Abtak Media Google News

ભગવાન કે તેમ કરાય અને ભગવાન કરે તેમ ન કરાય

શિવરાત્રી નિમિતે ગાંજાનું વેચાણ કરવા લાવ્યાની શંકા: કારમાં ડીલીવરી કરવા જતા બંને શખ્સોને એસઓજીએ દબોચી લીધા: કાર અને ગાંજો મળી રૂ. 7.10 લાખનો મુદામાલ કબ્જે

મહા શિવરાત્રીને ગણતરીના દિવસો આડે છે નિલકંઠ તો ગળામાં ઝેર રાખતા અને ધતૂરો પણ ખાતા હતા ત્યારે  શિવના નામે ગાંજાના નશા સાથે બમ બમ ભોલેના નાદ સાથે ઉજવણી કરવા બે શખ્સોએ ગાંજાનો જંગી જથ્થો મગાવી ડીલીવરી કરવા જતા હતા ત્યારે બંને શખ્સોએ કુવાડવા રોડ પર એસઓજી સ્ટાફે ઝડપી રૂા.7.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ ક્રિષ્ના વોટર પાર્ક પાસેથી પસાર થતી જી.જે.3કેએચ. 847 નંબરની સ્વીફટકારમાં ગાંજાની ડીલીવરી થતી હોવાની બાતમીના આધારે એસઓજી પી.એસ.આઇ. એમ.એસ.અન્સારી, હેડ કોન્સ્ટેબલ અનિલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી દરોડો પાડયો હતો.

બાતમી મુજબની કાર અટકાવી તલાસી લેતા કારમાંથી રૂા.4.10 લાખની કિંમતનો 41 કિલો ગાંજો મળી આવતા કારમાં બેઠેલા ભગવતીપરા આશાબા પીરની દરગાહ પાછળ રહેતા કાદર અનવર પઠાણ અને કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવાસ યોજનાના કવાર્ટર્માં રહેતા ચેતન ચમન સાપરીયા નામના શખ્સોની ધરપકડ કરી છે.

બંને શખ્સો શિવરાત્રી નિમિતે ગાંજાનો જથ્થો મગાવી ડીલીવરી કરવા જતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગાંજો કયાંથી લાવ્યા અને કોને ડીલીવરી કરવા જતા હતા તે અંગેની વિશેષ પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે બંને શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.