Abtak Media Google News

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભુપેન્દ્ર યાદવ, મનસુખભાઇ માંડવીયા, ગણપતભાઇ વસાવાની ‘કમલમ’ ખાતે વિશેષ ઉપસ્થિતિ

કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ભાજપાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીજીએ નાગપુર ખાતેથી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ગાંધીનગર ખાતેથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ઝોનની વર્ચ્યુઅલ જનસંવાદ રેલીને સંબોધન કર્યું હતું.આ વર્ચ્યુઅલ રેલીમાં ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી, રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી  ભૂપેન્દ્ર યાદવ ભાજપાના દિલ્હી ખાતેના કેન્દ્રીય કાર્યાલયથી તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્ય સરકારના મંત્રી ગણપતભાઈ વસાવા પ્રદેશ કાર્યાલય ’ કમલમ’, ગાંધીનગર ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીજીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે  વિશ્વના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરવામાં સમસ્યાઓ અનુભવી રહ્યા છે, ગુજરાતે કોરોના પહેલા પણ મોરબી પ્રલય, ભૂકંપ અને દુષ્કાળ જેવા અનેક સંકટ જોયા છે, તેનો સામનો કરીને માત આપી છે અને ગુજરાત ફરી બેઠું થયું છે, એ જ પ્રકારે સમગ્ર દેશે અનેક સંકટનો સામનો કરી તેને માત કરી દેશની એકતા અને વીરતાનો પરિચય સમગ્ર વિશ્વને આપ્યો છે. કોરોના સામેની લડાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશ જાત- પાત, ધર્મ-સંપ્રદાય-ભાષાથી ઉપર ઉઠી એક બનીને લડી રહ્યો છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ  જીતુભાઈ વાઘાણીએ કેન્દ્રીય મંત્રી  નીતિન ગડકરીજી અને રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી  ભૂપેન્દ્ર યાદવ નું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં વર્ચ્યુઅલ રેલીમાં જોડાવા બદલ ઉત્તર અને દક્ષિણ ઝોનના કાર્યકર્તા મિત્રો અને શુભેચ્છક ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાઘાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં કાર્યકર્તાઓએ પોતાના પરિવારના,સ્વજનો ગુમાવ્યા છે, કેટલાક કાર્યકર્તાઓ સંક્રમિત થયા છે અને દેવલોક પામ્યા છે. તે સૌના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. કેટલાક કાર્યકર્તાઓ સારવાર હેઠળ છે. હું સારવાર લઈ રહેલા ભાજપના કાર્યકર્તાઓ તથા અન્ય દર્દીઓ ઝડપી સ્વસ્થ બને તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. ’સેવા પરમો ધર્મ’ ને ચરિર્તા કરી પોતાની ચિંતા કર્યા સિવાય ભાજપાના કાર્યકર્તાઓએ જરૂરિયાત મંદોને ખડે પગે રહી સેવા કરી છે તે વાતનું મને ગર્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.