Abtak Media Google News

ખરીદ કરાયેલા બારદાન અંગેની તપાસ અર્થે પોલીસની ટીમ કલકત્તા, મહારાષ્ટ્રમાં ગઈ

જૂના માર્કેટીંગ યાર્ડમાં આગ લાગ્યા બાદ સળગ્યા વિનાના બચેલા બારદાનની બારોબાર વેંચી નાખવાના કૌભાંડમાં ઝડપાયેલા સૂત્રધાર મગન ઝાલાવડીયા સહિત છ શખ્સો બાદ પોલીસે વધુ બે શખ્સોની ધરપકડ કરી છે. બારદાનની ખરીદી કલકત્તા અને મહારાષ્ટ્રમાંથી કરાઈ હોવાથી તપાસ અર્થે પોલીસની ટીમ રવાના કરવામાં આવી છે.

પેઢલાની મંડળીમાં રખાયેલી મગફળીમાં ભેળસેળ કૌભાંડમાં ઝડપાયેલા તરઘડીના મગન ઝાલાવડીયાની તપાસ દરમિયાન તેને રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં બારદાનના જથ્થામાં આગ લાગ્યા બાદ કેટલોક જથ્થો બારદાનનો બચી ગયો હતો તેને બારોબાર વેંચી નાખ્યો હોવાનું બહાર આવતા બી-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો.

રૂરલ પોલીસ પાસેથી બી-ડીવીઝન પોલીસે મગન ઝાલાવડીયાનો કબજો મેળવ્યા બાદ ૧૦ દિવસના રિમાન્ડ પર લીધો હતો. ત્યારે તેની સાથે સંડોવાયેલા મનસુખ ભીખા ઉર્ફે બાબુ જેઠા લીંબાસીયા, કાનજી દેવજી ઢોલરીયા, નિરજ મનસુખ ગજેરા, ભરત હંસરાજ સંખાવરા અને કાળુ બાબુ ઝાપડા નામના શખ્સોની ધરપકડ કરી તા.૩૧ ઓગષ્ટ સુધીના રિમાન્ડ પર લીધા હતા.

પોલીસની પુછપરછ દરમિયાન મગન ઝાલાવડીયાએ મનસુખ લીંબાસીયાની મદદથી કાળુ ઝાપડાના ટ્રક દ્વારા બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા મહેશ પ્રધાન ભાનુશાળી અને જસાણી પાર્કમાં રહેતા અરવિંદ પેરાજ ઠક્કર નામના શખ્સોને સસ્તા ભાવે વેંચ્યાની કબુલાત આપતા પોલીસે મહેશ ભાનુશાળી અને અરવિંદ ઠક્કરની ધરપકડ કરી છે. બારદાનનો જથ્થો કઈ રીતે સળગ્યો તે અંગેની હજુ સુધી પોલીસને કોઈ ઠોસ વિગતો મળી ન હોવાથી આગની ઘટના અંગે કોઈ ગુનો નોંધાયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.