Abtak Media Google News

બજેટમાં અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડના આધુનિકરણ માટે રૂ. ૭૧૫ કરોડ જેટલી રકમની જાહેરાત

શીપ રીસાયકલીંગ ક્ષેત્રે ગુજરાતનું પ્રદાન દુનિયામાં સૌથી વધુ: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટ અંગે પ્રતિક્રીયા આપતાં  કેન્દ્રીય રાજ્ય મંત્રી શીપીંગ (સ્વતંત્ર પ્રભાર), કેમીકલ્સ અને ફર્ટીલાઇઝર મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે કે, “ગુજરાત, ગુજરાતી અને ગુજરાતનો યુવાન વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી રહે તેવી જોગવાઇઓ વાળુ સર્વાંગી અને સમતોલ વિકાસની દ્રષ્ટિ સાથે સમાજનાં દરેક વર્ગોની દરકાર લેતું અને વિકાસની અનેક તકોનું સર્જન કરનાર સર્વસમાવેશી અને ઐતિહાસકિ બજેટ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલને અભિનંદન. આ બજેટ જન સામાન્યના સ્વપ્નના ગુજરાતનુ નિર્માણ કરતુ બજેટ બની રહેશે.”

આજે ગુજરાત સરકાર દ્વારા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડના આધુનિકરણ માટે રૂ. ૭૧૫ કરોડ જેટલી રકમની જાહેરાત કરેલ છે, જેને હું આવકારું છું. શીપ રીસાયકલીંગ ક્ષેત્રે ભારત દુનિયામાં નંબર વન છે તથા ભારત દેશ દુનિયાનું ૩૦% શીપ રીસાયકલીંગ કરે છે, જેમાં ૯૯%થી વધારે વ્યવસાય ગુજરાતમાં આવેલ છે. આમ, શીપ રીસાયકલીંગ ક્ષેત્રે ગુજરાતનું પ્રદાન દુનિયામાં સૌથી વધુ છે તેમ કહીએ તો ખોટું નથી. ત્યારે, તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા હોંગકોંગ કન્વેશન લાગુ કરી ‘શીપ રીસાયકલીંગ બીલ’ લાગુ કરવામાં આવેલ છે. જેથી અલંગ શીપ બ્રેકીંગ ઇન્ડસ્ટ્રીની વર્ષો જૂની જે માંગણી હતી કે શીપ રીસાયકલીંગ માટે એક કાયદો બને અને હોંગકોંગ કન્વેશનનું રેટીફીકેશન થાય, જેથી દુનિયાના વિકસિત દેશોમાંથી શીપ લાવવા શક્ય બને તે પરિપૂર્ણ થયું છે. આ કાયદો બન્યા પછી વિશ્વના નોર્વે તથા જાપાન જેવા દેશોએ ૪૦-૪૦ શીપ દર વર્ષે શીપ રીસાયકલીંગ માટે ભારતમાં મોકલવા પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી છે. આમ, આજે ભારતનું સ્થાન દુનિયાની અંદર શીપ રીસાયકલીંગ ક્ષેત્રે ખુબ આગળ વધી રહ્યું છે.

આ ઉપરાંત અલંગ શીપ રીસાયકલીંગને દુનિયાના ફલક પર મુકવા માટે ભારત સરકારનું શીપીંગ મંત્રાલય પણ કામ કરી રહ્યું છે ત્યારે, અમે પણ અમારા ફેરસ ફંડમાંથી અંદાજે રૂ.૨૦૦ કરોડ જેટલી રકમ ફાળવીને આ શીપ રીસાયકલીંગ યાર્ડને સુદ્રઢ કઈ રીતે કરી શકાય તે અંગે આગામી સમયમાં આયોજન કરીશું.

આમ અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડ એ દુનિયાનું મોડર્ન શીપ રીસાયકલીંગ યાર્ડ કેમ બને તે દિશામાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સહિયારા પ્રયત્ન કરશે.

વધુમાં અલંગ શીપ રીસાયકલીંગ માટે ભારત સરકારની કોમ્પિટન્ટ ઓથોરીટી અને નેશનલ ઓથોરીટીને ગુજરાતમાં સ્થાપવા માટે અમે વિચારણા કરી રહ્યા છીએ. આમ, અલંગ શીપ રીસાયકલીંગ માટેની માળખાગત સુવિધા પણ  ગુજરાતમાં જ ઉભી થાય તે દિશામાં ભારત સરકાર સક્રિય પ્રયત્ન કરી રહ્યું છે.

આગામી સમયમાં અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડની કેપેસીટી દુનિયા સમક્ષ રજુ કરવા માટે અલંગ ઇન્ડસ્ટ્રીઝનો એક ઇન્ટરનેશનલ એકસ્પો પણ ભારત સરકાર અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા અલંગ ખાતે આયોજીત કરવામાં આવશે. તે દિશામાં અમે વિચારણા કરી રહયા છે અને એક વર્ષે શીપ રીસાયકલીંગ એકસ્પો અને બીજા વર્ષે ઇન્ટરનેશનલ સેમીનાર થાય. આમ એકંદર વર્ષે એક આયોજન થાય જેથી દુનિયાની અંદર અલંગ શીપ રીસાયકલીંગ શક્તિને આપણે દર્શાવી શકાય તે માટે પણ આજે ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.