કોરોનાને લઈ યુનિસેફની ચેતવણી: આગામી એક પેઢીનું ભવિષ્ય જોખમમાં

અત્યારે આખું વિશ્વ કોરોનાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યું છે. રસી હજુ સુધી મળી નથી અને કોરોનાનો વ્યાપ વધતો જ જાય છે. દિવસે ને દિવસે પોઝિટિવ કેસ પણ વધી રહ્યા છે. લોકો રોજે કોરોનાના પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે યુનિસેફે કોરોના વિશે એક નવો અહેવાલ બહાર પાડ્યો છે.

યુનિસેફે પોતાના નવા અહેવાલમાં કોરોના વાયરસ વિશે ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં રસી તો ઉપલબ્ધ થશે જ પરંતુ ત્યાં સુધીમાં એક આખી પેઢી નું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના ચિલ્ડ્રન્સ વર્કિંગ યુનિટનું એવું માનવું છે કે બાળકો માટેનો ખતરો ઓછો થવાને બદલે વધી રહ્યો છે.

આ અહેવાલમાં 140 દેશોમાં કરાયેલ સર્વેના આધારે, વિશ્વ ને ત્રણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે. જેમાં કોરોના ના કારણે ફેલાતા રોગચાળાના સીધા પરિણામો, જીવન જરૂરિયાતની સેવાઓમાં વિક્ષેપ અને રોજે વધતી જતી ગરીબી અને અસમાનતાનો સમાવેશ થાય છે. આ ત્રણ સમસ્યાનો સામનો કરવા વિશ્વએ તૈયાર રહેવું પડશે.

રસીકરણ અને આરોગ્ય સહિતની તમામ પાયાની સેવાઓમાં આવતા અવરોધોને સુધારવામાં નહીં આવે તો આવનાર 1 વર્ષમાં લગભગ 20 લાખ બાળકો મૃત્યુ પામી શકે છે અને વધારાના 2 લાખ બાળકો હાલ માં જન્મ લઈ શકે છે.

આ અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે શાળાઓને બંધ રાખવાથી વાયરસનો ફેલાવો ઘણો ધીમો પડ્યો છે પણ તે લાંબા સમયે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવા સમયમાં શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અહેવાલ માં જણાવ્યા મુજબ 191 દેશોનાં અભ્યાસના આંકડા દર્શાવે છે કે શાળાઓને ફરીથી શરૂ કરવાની સ્થિતિ અને કોરોના વાયરસના ચેપના દર વચ્ચે કોઈ સુસંગત સંબંધ નથી.

યુનિસેફના જણાવ્યા મુજબ રોગચાળાની પ્રથમ લહેર સમસ્યાના શિખર સુધી પહોંચે ત્યાં સુધીમાં વિશ્વનાં 90 ટકા વિદ્યાર્થીઓ (આશરે 1.5 અબજ બાળકો) તેમનું શિક્ષણ ખોરવાઈ ગયું છે અને 46.3 કરોડ બાળકો પાસે ઓનલાઇન ક્લાસની સુવિધા ઉપલબ્ધ નથી.

શાળાઓ જેટલા લાંબા સમય સુધી બંધ રહેશે તેટલાજ વધારે પ્રમાણમાં બાળકો ભણતર ની ખોટ નો ભોગ બનશે. જેના કારણે લાંબા ગાળાની નકારાત્મક અસર ઉભી થશે અને ભવિષ્યમાં આવકમાં ઘટાડો અને આરોગ્યમાં તકલીફો જેવી મુસીબતનો સામનો કરવો પડશે.

હાલના અહેવાલ મુજબ નવેમ્બર મહિના સુધીમાં 60 કરોડ બાળકો શાળા બંધ હોવાના કારણે અસરગ્રસ્ત થયા છે. ઘણા દેશની સરકારે વાયરસ કાબુમાં લાવવા માટે શાળા બંધી ના હુકમનો સ્વીકાર કર્યો છે.

Loading...