માણેકવાડાના નાનજી સોંદરવાની હત્યામાં બે યુવાનના જામીન મંજુર

38

સાડા-આઠ માસ પૂર્વે કોટડાસાંગાણી નજીક જુની અદાવતમાં ઢીમઢાળી દેવામાં છ સામે ગુનો નોંધાયો’તો

કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામના યુવાનની સાડા-આઠ માસ પહેલા કરપીણ હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલ પૈકી મહેન્દ્રસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ જાડેજાને હાઈકોર્ટે જામીન પર છોડી મુકવાનો હુકમ કર્યો છે.

વધુમાં કોટડાસાંગાણીના માણેકવાડા ગામે રહેતો નાનજી મંગા સોંદરવા નામનો યુવાન ગત તા.૯/૩/૨૦૧૮ના રોજ સાંજના સુમારે માણેકવાડા ગામેથી સોળીયા ગામ તરફ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક સાથે ગાડી અથડાવી નાનજી સોંદરવા નામના યુવકને પછાડી દઈ હથિયારો વડે મારમારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાની મૃતકના પિતા મેઘાભાઈ સોંદરવાએ કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી તરીકે જીતેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, અજયસિંહ ચંદુભા જાડેજા, જીતેન્દ્રસિંહ ચંદુભા જાડેજા અને જગદીશ ઉર્ફે જગો ભરવાડ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.

ઉપરોકત સંજોગોમાં આરોપી મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા તથા નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનુભા બહાદુરસિંહ જાડેજાએ જામીન અરજી કરેલી અને જે જામીન અરજી સેશન્સ અદાલતે નામંજુર કરતા આ તમામ આરોપીઓએ હાઈકોર્ટમાં એટ્રોસીટી એકટ હેઠળ ફોજદારી અપીલ દાખલ કરેલી હતી અને જેમાં રજુઆત કરેલ હતી કે ગુજરનારના પિતા રાત્રે હોસ્પિટલે હાજર હોવા છતાં બીજે દિવસે સાંજે હાલના આરોપીઓનું ખોટું નામ આપેલું છે.

અકસ્માતનો બનાવ બનેલ છે. ફરિયાદી હાલના અરજદારો વિરુઘ્ધ ખોટી ફરિયાદ કરવાની ટેવવાળા છે. ગ્રામજનોએ પણ ફરિયાદી વિરુઘ્ધ રજુઆતો કરેલી છે. ગુજરનારને હોસ્પિટલે લાવનાર વ્યકિતઓના તપાસનીશ અધિકારીઓએ કોઈ નિવેદનો લીધેલા નથી. આરોપીઓને ગુન્હા સાથે સાંકળતો કોઈ પુરાવો મળેલ નથી. ચાર્જશીટ કોર્ટમાં રજુ થઈ ગયેલ છે તેવી રજુઆતો કરેલી હતી જેથી હાઈકોર્ટે કાયદાકીય આધારો બચાવપક્ષની રજુઆતો ધ્યાને લઈ ઉપરોકત આરોપીઓને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલો છે. આ કામમાં યોગેશભાઈ લાખાણી, આશીષભાઈ ડગલી, ભગરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવીર બારૈયા, વિજયસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને મિલન જોષી રોકાયેલા હતા.

Loading...