મોદીના નેતૃત્વમાં ભારત વિશ્ર્વગુરૂ બનશે તેવો વિશ્ર્વાસ વ્યકત કરતા કેન્દ્રીય મંત્રી અર્જૂનરામ મેઘવાલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, વી સતીષ, ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ

ભાજપા દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ ડિજિટલ વર્કશોપ યોજાઇ રહ્યા છે તેના ભાગરૂપે આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સંગઠન સહ મહામંત્રી વી. સતીષ, ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ જેમાં કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, મોદીના નિર્ણાયક અને મજબૂત નેતૃત્વમાં દેશ આત્મનિર્ભરતા તરફ અગ્રેસર બની રહ્યો છે, દેશની જનતામાં રાષ્ટ્રવાદની નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે, નાગરિકો સ્વદેશી ઉત્પાદો ખરીદવા પ્રેરિત થઈ રહ્યા છે. કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે કરવામાં આવી રહેલ નીતિગત સુધારાઓની હકારાત્મક અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સમગ્ર વિશ્વની નજર આજે ભારત ઉપર છે.

કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ તેમના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશ આજે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામેની લડત મજબૂતાઈથી લડી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપાના સર્વે જનપ્રતિનિધિઓ અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓએ જરૂરિયાતમંદો માટે ખડેપગે રહી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી છે તે બદલ હું સર્વેને અભિનંદન પાઠવું છુ. મેઘવાલે અંતમાં સ્વામી વિવેકાનન્દજીએ વર્ષ ૧૮૯૪માં કરેલા ‘૨૧ મી સદી ભારતની હશે, ભારત તમામ ક્ષેત્રે સક્ષમ હશે’નિવેદનને યાદ કર્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતોએ ઉપરાંત તેઓએ મહર્ષિ અરવિંદ, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામને પણ યાદ કર્યા હતા.

Loading...