ઉનાના ગાંગડા ગામે માતા-પુત્રની આડા સંબંધના કારણે હત્યા

પતિના આપઘાતના ૨૫ દિવસ બાદ પત્ની અને પુત્રને જેઠે મોતને ઘાટ ઉતારી દીધા: આખો પરિવારના મોતથી અરેરાટી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગડા ગામે માતા-પુત્ર પર પાઇપ અને લાકડીથી હુમલો કરી જેઠે આડા સંબંધના કારણે હત્યા કરતા સનસનાટી મચી ગઇ છે. નાના એવા ગામમાં એક સાથે બે હત્યાથી અરેરાટી સાથે શોક છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંગડા ગામે રહેતી અનકબેન કનુભાઇ ગોહિલ અને તેના ૧૧ વર્ષના પુત્ર મહર્ષિ કનુભાઇ ગોહિલનું તેણીના જેઠ પ્રતાપ હમીરભાઇ ગોહિલે પાઇપ અને લાકડીથી માર મારી હત્યા કર્યાની સનખડાના લખુભાઇ કનુભાઇ ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક અનકબેન ઝાલાનું પિયર સનખડા છે તેઓના ૧૨ વર્ષ પહેલાં ગાંગડા ગામના કનુભાઇ ગોહિલ સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતા તેમના લગ્ન જીવન દરમિયાન ૧૧ વર્ષના પુત્ર મહર્ષિનો જન્મ થયો હતો. અનકબેનને સનખડાના મહેન્દ્ર રામશી રાઠોડ સાથે આડો સંબંધ હોવાથી પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી કંટાળી કનુભાઇ ગોહિલે ૨૫ દિવસ પહેલાં પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

કનુભાઇ ગોહિલે આપઘાત કરતા સુરત સ્થાયી થયેલા તેઓના મોટા ભાઇ સામતભાઇ, ખાતુભાઇ, જીલુભાઇ અને પ્રતાપભાઇ તેમજ માનસીંગ સુરતથી ગાંગડા ગામે આવ્યા હતા ત્યારે તેઓને પોતાના નાનાભાઇ કનુભાઇની પત્ની અનકબેનને સનખડાના મહેન્દ્ર રામશી રાઠોડ સાથે આડો સંબંધ હોવાના કારણે આપઘાત કર્યાનું જાણવા મળતા કનુભાઇના મોટા ભાઇ પ્રતાપભાઇ ગોહિલે અનકબેનને પાઇપ અને લાકડીથી માર મારતા તેણીને બચાવવા વચ્ચે પડેલા ૧૧ વર્ષના પુત્ર મહર્ષિને પાઇપ લાગતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ ગંભીર રીતે ઘવાયેલા અનકબેનનું પણ ઘટના સ્થળે મોત નીપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાયો હતો.

પોલીસે મૃતક અનકબેનના સનખડા ગામે રહેતા ભાઇ લખુભાઇ કનુભાઇ ઝાલાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી ઇન્ચાર્જ પી.આઇ. એસ.એમ. બાબીએ તપાસ હાથધરી છે.

Loading...