Abtak Media Google News

“સર્વપક્ષીય વક્તાઓએ પીઆઈ જયદેવની કાર્યદક્ષતા, બાહોશી, નીડરતા અને ન્યાયપ્રિયતાને વખાણી અને કહ્યું કે આવી કાર્ય પધ્ધતિને કારણે જ જનતાનો પ્રેમ સંપાદન કર્યો છે!”

આખરે એક વર્ષનાં આતુરતા પૂર્વકના ઈન્તજાર પછી જયદેવની ઉંઝાથી રાજકોટ શહેર પોલીસમાં બદલી થઈ જયદેવની ઈચ્છા રાજકોટ ખાતે કોઈ બ્રાંચમાં જવાની હતી. પરંતુ થઈ રાજકોટ શહેર પોલીસમાં ! જે થયું તે પણ બદલી થતા જયદેવને થોડી શાંતી થઈ વિધાયકના અંગત વર્તુળોમાંથી એવું જાણવા મળેલુ કે વિધાનસભા ચૂંટણી પહેલા જયદેવની બદલી ભાવનગર જિલ્લામાં કરવા માટેનો તખ્તો તૈયાર થઈ જ ગયેલો પરંતુ વિધાયકે પોતાની મધ્યસત્ર ચૂંટણી અંગે જયદેવનો થતો હુકમ અટકાવેલો અને જાહેરસભામાં જયદેવને વચન આપેલું કે ચૂંટણી પછી તે કહે ત્યાં બદલી કરાવી આપશે.પરંતુ ચૂંટણીઓ પુરી થઈને નવી સરકાર રચાયાના આઠેક મહિના થયા પરંતુ વિધાયકથી પીઆઈ જયદેવની બદલી સૌરાષ્ટ્રમાં થતી ન હતી તેથી ઉંઝામાં તેમના કાર્યકરોમાં તો જાહેરમાં વિધાયકનું ખરાબ લાગતુ હતુ પરંતુ જયદેવ ખાસ નારાજ હતો કેમકે તેની ભાવનગર થતી બદલી રોકાયેલી અને હવે જયદેવ હેરાન થતો હતો. આથી આખરે કંટાળીને વિધાયકે તે સમયના ગૃહપ્રધાનને કડવા શબ્દો કહીને મુખ્યમંત્રીને મળેલા અને પોતે સમગ્ર હકિકત તેમને જણાવતા મુખ્યમંત્રીએ ગૃહપ્રધાનને કહેલ કે કાકા (વિધાયક) કહે તે રીતે અને તે જગ્યાનો બદલી હુકમ કરી દયો. પરંતુ ગમે તે કારણ (ખાસ તોકડવા શબ્દો) કે અંટસ પડી હોય જયદેવની બદલી કોઈ બ્રાંચને બદલે ફરી એજ એકજીકયુટીવ પોસ્ટ રાજકોટ શહેર પોલીસમાં કરી !

જયદેવ નારાજ તો થયો પરંતુ તેણે વિચાર્યું કે ઉંઝાથી લોજના રોટલા તોડતા તો છૂટયા? અને ઘર ભેગા થયાનો આંશિક આનંદ થયો પણ જે બન્યું તે પહેલી કહેવત મુજબ ‘તેલ પળી અને ત્રાજવું’ એજ પોલીસ સ્ટેશનના ગુન્હાઓની તપાસો, ગુનેગારો શોધવાના પકડવાના બંદોબસ્તો પરેડો, નાઈટ રાઉન્ડ અને સૌથી કપરૂ કામ પોલીસ દળના જવાનો પાસેથી નીયમસરનું કામ લેવાનું તો સામે જ ઉભુ હતુ

વિશ્ર્વના વિકસીત રાષ્ટ્રોમાં તેમના સુરક્ષા દળો માટે એવો નિયમ છે કે જવાનો કે અધિકારીઓ પોતાની ફરજોનો અમુક સમય કપરી જગ્યાએ સંઘર્ષ કર્યા પછી તેટલો જ સમય જવાનોને પોતાના હેડ કવાર્ટરમાં કે ઈચ્છીત જગ્યાએ હળવી અને ટેન્શન લેસ જોબ આપવામાં આવે છે. આથી જવાનો શારીરીક તો ઠીક પણ માનસીક રીતે પણ તંદુરસ્ત બને અને ફરીથી સંઘર્ષ વાળી કામગીરી માટે તૈયાર થઈ શકે. પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા દેશમાં આ નિયમનું પાલન થતુ હોય તો ભગવાન જાણે !

