નાલંદા વિદ્યાપીઠની જેમ ભારતનાં વિદ્યાપીઠો વિદેશી વિદ્યાર્થીઓથી ધમધમશે

નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ એક સાથે બે ફિલ્ડનાં કોર્ષનો અભ્યાસ કરી શકશે

ભારત દેશમાં નવી શિક્ષણ નીતિની જોગવાઈ કરવામાં આવી છે જેમાં હવે વિદ્યાર્થીઓને કોઈ એક ક્ષેત્ર કે ફિલ્ડ પુરતું જ સીમીત નહીં રહે. ભારતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હવે આર્ટસની સાથોસાથ કોમર્સ અથવા તો કોમર્સની સાથો સાથ વિજ્ઞાનનો પણ અભ્યાસ કરી શકશે. મલ્ટી ડિસીપ્લીમનરી એકશન અંતર્ગત હવે કોઈપણ વિદ્યાર્થી કોઈપણ કોર્સ એક સાથે કરવા માટે હકકદાર બન્યો છે. દેશમાં જે નવી શિક્ષણ નીતિની જોગવાઈઓ કરવામાં આવી છે તેમાં વિદેશી વિદ્યાર્થીઓ અને ભારતમાં ભણવા માટે આવવા આકર્ષિત પણ કરાશે. ભારતમાં જે રીતે નાલંદા વિદ્યાપીઠ સ્થાપિત થઈ હતી તેવી જ રીતે ભારતની અન્ય વિદ્યાપીઠોમાં પણ હવે વિદેશી વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળશે.

વડાપ્રધાનનાં મુખ્ય સચિવ પી.કે.મિશ્રાએ જણાવતા કહ્યું હતું કે, હાલનાં સંજોગોમાં જુજ વિદ્યાર્થીઓ ભારતમાં આવી ભણી રહ્યા છે પરંતુ હવે ભારતનું શિક્ષણ ક્ષેત્રે વધુ વ્યાપક પ્રમાણમાં વિસ્તરશે અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણનાં વધુ દરવાજા ખુલશે. નવી શિક્ષણ નીતિની જોગવાઈઓ અનુસાર ચોકકસપણે શિક્ષણ નીતિમાં છુટછાટો આપવામાં આવશે અને નિયમોને પણ હળવા બનાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મુખ્ય સચિવ પી.કે.મિશ્રાએ જણાવતા કહ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રની પવિત્રતા અને સમયની માંગની સાથે ફેરફાર અને બદલાવ સાથે શિક્ષણનાં વિષય વસ્તુઓ અને નવી જોગવાઈઓનો પ્રવેશ કેટલીક બાબતો દુર કરવાની આ પ્રક્રિયા શિક્ષણ નીતિમાં અને સમગ્ર વ્યવસ્થામાં મોટો બદલાવ લાવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષણ વ્યવસ્થામાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ અને આધુનિકરણ સાથે તકનીકી સંશોધનનો ઉપયોગ કરવામાં આવશે. આ નીતિનાં પ્રમાણે આવનારા સમયમાં ઘણાખરા ફેરબદલ પણ જોવા મળશે. મુખ્ય સચિવનાં જણાવ્યા મુજબ માત્ર ટેકનોલોજીનો આવિસ્કાર શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવા માટે પુરતો નથી. ઓનલાઈન શિક્ષણ ક્ષેત્રને બદલાવવાનો અનુભવ જોઈને નિયમિત વર્ગખંડની વ્યવસ્થા બરકરાર રાખવામાં આવે જેમાં જરૂરી સુધારાઓને પણ શિક્ષણો દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા બંધનકર્તા છે.

કોરોનાની કટોકટીનાં પગલે વાતાવરણમાં જે ફેરબદલ જોવા મળ્યો છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા અને મોટાભાગની યુનિવર્સિટીઓ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સંપૂર્ણપણે ઓનલાઈન શિક્ષણ તરફ વળી ચુકી છે. મુખ્ય સચિવ પી.કે.મિશ્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોની જાળવણી હાલ ફરજીયાત બની છે તેમ છતાં આ સમયગાળા દરમિયાન શિક્ષણમાં ઘણીબધી મર્યાદાઓ વચ્ચે અનેકવિધ પડકારો પણ ઝીલ્યા હતા પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, હવે વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં આવી અભ્યાસ કરશે અને ભારતની શિક્ષણ નીતિની સાથોસાથ તેની ગુણવતામાં અનેકગણો વધારો જોવા મળશે.

Loading...