બજારને ધમધમતી કરવા બેંકોએ નાણાંના કોથળા ખુલ્લા મુકતા લોનમાં ૧૫ દિવસમાં ૭ ટકાનો ઉછાળો

બજારમાં નાણાકીય તરલતા લાવવાના પ્રયાસને પ્રારંભીક સફળતા: ફૂડ ક્રેડિટ ૩૨૦૨ કરોડથી વધીને ૭૮૮૯૯ કરોડે પહોંચી

બજારમાં નાણાની તરલતા લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બેંકોને કેટલીક છુટછાટ આપવામાં આવી છે. આ છુટછાટની સાથો સાથ બેંકોને અમુક સમયે અમુક રકમ બજારમાં લોન સ્વરૂપે ઠાલવવાનું સુચન પણ કરાયું છે. જેના અનુસંધાને બજારમાં સરળતાથી લોન મળવા લાગી છે અને નિયમોમાં મળેલી છુટછાટના પરિણામે ૧૫ દિવસમાં લોન લેવાનું પ્રમાણમાં એકા એક ૭ ટકા જેટલું તોતીંગ વધી ગયું હોવાનું જાણવા મળે છે. એકંદરે બેંકોએ નાણાના કોથળા ખુલ્લા મુકતા લોનની લાવ-લાવ થતી હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગતો અનુસાર જાન્યુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં જ લોન માટે બેંકોએ તત્કાલીન કાર્યવાહી કરી હતી. હોમલોન, પર્સનલ લોન, વ્હીકલ લોન, બિઝનેશ લોન સહિતની લોનમાં અરજદારોને સરળ પ્રક્રિયામાં તુરંત લોન આપવાનું શરૂ થયું હતું. બીજી તરફ વર્તમાન સમયે લોકો પણ બચતના સ્થાને નાણા ખર્ચવા તરફ વધુ જોર આપતા હોવાના કારણે લોનની અરજીઓનું પ્રમાણ વધ્યું હતું. આંકડા મુજબ નોન ફૂડ ક્રેડીટ ૧.૦૨ લાખ કરોડથી વધીને ૧૦૦.૨૪ લાખ કરોડ સુધી પહોંચી જવા પામી હતી. જ્યારે ફૂડ ક્રેડીટ ૩૨૦૨ કરોડથી વધીને ૭૮૮૯૯ કરોડે પહોંચી જવા પામી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, બજારમાં તરલતા લાવવા સરકારે બેંકોને લોન માટેના અમુક ટાર્ગેટ આપ્યા હતા. આ સાથે જ લોકોની ખરીદ શક્તિ વધે તે માટેના પ્રયાસો પણ સરકાર દ્વારા થયા હતા. ફિસ્કલ ડિફીસીટને સંતુલીત રાખવાના ભાગરૂપે સરકારે તિજોરીમાં વધુને વધુ આવક ઠલવાય તેવા પ્રયાસો કર્યા છે. ખાનગી સેકટરની બેંકોની સાથે  સરકારી બેંકોને પણ લોનના અનુસંધાને છુટછાટો સરકારે આપી છે. વર્તમાન સમયે ક્ધયુઝમર અને પર્સનલ લોનનું પ્રમાણ વધ્યું હોય. બેંકોને લાભ મળી રહ્યો છે. સરળ હપ્તે સાધનોની ખરીદી તરફ મધ્યમ વર્ગનો ઝુકાવ વધુ જોવા મળે છે. નાની લોન લેવાનું પ્રમાણ વધ્યું છે. આ નાની લોન બેંકો માટે એનપીએનું જોખમ ઘટાડે છે. પરિણામે બેંકોને લાંબાગાળે ફાયદો થશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.

લોનથી બજારમાં તરલતા આવશે તેવી અપેક્ષા

દેશની બેન્કિંગ વ્યવસ્થાને મજબુત બનાવવાની સાથે લોકોની ખરીદ શકિત જળવાય રહે તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા થયા છે. આવી સ્થિતિમાં સરકારે થોડા સમય પહેલા બેંકોને અમુક ભંડોળ લોનના સ્વરૂપે બજારમાં ઠાલવવાનું કહ્યું હતું જેનાથી લોકો ફરીથી ખરીદી કરતા થશે અને બજારમાં નાણાકિય તરલતા જળવાય રહેશે તેવી અપેક્ષા સરકારની છે. વર્તમાન સમયે પર્સનલ લોન અને વ્હીકલ લોનની સાથો સાથ ક્ધઝયુમર લોનનું પ્રમાણ પણ ટોચે પહોંચ્યું છે. લોકો હપ્તાથી વસ્તુઓની ખરીદી તરફ વળ્યા છે. પહેલા બચતને જ કમાણી માનવામાં આવતી હતી પરંતુ સ્થિતિ હવે વિપરીત જોવા મળે છે.

વર્તમાન સમયે હપ્તાથી ખરીદી કરી બાદમાં નાણા ચુકવવાનું ચલણ વઘ્યું છે જેના પરીણામે ૧૫ દિવસમાં લોનમાં ૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

બેંકોમાં ડિપોઝીટનું પ્રમાણ ૧ લાખ કરોડથી વધીને ૧૩૩ લાખ કરોડે આંબી ગયું

આઉટ સ્ટેન્ડિંગ લોનનું પ્રમાણ પણ મહદઅંશે વધ્યું હોવાનું આંકડા પરથી જાણવા મળે છે. આઉટ સ્ટેન્ડિંગ લોનનું પ્રમાણ રૂા.૯૮૯૨૬ થી વધીને રૂા.૧૦૧.૦૩ લાખ કરોડે માત્ર ૧૫ દિવસમાં પહોંચ્યું હતું. આ સાથે જ બેંકમાં ડિપોઝીટની ટકાવારી પણ વધવા પામી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ જાન્યુઆરીના બે અઠવાડિયામાં બેંક ડિપોઝીટ ૧ લાખ કરોડથી વધીને ૧૩૩ લાખ કરોડે પહોંચી જવા પામી હતી. એકંદરે બેંકોમાં પણ મોટા પ્રમાણમાં નાણા ઠલવાયા હતા.

Loading...