Abtak Media Google News

જેલમાંથી એકનો કબ્જો લેવાયો; બે કોર્પોરેટર, નિવૃત પોલીસ સહિત ૬ દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરાશે

જામનગરના ચકચારી ગુજસીટોકના કેસમાં આજે પોલીસે એક આરોપીનો જેલમાંથી કબ્જો લીધો છે. બે આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે રિમાન્ડ પર રહેલા ૬ આરોપીને આજે રાજકોટ ખાતેની ગુજસીટોકની અદાલત સમક્ષ રજુ કરવા પોલીસ કાર્યવાહી કરશે. ૧૪ આરોપીઓ પૈકી ૧૦ પોલીસે ઝડપી લીધા છે. જ્યારે એક વકીલ,જયેશ પટેલ, બિલ્ડર, એક શખ્સની ધરપકડ બાકી છે.

જામનગરમાં ફરારી ભુમાફિયા , કોર્પોરેટર, બે બિલ્ડર, નિવૃત પોલીસ સહિત ૧૪ શખ્સો સામે પોલીસે ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધી ૮ લોકોની ધરપકડ કરી તમામના રિમાન્ડ મેળવ્યા હતા. આજે તપાસનીશ અધિકારી નિતેશ પાંડેએ  આ કેસના વધુ એક આરોપી એવા જાંબુડાવાળા જમીન પ્રકરણમાં પકડાઈને જેલમાં ગયેલા જશપાલસિંહ જાડેજાનો જેલમાંથી કબ્જો લીધો હતો અને તેના ભાઈ યશપાલસિંહને પણ આજે સાંજે અટકાયતમાં લીધો હતો.

બંન્નેની પુછપરછ શરુ કરવામાં આવી છે. દરમ્યાન આ કેસમાં ગત તા.૧૭ના રોજ ધરપકડ કરાયેલા ૮ આરોપીઓ પૈકીના ૧૨ દિવસના રીમાન્ડ પર રહેલા બીલ્ડર નિલેશ ટોલીયા, કોર્પોરેટર અતુલ ભંડેરી, પ્રવિણ ચોવટીયા, અનિલ પરમાર અને નિવૃત પોલીસકર્મી વશરામભાઈ મીયાત્રા એમ પાંચ આરોપીઓના તેમજ ત્રણ દિવસના રીમાન્ડ પર રહેલા બીલ્ડર મુકેશ અભંગીના આજે તા. ૨૯ના રોજ રીમાન્ડ પુરા થતા હોવાથી છ એ આરોપીઓને ગુજસીટોકની રાજકોટ ખાતેની અદાલત સમક્ષ આજે રજુ કરવા કાર્યવાહી કરવામાં આવી છે. દરમ્યાન આજે પોલીસને આ કેસમાં વધુ બે આરોપી હાથ લાગ્યા બાદ તેની પુછપરછ શરુ કરવામાં આવી છે. આ પ્રકરણ શહેરમાં ભારે ચકચારી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.