Abtak Media Google News

ગ્રાહકો જાળવી રાખવા ‘સેવા’ સુધારો ને વ્યાપ ‘વધારો’

જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની બીએસએનએલનાં જનરલ મેનેજરને રજૂઆત

બીએસએનએલમાં કાયમી કર્મચારીઓએ વિદાય લેતા ગ્રાહક સેવામાં મોટો શૂન્યાવકાશ ઉભો થયો છે તેમ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે બીએસએનએલના જનરલ મેનેજરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે.

રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ યશવંતભાઈ જનાણીએ ભારતીય સંચાર નિગમના જનરલ મેનેજરને પત્ર લખી તેમના લેન્ડલાઈન અને નેટનાં ટેલીફોનધારક ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ઉપર ધ્યાન આપવા અને તેનું નિરાકરણ કરવા અનુરોધ કર્યો હતો.

પત્રમાં જણાવ્યું છે કે બીએસએનએલનાં કાયમી કર્મચારીઓની મોટાપ્રમાણમાં સ્વૈચ્છિક નિવૃત્તિનો વ્યાપ વધતા અને તેની જગ્યાએ નવી ભરતી કરવાને બદલે બીએસએનએલની વિવિધ સેવાઓ માટે કોન્ટ્રાકટ પ્રથાને અમલમાં લાવતા બીએસએનએલનાં ટેલીફોન ગ્રાહકોને અપાતી ગ્રાહક સેવાઓમાં મોટો અંતરાય ઉભો થયો છે.

બીએસએનએલનાં ટેલીફોન ધારકોનો ટેલીફોન બગડે છે ત્યારે તેને રીપેર કરી ચાલુ કરવામાં ખૂબજ વાર લાગે છે. કોન્ટ્રાકટ પધ્ધતિને કારણે ટેલીફોન ધારકો પોતાની ફરિયાદો માટે કયાં સંપર્ક કરવો કોનો સંપર્ક કરવો તે જાણતા નથી. કોન્ટ્રાકટરો દ્વારા ટેલીફોનને રીપેર કરવા માટે જે લાઈનમેનો રાખવામાં આવ્યા છે. તેનું પ્રમાણ ઓછુ છે જેને કારણે લાંબા સમય સુધી કામગીરી ન થવાથી અને તે પણ નબળી થવાથી ગ્રાહકોનાં ટેલીફોનો લાંબા સમય સુધી બંધ રહે છે.

ટેલીફોન ધારકોનાં સામાજીક આર્થિક અને ધંધાકીય સંબંધોને મોટી અસર થાય છે. અને કામમાં વિક્ષેપ પડે છે. આ સાથે મોટાભાગનાં જે નેટનું કનેકશન ધરાવતા હોય છે. તે ધીમીગતિએ ચાલે છે. અને બીએસએનએલ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ પ્લાન પ્રમાણે કામ થતા નથી જેના કારણે ટેલીફોનધારકો પોતાની સાથે છેતરપીંડી થઈ છે. તેવો અહેસાસ કરે છે.

બીએસએનએલ ટેલીફોન ધારકોનાં હવે બીલો મોકલવામાં આવતા નથી. અને ગ્રાહકો પૈસા ભરવા જાય ત્યારે તેની અધિકૃત રીસીપ્ટ આપવામાં આવતી નથી. પરિણામે ખાસ કરીને સંસ્થાકીયગ્રાહકોને ચોપડે બીલ ઉધારવામાં મોટી મુશ્કેલી પડે છે.

જયુબેલી બાગનું ગ્રાહક સુવિધા કેન્દ્ર સારામાં સારૂ કામ કરતું હતુ પરંતુ કાયમી સ્ટાફે વિદાય લેતા અને કોન્ટ્રાકટ પ્રથા અમલમાં આવતા ટેલીફોન ધારકોનેઅપાતી ગ્રાહક સેવામા મોટો શૂન્ય અવકાશ ઉભો થયો છે. ફરિયાદ કરવી હોય તો કયાં કરવી તેની જાણકારીના અભાવે ગ્રાહકોને મોટી મુશ્કેલી પડે છે.

બીએસએનએલએલએ જીવંત રાખવું હોય તો ગ્રાહકોને અપાતી સુવિધા સુધારવી જોઈએ ગ્રાહક સેવા કેન્દ્રો ફરી ચાલુ કરવા જોઈએ કોન્ટ્રાકટ પધ્ધતિ રદ કરવી જોઈએ અને જવાબદાર કાયમી કર્મચારીઓની નિમણુંક કરવી જોઈએ કોન્ટ્રાકટ પધ્ધતિ અમલમાં છે.ત્યાં સુધી કોન્ટ્રાકટરનાં જવાબદાર અધિકારીઓનાં ટેલીફોન નંબર અને મોબાઈલ નંબર દરેક ગ્રાહક સેવા કેન્દ્રો પર મૂકવા જોઈએ તેવી અમારી માંગણી છે તે માટે યોગ્ય કરવા જનરલ મેનેજરને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.