જયદેવની બદલી થયાના સમાચાર ઉંઝા શહેરમાં ફેલાતા જ લોકોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ. ઉંઝા શહેર અને તાલુકો જયદેવના ચાહક હતા આથી બદલીના સમાચારથી નારાજ તો થયા પણ લાંબા સમયે જયદેવ પોતાના ઘેર પહોચતો હોવાની વાત જાણી ખુશ પણ થતા હતા.

વિશ્ર્વ વિખ્યાત ઉંઝાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રાહબરી તળે ઉંઝાની તમામ સહકારી સંસ્થાઓ તથા ઉનાવા ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિ, વેપારી મંડળ, ઉમીયા માતા સંસ્થાન ઉંઝા નગરપાલીકા, લાયસન્સ કલબ, રોટરી કલબ, જેસીઝ કલબ, જાયન્ટ કલબ, ઉંઝા કેળવણી મંડળ વિગેરે અનેક સંસ્થાઓ અને સર્વ પક્ષીય આગેવાનોએ મળીને કેળવણી મંડળ ઉંઝાના પ્રમુખ ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટના પ્રમુખ સ્થાને અને ઉંઝા વિધાયક નારાયણભાઈ પટેલની મુખ્ય મહેમાન તરીકેની ઉપસ્થિતિમાં ભવિષ્યે પણ સરકારી તંત્રમાં ઉદાહરણ રહે કે નિષ્પક્ષ અને સારૂ કાર્ય કરનારનું સન્માન અને કદર થાય છે તે હેતુથી કાર્યદક્ષ અને લોકપ્રિય અધિકારીના સન્માન સાથે વિદાયનો એક ભવ્ય કાર્યક્રમ ઉંઝા ખાતે આવેલી ઉનાવા દેશની વાડીમાં સાંજના છ વાગ્યે યોજવામાં આવ્યો. વિશાળ જનમેદની વચ્ચે કાર્યક્રમ શરૂ થયો. સહજ રીતે વખાણ કરવા તો એકઠા થયા હતા સાથે સન્માન પણ કરવાનું હતુ. પરંતુ ઉનાવા માર્કેટ યાર્ડનાં પ્રમુખ બબલદાસભાઈ પટેલે પોતાના વ્યકતવ્યમાં એક વાત કરી કે આ જીલ્લાની રીત મુજબ અગાઉના સમયમાં ગામડાઓમાં જેમ અન્ય સરકારી કર્મચારીઓ પોસ્ટમેન રેવન્યુ વિગેરે પોત પોતાનું સરકારી કામ ગામોએ કરીને ચાલ્યા જતા; તેમ પોલીસ જવાનો પણ ટાઈમ બે ટાઈમ હોય છતા ચાલ્યા જતા પરંતુ પોલીસની સમય મર્યાદા વગરની ઓડ -કામગીરી છતા ચાલ્યા જતા પરંતુ પોલીસની આ પરેશાની પીઆઈ જયદેવની લોકપ્રિય અને લોકોપયોગી કામગીરી અને જનતા સાથે સુમેળ ને કારણે હવે દરેક ગામોએ પોલીસ જવાનોને આવકારી સમય પ્રમાણે ચા-પાણી ઉપરાંત જમવા સુધીની વ્યવસ્થા થવા લાગી તે પોલીસ દળ પ્રત્યે જનતાનો અંત:કરણ પૂર્વકનો કેટલો ઉમળકો અને માન ઉભુ થયું છે તે જાણી શકાય છે !

