Abtak Media Google News

છોટા ઉદેપુરમાં ૩ ઈંચ, નેત્રાંગ-કામરેજ-દાહોદ-ઓલપાડ-ગરૂડેશ્ર્વર-વડીયા-જાંબુખેડા સહિતના તાલુકાઓમાં ૨ ઈંચ સુધી વરસાદ: સવારથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવા ઝાપટાંથી લઈ ૧ ઈંચ સુધી વરસાદ

નૈઋત્યના ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રવેશ થયો છે. ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હજુ ચોમાસાનું વિધિવત આગમન થયુ નથી. હાલ લોકલ ફોર્મેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સાંજે અને મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની ઈનીંગ જોવા મળી હતી. છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકામાં અનરાધાર ૪ ઈંચ વરસાદ વરસી જતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. આજે સવારથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હળવા ઝાપટાંથી લઈ ૧ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૫૪ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘાનું જોર વધુ રહ્યું છે. છોટા ઉદેપુરના કવાંટમાં ૪ ઈંચ, છોટા ઉધેપુરમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત નેત્રાંગ, કામરેજ, દાહોદ, ઓલપાડ, ગરૂડેશ્ર્વર, વડીયા અને જાંબુખેડામાં ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડેડીયાપાડા, જેતપુર પાવી, નિઝાર, બારડોલીમાં સવા ઈંચ, તિલકવાડા, ઉમરપાડા, માંગરોળ, ઘોઘાંબા, નાડોદ, નાસવાડીમાં ૧ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ચોર્યાસી, મહુવા, ધનપુર, સાગબારા, કોકરમુડા, માંડવી, નવસારી, દેવગઢ બારૈયા, જંબુસર, કરજણ, ભરૂચ, સુરત, વાળોદ, જઘડીયા, હન્સોટ, પલાસણામાં હળવા ઝાપટાંથી લઈ અડધા ઈંચ સુધી વરસાદ પડ્યો હતો.

આજે સવારથી દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરતના ચોર્યાસીમાં સવારે ૨ કલાકમાં ૨ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે તાપીના નિઝારમાં પોણો ઈંચ વરસાદ વરસ્યાના અહેવાલ મળી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદના કારણે જળાશયોમાં પણ પાણીની માતબર આવક થવા પામી છે. જગતાત ખેતીકામમાં પોરવાઈ ગયો છે.સવારથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે મેઘરાજા ક્યાંક ધીંગીધારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસાવી રહ્યાં છે. જૂનના મધ્યાહને જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સંતોષકારક તથા વાવણીલાયક વરસાદ વરસી જતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.