલ્લામાં નલ સે જલ પ્રોજેક્ટની ૯૫ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. નિકટ ભવિષ્યમાં વડોદરા જિલ્લો પ્રત્યેક તાલુકાના પ્રત્યેક ઘરમાં નળ જોડાણ ધરાવતો પ્રથમ જિલ્લો બનવા તરફ અગ્રેસર છે.

વડોદરા જિલ્લામાં વડોદરા તાલુકાના ચિખોદરા ગામે, રાજ્યના ગ્રામ વિસ્તારનો ગામડાના ઘર અને વ્યાપારિક વપરાશના મલિન જળને શુદ્ધ કરીને, પીવાના ઉપયોગ સિવાયના ખેતી સહિતના અન્ય ઉપયોગમાં લેવાનો પ્રથમ પ્રોજેક્ટ સપવામાં આવ્યો છે જેનું લોકાર્પણ ખુદ મુખ્યમંત્રીએ કર્યું હતું.

ઔદ્યોગિક એકમોના સહયોગી, સી.એસ.આર.હેઠળનો આ પ્રોજેક્ટ ગ્રામ વિકાસ અને ગ્રામ સ્વચ્છતા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું ઉજ્જવળ ઉદાહરણ પ્રસપિત કરે છે.

Mahiti Vadodara 21 08 2020 1706 2

વડોદરા જિલ્લા વહીવટી તંત્રે જિલ્લા ખનીજ સંપદા ભંડોળનો વિનિયોગ કરીને, જિલ્લાના વિવિધ ૨૨ ગામોમાં આવેલી પાણી પુરવઠાની ઊંચી ટાંકીઓ-વોટર ટેંકસની ટોચની ખાલી જગ્યાઓ પર સોલર પેનલ લગાવી શુદ્ધ અને પર્યાવરણ રક્ષક સૂર્ય ઊર્જાના ઉત્પાદનનું આયોજન કર્યું છે. તેના પગલે ગ્રામીણ વોટર વર્કસના વીજબિલમાં વાર્ષિક રૂ.૧૦ લાખથી વધુ રકમની બચત થશે અને પંચાયતોનો આર્થિક બોજ હળવો થશે. આ પ્રયોગ પણ દેશના જિલ્લાઓમાં પ્રથમ અને પહેલ સમાન છે.

જિલ્લાની મોટાભાગની પાણી પુરવઠા યોજનાઓ ભૂગર્ભ જળ આધારિત હતી. રાજ્ય સરકારના પીઠબળી ભૂગર્ભ જળનું દોહન કરતી અને જળ ભંડાર ખાલી કરતી આ યોજનાઓને નર્મદા, મહી જેવી નદીઓના સરફેસ વોટર આધારિત યોજનાઓમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. તેના પગલે જિલ્લાના પાણી પુરવઠાની આપદા ભોગવતા ગામોની હાલાકીનું નિવારણ થશે.

રાજ્ય સરકારે આ કામો માટે કરોડો રૂપિયાના અનુદાન ફાળવ્યા છે. પાણી પુરવઠા નિગમ દ્વારા સમય પત્રક પ્રમાણે આ યોજનાઓ સાકાર કરવામાં આવી રહી છે. સુજલામ સુફલામ જળ શક્તિ અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં તળાવો સહિતના જળ ભંડારોની ઊંડાઈ વધારી, સાફ સફાઈ કરી જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું નોંધપાત્ર કામ થયું છે.

જેના પગલે વડોદરા જિલ્લો મોટાભાગે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા વ્યવસથા ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બનશે અને સુસંકલિત વોટર મેનેજમેન્ટનું અનુકરણીય ઉદાહરણ વડોદરા જિલ્લો બની જશે. પાણી વગર વિકાસ શક્ય નથી. વોટર સફિસિયન્સી ભાવિ વિકાસ માટે અનિવાર્ય છે.

પાણીનું સંકલિત અને બહુ આયામી પ્રબંધન જ ભાવિ જળ સમસ્યાઓનો ઉકેલ બની શકે. આ બધી બાબતોમાં વડોદરા જિલ્લાનું પંચ જલ સેતુ આયોજન રાજ્ય માટે અને દેશ માટે નવો રાહ ચિંધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.