આ સમારંભમા જયદેવને તમામ (૩૦ ત્રીસ) સંસ્થાઓએ મળીને અનેક માન અકરામ અને અભીવાદન પત્રો આપ્યા જેમાં જણાવેલું કે પીઆઈ જયદેવે ઉંઝા નગર અને તાલુકાના તમામ ગામડાઓમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પ્રસંશનીય કામગીરી કરેલ છે. જે માટે ઉંઝાનગર અને સમગ્ર તાલૂકો આપને સદાય યાદ કરશે. ઉંઝા વિસ્તારમાં ફરજ દરમ્યાન ખૂન કેસો, લૂંટધાડ અને ચોરીઓ તેમજ બીજા શહેરો અને રાજયના બીજા જીલ્લાઓના ગુન્હાઓ પણ આપે સફળતા પૂર્વક ઉકેલી ને આપની હોંશિયારી, પરીપકવતા બહાદૂરી અને ઈમાનદારીનો પરિચય ઉંઝા વિસ્તારને આપવામાં સફળ રહ્યા છો. પોલીસ એ પ્રજા માટે ભયનું પ્રતિક હતુ તે માન્યતા આપે આપના કોમળ અને સાલસ સ્વભાવ અને સૌને પ્રેમ કરવાની કળાથી દૂર કરી પોલીસ પ્રત્યે લોકોને લાગણી થાય તેવા કાર્યો આપના સમયકાળ દરમ્યાન સમગ્ર વિસ્તારે નિહાળ્યા છે. વિગેરે બાબતો સાથે સન્માનની પ્રસંગોચિત ફૂલહાર વિધી અને પાંચેક હજાર લોકો માટેનો ભોજન સમારંભ પણ યોજાયો આથી પોલીસ દળના જવાનો અને હાજર અધિકારીઓ ગદ્ગદિત થઈ ગયા કે પોલીસનું આવું સન્માન? અહીતો કયારેય નથી જોયું !

સર્વ પક્ષીય વક્તાઓ એ પીઆઈ જયદેવની કાર્યદક્ષતા, બાહોશી, નીડરતા અને ન્યાયપ્રિયતાને વખાણી હતી અને જણાવ્યું કે તેમની (જયદેવની) કામ કરવાની આવી પધ્ધતી ને કારણે જ પ્રજાનો પ્રેમ સંપાદન કરેલો આથી આને કારણે જ આજે આટલી મોટી સંખ્યામાં જનતા અને સર્વપક્ષીય આગેવાનોનું સંમેલન શકય બન્યું છે. જે ઉંઝા માટે પણ ગૌરવ રૂપ બનશે. મુખ્ય મહેમાન તરીકે વિધાયક શ્રી નારાયણભાઈ પટેલે જણાવેલું કે જે પોલીસનું સુત્ર છે. “ળફુ ઈં વયહા ુજ્ઞી ?તેને પીઆઈ જયદેવે પોતાના જીવનમાં ઉતારી સાર્થક કર્યું છે. આ ઉપરાંત છેલ્લા પોણા ત્રણ વર્ષ દરમ્યાનના વિવિધ-અનુભવોના દ્રષ્ટાંતો આપી કાર્યદક્ષતાને બીરદાવેલી.

અંતે જયદેવે પણ આવા વિદાય સન્માન સમારંભ અંગે આભાર પ્રવચનમાં જણાવેલું કે અહી ઉંઝા તાલુકામાં જે પણ વિશિષ્ટ અને સરાહનીય કામગીરીઓ પોલીસ દળ દ્વારા થઈ છે. અને પોલીસને સફળતા મળી તેનો ઘણો ખરો યશ તો ઉંઝાની જનતા અને ઉંઝાના પોલીસ દળના ફાળે જ જાય છે. કેમકે મેં ઉંઝાની જનતાની દ્રષ્ટિએ જોયું છે (મોટાભાગની બાતમીઓ જનતામાંથી જ મળતી) અને ઉંઝા પોલીસ સ્ટેશનના જવાનો મારા હાથ પગ હતા તેમના વડે મેં દરેક કામો (ઓપરેશનો) કરાવેલ છે. હું તો જનતાની માહિતી અને અહેવાલ અન્વયે વિચારીને ફકત રીમોટ કંટ્રોલ માફક પોલીસ દળનું સંચાલન કરતો હતો અને તે અનુસંધાને પરિણામ આવતું જતુ હતુ. રીમોટ ચલાવવો તે તોમારી ફરજ હતી. હું એમ માનું છું કે ખરેખર આ સન્માન ઉંઝાની જનતા અને ઉંઝા પોલીસ સ્ટેશનોનાં જવાનોનું છે.

