ગોંડલની ભૂવનેશ્વરીપીઠનું અનોખુ મહાત્મ્ય

ગુરુદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે. ગુરુદેવ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, ગુરુદેવ ભગવાન શિવજીનું સ્વરૂપ છે અને ગુરુદેવ એ સાક્ષાત્ પરાત્પર પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે.

સુપાત્ર શિષ્યને માટે તો પોતાના ગુરુદેવ જ સર્વસ્વ હોય છે. શ્રદ્ધા-ભક્તિપૂર્વક કરવામાં આવતી સદગુરુ પરમાત્માની સેવા, સુપાત્ર શિષ્યની સાંસારિક તથા પારલૌકિક હર પ્રકારની કામનાઓને સિદ્ધ કરનારી બની રહે છે.

આ સિદ્ધાંતને સાબિત કરતી ગુરુદ્રોણાચાર્ય તથા ભીલકુમાર એકલવ્યની કથા પ્રમાણભૂત છે. વિદ્યા પ્રાપ્તિની અદમ્ય ઈચ્છા લઈને ગુરુદ્રોણાચાર્ય પાસે આવેલા આ ભીલકુમાર એકલવ્યને ગુરુદ્રોણાચાર્ય શિષ્ય સ્વરૂપે સ્વીકારવાની ના પાડતા ભગ્નહૃદયે પોતાના આશ્રમમાં પરત ફરીને ગુરુદ્રોણાચાર્યની મૂર્તિ બનાવી આ મૂર્તિમાં મારા સદગુરુ પરમાત્મા સાક્ષાત બિરાજે છે એવો દૃઢ ભાવ કેળવીને તે ગુરુની મૂર્તિમાંથી દિવ્ય પ્રેરણા મેળવીને શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરી ગાંડીવ ધનુષને ધારણ કરનાર અર્જુન કરતાં પણ ઉત્તમ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરે છે.

સદગુરુ પરમાત્માના દિવ્ય મહિમાનું વર્ણન કરવું શક્ય નથી, પરંતુ આ અનુભવગમ્ય છે. તેમજ આપણા ધર્મગ્રંથોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે, કદાચ ભગવાન શિવજી કોપાયમાન થાય તો તેમના કોપથી ગુરુદેવ બચાવી શકે છે પરંતુ ગુરુદેવ કોપ કરે તો તેમાંથી ભગવાન શિવજી બચાવી શકતા નથી. આવું વિરલ વ્યક્તિત્વ ધરાવતાં ભુવનેશ્વરીપીઠ ગોંડલના જગદગુરુ આચાર્ય ચરણર્તી મહારાજના આવા દિવ્ય ઋણમાંથી મુક્ત થવું અસંભવ છે પરંતુ મન સંતોષ ખાતર દેશ-વિદેશના હજારો શિષ્યો ગુરુપૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે પુ. આચાર્ય તથા અધ્યક્ષ રાવિદર્શનજીની નિશ્રામાં જગદગુરુ બ્રહ્મલીન આચાર્ય ચરણ તીર્થ મહારાજની ચરણ પાદુકાનું પૂજન કરીને ધન્યતાનો અનુભવ કરીને પૂજ્ય આચાર્યના આશીર્વાદ પ્રાપ્ત કરી જીવન ધન્ય થયાની અનુભૂતિ કરે છે.

Loading...