Abtak Media Google News

રાજય સરકાર દ્વારા મગફળીના પોષણક્ષમ ભાવ ન મળવાના બાબતે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી પરંતુ દિવસે દિવસે રાજકોટના બંને કેન્દ્રો ઉપર ભારણ વધી રહ્યું છે.જેના સંદર્ભે રાજકોટને આગામી તા.૧૬ નવે.ના રોજથી મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે વધુ બે કેન્દ્રોની શરૂઆત કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ સબયાર્હ અને બેડી યાર્ડ ખાતે એવી રીતે બે કેન્દ્રોની ફાળવણી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ફાળવવામાં આવ્યા હતા.આ વિશે રાજકોટ મા. યાર્ડના પ્રમુખ ડી.કે. સખીયાએ જણાવ્યું હતુ કે હાલ રાજકોટ ખાતે દરરોજ ૩૦ હજાર ગુણીની ખરીદી બંને કેન્દ્રો પર કરવામાં આવે છે અને હજી વધુને વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રાજકોટને વધુ બે કેન્દ્રો મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ફાળવવામાં આવ્યા છે. આ બંને કેન્દ્રો પૈકી એક કેન્દ્ર રાજકોટ સબ યાર્ડ ખાતે એટલે કે સબ યાર્ડ ખાતે હવે કુલ બે કેન્દ્રોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને બીજું કેન્દ્ર કુચીયાદળ ખાતે ફાળવવામાં આવ્યું છે. જેથી હવે દરરોજ ૫૦ થી ૬૦ હજાર ગુણી મગફળી ટેકાના ભાવે રાજકોટ ખાતે કરવામાં આવશે.આ વિશે ખેડુતોને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે સરકારનું ખૂબજ સરાહનીય પગલું છે. અને તેના માટે અમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રમુખ ડી.કે. સખીયાનો આભાર માનીએ છીએ. તેમણે વધુમાં કહ્યું હતુ કે જયારે મગફળીના પોષણક્ષમ ભાવ માટે ખેડુતો ત્રાહીમામ પોકારી ગયા હતા તેવા સમયે સરકારનું આ પગલું ખૂબજ સરાહનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.