Abtak Media Google News

કાળઝાળ ગરમીમાં પસીનો પુષ્કળ થાય છે. તમે જોયું હોય તો ગરમીની સીઝનમાં તમે વધુપડતી નમકવાળી ચીજો ખાશો કે પીશો તો પસીનો ખૂબ થશે અને તરસ પણ ખૂબ લાગશે. બીજી તરફ પસીનાને કારણે શરીરમાંથી પાણી અને મિનરલ્સ ઘટી જતાં હોવાથી આ સીઝનમાં પૂરતું પાણી અને નમક લેવાં જ પડે છે. આવી બેવડી સમસ્યાથી બચવું હોય તો બપોરે લેવાનાં પીણાંમાં મીઠાને બદલે સંચળ વાપરવાનું વધુ હિતાવહ છે. આયુર્વેદમાં સંચળને ઠંડક આપનારું કહ્યું છે. આપણા રસોડામાં જ્યારે પાણીપૂરીનો મસાલો બનાવવાનો હોય કે કંઈક ચટપટું બનાવવાનું હોય ત્યારે જ સંચળની ડબ્બી નીકળતી હોય છે, પણ સંચળ ખરેખર કેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એ વિશે આપણે ભાગ્યે જ વિચાર્યું છે.

સંચળ પણ એક પ્રકારનું સોલ્ટ જ છે, પરંતુ એ સોલ્ટ કરતાં ઓછી તકલીફ આપે છે અને એના ખાસ રાસાયણિક બંધારણને કારણે નમક જેવી હાનિથી બચી શકાય છે. નમક અને સંચળનો ફરક સમજાવતાં જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘સોલ્ટનું રાસાયણિક બંધારણ છે સોડિયમ ક્લોરાઇડ, જ્યારે સંચળનું બંધારણ સોડિયમ સલ્ફાઇડ છે. યસ, એ પણ નમકનો જ પ્રકાર છે, પરંતુ એમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડને કારણે એની વિશેષતાઓ બદલાય છે.

સલ્ફર શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારવામાં મદદ કરે છે. એની બનાવટમાં ઓછું પ્રોસેસિંગ થયું હોય છે અને એમાં આયર્નની પણ માત્રા સારીએવી હોય છે. સંચળ અને સફેદ મીઠા બન્નેમાં સોડિયમ હોય છે, પણ સૌથી મહત્વની વાત એ કે સંચળમાં સોડિયમની માત્રા ઘણી ઓછી હોય છે. એને કારણે બ્લડપ્રેશર, કિડનીની તકલીફ ધરાવતા લોકો માટે નમકના બદલે સંચળ વાપરવું વધુ હિતકર છે. જેમને ખૂબ પસીનો થતો હોય અને ગરમીમાં હૃદયના ધબકારા વધી જતા હોય તેમને માટે સંચળ ઇઝ બેટર ઑપ્શન.

માત્ર જેમને થાઇરોઇડની તકલીફ હોય એવા લોકો માટે અંગ્રેજીમાં એના માટે બ્લેક સોલ્ટ શબ્દ વપરાય છે. જોકે વિદેશીઓ જેબ્લેક સોલ્ટ વાપરે છે અને આપણે ત્યાં જે વપરાય છે એ બ્લેક સોલ્ટમાં ફરક છે. એશિયન દેશોમાં જે બ્લેક સોલ્ટ વપરાય છે એ છે સંચળ. જેને હિમાલયન બ્લેક સોલ્ટ અથવા સુલેમાની નમક કહેવાય છે. બ્લેક લાવા સોલ્ટ હોય છે એ સાદું નમક જ હોય છે, પણ એમાં ચારકોલ પાઉડર મેળવવામાં આવે છે, જે મોટા ભાગે ખાવાના વપરાશમાં નથી આવતું. જેને આપણે સંચળ કહીએ છીએ એ બ્લેક સોલ્ટનો પાઉડર બનાવવાથી એ પિન્ક રંગનું થઈ જતું હોવાથી એને પિન્ક સોલ્ટ પણ કહેવાય છે.

સંચળ એ ખનીજ છે જેના ગાંગડા બને છે. ખારા પાણીમાં હરડેનાં બીને ખૂબ ઊંચા તાપમાને ઉકાળવામાં આવે છે. એ પાણી ઊડી જતાં જે ક્ષારના સ્ફટિક ‚પ અવશેષો રહે છે એ સંચળ છે. હરડેમાં સલ્ફર હોય છે અને એનાં બીને ઉકાળવાની પ્રક્રિયા દરમ્યાન એમાં સલ્ફાઇડ, સલ્ફેટ, આયર્ન, મેગ્નેશિયમ જેવાં મિનરલ્સ અતિસૂક્ષ્મ માત્રામાં ભળે છે. આ જ કારણસર સંચળના સ્ફટિકનો રંગ ઘેરો મ‚ન રંગનો હોય છે અને એનો પાઉડર બનાવતાં એ ગુલાબી રંગ થઈ જાય છે.

ગરમીમાં સંચળના ફાયદા

આયુર્વેદ મુજબ સંચળ ઠંડી પ્રકૃતિનું હોવાથી સંચળ લીધા પછી શરીરમાં ગરમી વધતી ન હોવાથી વધુપડતો પસીનો નથી થતો. એ જ કારણસર ગરમીમાં બનતાં તમામ પીણાંમાં નમકને બદલે ચપટીક સંચળનો ઉપયોગ હિતાવહ છે. ગરમીમાં સંચળના ફાયદા વિશે સમજાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ગરમીમાં સૌથી વધુ પાચનને લગતી સમસ્યા થાય છે. એમાં સંચળ બહુ સરસ કામ આપે છે.

એનું રાસાયણિક બંધારણ ક્ષારીય છે એટલે પેટમાં જે ઍસિડ પેદા થાય છે એને ન્યુટ્રલ કરવાનું કામ કરી શકે છે. કબજિયાત, ગેસ, ઍસિડિટી અને પેટ ભારે લાગવા જેવી સમસ્યામાં ચપટીક સંચળ અસરદાર બને છે. એનું મુખ્ય કામ મસલ રિલેક્સન્ટનું છે. આંતરડાંના મસલ્સને પણ એ રિલેક્સ કરે છે. એ મસલ્સની મૂવમેન્ટને કારણે સરળતાથી ગેસ પાસ થઈ જાય છે. પાણીપૂરી ખાધા પછી પેટ ખુલાસાથી સાફ આવે અને ગેસ નીકળી જાય છે એ અનુભવ તો સૌને હશે જ. એનું કારણ પાણીપૂરીના પાણીમાં ફુદીનો અને સંચળ છે. આ સીઝનમાં તમે સેલડ ખાઓ કે ફ્રૂટ-ડિશ એના પર સંચળ છાંટીને ખાશો તો પાચન સુધરશે, ગેસ ભરાઈ નહીં રહે અને કબજિયાતની સમસ્યા પણ નહીં રહે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.