પ્રમુખ સ્થાનેથી કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ બ્રહ્મભટ્ટે જણાવેલ કે પીઆઈ જયદેવમાં ક્ષત્રીય તરીકેના જન્મજાત ગુણો હિંમત, શૌર્ય, નીડરતા ઉપરાંત તેમનામાં પ્રેમ, સમતા, દયા, નિષ્ઠા, માનવતા, બુધ્ધિ અને સુંદર વિચારો છે. તેનું પણ આ સન્માન છે !

આ સન્માન સમારોહને અંતે ભોજન બાદ તમામ લોકો જયદેવને વ્યકિતગત રીતે મળ્યા અને ભાવભરી વિદાય આપી ત્યાં હાજર અમુક આગેવાનો કહેતા હતા આવો વિદાય સન્માન સમારોહ કદાચ ઉત્તર ગુજરાત અને પણ ઉંઝા માટે અદ્વિતિય હશે. (માહિતી એપેન્ડીકસ -॥

સાંજના સમયે જયદેવ બીજા દિવસની સવારે સૌરાષ્ટ્રમાં જવાનું હોય તેની તૈયારી કરતો હતો ત્યાં રાયટર જમાદાર પુનાજીનો ફોન આવ્યો કે ભાંખર (દાસજ)ના લઘુમતી આગેવાન ખાલીદમીંયા સૈયદ આપને મળી શુભેચ્છા પાઠવવા માગે છે. આથી જયદેવ ઉંઝા હાઈવે ચોકી ઉપર જઈને લઘુમતી કોમના આગેવાનોને મળ્યો તમામે જયદેવને વિદાય શુભેચ્છા પાઠવી અને આભાર વ્યકત કર્યો. પોતાને એક તટસ્થ અધિકારીની ખોટ પડી કહીને અફસોસ પણ વ્યકત કર્યો.

વિદાય ગમે તે હોય પણ તે વસમી જ હોય છે. જે જગ્યાએ આટલુ માન સન્માન મળ્યું હોય, આટલો લાંબો સમય જે જનતા સાથે કામ કર્યું હોય તેમનાથી લાગણી તો બંધાય જ જાય. જયારે અહી ઉંઝામાં જે ચિત્ર વિચિત્ર અને વિવિધતા ભરી કામગીરી થઈ અને તેમાં પણ ખાસ તો સદી દરમ્યાન જવલ્લે જ બનતી ઘટના એવા પોસ્ટ ગોધરા તોફાનોના બનાવો તો જયદેવની સ્મરણ યાદીમાં કડવા ઝેર જેવા હતા. તેમ છતા આવા ભીષણ તોફાનો, રાજકીય નિવેદનોની ઝડીઓ વરસતી હોય તેવા સંજોગોમાં જયદેવે જે કાયદેસરની કાર્યવાહીઓ અને ધરપકડો કરી તે દરમ્યાન અને તોફાનો દરમ્યાન એફ.આઈ.આર. દાખલ કરવા અંગે જે વડછડ જીભાજોડી અને વિવાદ પણ જનતાના નેતાઓ સાથે થયેલા છતાં પણ જનતા અને આગેવાનોએ જયદેવની આટલી કદર કરી તેથી તે લાગણીશિલ બન્યો, જોકે આ તોફાનો દરમ્યાન જયદેવની આગવી સૂજ અને નીડર કાર્યવાહીને કારણે આવા ભીષણ તોફાનો છતાં બીજા શહેરોમાં થયેલા ખૂનામરકીના તાંડવ જેવા બનાવો ઉંઝા તાલુકામાં બનવા દીધા નહતા અને જયાં એવા ખેલ નખાયેલા ત્યાં જયદેવે સમયસર પહોચી જઈ પોતાની જીંદગીને પણ જોખમમાં મૂકી ને અમૂલ્ય માનવ જીંદગીઓને સળગતી આગમાંથી પણ બચાવી હતી. આના કારણે જ સમગ્ર મહેસાણા જીલ્લામાં આ પોસ્ટ ગોધરા તોફાનોના ગુન્હાઓમાં જેટલા આરોપીઓ પકડાયેલા તેટલા જ આરોપીઓની ફક્ત ઉંઝા પોલીસ સ્ટેશનમાં જયદેવે ધરપકડો કરેલી પરંતુ ગંભીર ખૂનના ગુન્હા નહી હોય તમામને જામીન મળી ગયા હતા.

