Abtak Media Google News

ઝાલોદ-જામનગર રૂટની એસટી બસને મોડીરાતે જીવલેણ અકસ્માત નડતા હાઇવે પર ટ્રાફિક જામ

કુવાડવા હાઇવે પર માલીયાસણ નજીક મોડીરાતે ઝાલોદ-જામનગર રૂટની એસટી બસ અને ટ્રક અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બસ ચાલક સહિત બેના મોત નીપજયા હતા. અકસ્માતમાં બે મહિલા સહિત છ ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઝાલોદ-જામનગર રૂટની એસટી બસ માલીયાસણ નજીક પહોચી ત્યારે આગળ જતા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી ધડાકાભેર એસટી બસ અથડાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

ટ્રક પાછળ બસ અથડાતા બસના ચાલક નવીનચંદ્ર મનુભાઇ મકવાણા અને નરવર વેસ્તા તડવીના મોત નીપજ્યા હતા. બસમાં મુસાફરી કરતા દાનુસીંગ ચૌહાણ (ઉ.વ.૧૯), દુલા નરવત તડવી (ઉ.વ.૧૪), જીગર નરવત તડવી (ઉ.વ.૪), રેશમ નરવત તડવી (ઉ.વ.૩૦), ઇલાબેન ધનજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૫) અને ક્ધડકટર હર્ષદ મણી (ઉ.વ.૪૬) ઘવાતા તમામને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ગમખ્વાર અકસ્માતમાં ખેડા જિલ્લાના પીજ ગામના બસ ચાલક નવીનચંદ્ર મકવાણા અને લીમખેડાના નરવત તડવીના ઘટના સ્થળે જ મોત નીપજયાની કુવાડવા પોલીસ મથકને જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ૧૦૮ની મદદથી ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે.

મોડીરાતે અકસ્માતના કારણે બસનો આગળનો ભાગ ભાંગીને ભુકો થયો હતો. પોલીસે બંને વાહનોને દુર ખસેડી હાઇવે પર જામ થયેલા ટ્રાફિકને પોલીસે મહામહેનતે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.