ટુંકમાં તમામ જનતા અને આગેવાનોએ કડવી યાદો ભૂલીને પણ જે લાગણીસભર માન-સન્માનથી વિદાય આપી અને સારા કાર્યની પ્રશંસા અને સન્માન કર્યું તેને કારણે જયદેવ લાગણીશીલ થયો.

બીજે દિવસે સવારે જયદેવ તેની જૂની પધ્ધતી મુજબ ‘ધોકો અને ધડકી’ (ગોદડી, બેડીંગ કે પાથરણા) લઈને રવાના થતા તમામ પડોશીઓ એભેગા થઈને જયદેવને મળીને ભાવભરી અને ભાવભીની પણ વિદાય આપી. અમુક પડોશીઓ ભારે હૈયે વિદાય આપી તો કોઈકે મજાકમાં કહ્યું પણ ખરૂ કે હવે કાઠીયાવાડી ભાષાનો લહેકો સાંભળવા નહી મળે તેતો ખોટ રહેશે જ ! ’

જયદેવ ઉત્તર ગુજરાત ઉંઝાથી પાટણ, ચાણસ્મા, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગરથી રાજકોટના રસ્તે રવાના થયો. રસ્તો ઘણો જ લાંબો હોય કારમાં બેઠા-બેઠા જયદેવે ભૂતકાળને યાદ કર્યો કે પોતે પ્રથમ પ્રમોશન લઈને ફરજીયાત પણે મહેસાણા જીલ્લામાં આવેલો અહી હાજર થઈ ને તુરત જ પોતાની બદલી પાછી સૌરાષ્ટ્રમાં કરાવવા પ્રયત્નો શરૂ કરેલા જે પ્રયત્ન સફળ પણ થાય તેમ હતા પરંતુ કુદરતની ઈચ્છા કાંઈક જુદી હશે તેથી વિધાયક ઉંઝા અને પોલીસવડા મહેસાણાએ જયદેવને ઉંઝા જ રોકી રાખ્યો. આથી ઉંઝા ખાતે જયદેવે જીંદગીમાં નહી અનુભવેલા બનાવો જેમાં ખાસ કુરૂક્ષેત્ર જેવું ભીષણ યુધ્ધ (સદી દરમ્યાન જવલ્લે જ બનતા બનાવો પૈકીના એક એવા ગોધરાકાંડના તોફાનો)માં જીવ સટોસટનો સંઘર્ષ કરી ને પોતે શારીરીક નહી તો માનસીક રીતે પણ ઘવાયેલો જ તેમ છતાં માન સન્માન સાથે સૌરાષ્ટ્રમાં માદરે વતન પાછો ફરી રહ્યો હતો.

તે તો ભૂતકાળ હતો હવે તેણે ભવિષ્યાનો વિચાર કરતા હવે પોતે પોતાના ઘેર કુટુંબ કબીલા સાથે રહેવા પામશે અને પોતે ગોઠવણ કરીને પણ કયાંક રાજકોટ શહેર પોલીસની બ્રાંચમાં નિમણુંક કરાવીને ૧૧ થી ૬ની ઓફીસ ટાઈમની આરામની નોકરી સાથે સાચુ વાસ્તવિક સામાજીક જીવન જીવવા ઉપરાંત બાળકો સાથે આનંદ કિલ્લોલ કરશે. વળી રાજકોટમાં પોતાનું મોટુ મીત્ર મંડળ હોય મિત્રો સાથે હરીફરીને મોજમજા કરશે તેવા સુંદરા સપના જોતો તે વિઠ્ઠલગઢ લખતરથી સૌરાષ્ટ્રમાં દાખલ થયો ભૂમિને મનોમન નમન કર્યા!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.