Abtak Media Google News

પાકીસ્તાનીઓ ૧૫ દિવસ પહેલા આવીપહોંચ્યા હતા. ૧૬૦૦ કરોડ હોવાનું ખુલ્યું

કચ્છમાં જખૌ નજીક ભારતીય જળસીમામાંથી ૨૧મી મે ના ૧૦૦૦ કરોડના ડ્રગ્સના જંગી જથ્થા સાથે ઝડપાયેલી પાકિસ્તાની બોટમાં સવાર ૬ પાકિસ્તાનીઓના ભુજની વિશેષ કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.અત્યારસુધી એજન્સીની પૂછતાછમાં નવા કડાકા થયા છે પાકિસ્તાનીઓ ૧૫ દિવસ પહેલા પણ અહીં આવી ચુક્યા હતા પણ રીસીવર ન પહોંચતા ડ્રગ્સ લઈ તેઓ પરત ફર્યા હતા ડ્રગ્સનો કનસાઈનમેનટ ૧૬૦૦ કરોડનો હોવાનું ખુલવા પામ્યું છે.

જખૌ ડ્રગ્સકાંડમાં ઝડપાયેલા ૬ પાકિસ્તાનીઓની સઘન પૂછપરછ બાદ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે તેમની શુક્રવારે  વિધિવત્ ધરપકડ કરી મોડી સાંજે ભુજ કોર્ટમાં રજૂ કર્યાં હતા. રીમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી.રીમાન્ડ મેળવવા માટે ડીઆરઈએ રજૂ કરેલાં ગ્રાઉન્ડના આધારે ડ્રગ્સકાંડની અન્ય કેટલીક ચોંકાવનારી માહિતી પહેલીવાર બહાર આવી છે.પાકિસ્તાની બોટ અલ મદિનામાંથી ઝડપાયેલું ડ્રગ્સ બે પ્રકારનું છે.

ડીઆરઆઈએ કરાવેલાં કેમિકલ એનાલીસીસમાં સ્પષ્ટ થયું છે કે અમુક જથ્થો બ્રાઉન હેરોઈનનો છે અને અમુક જથ્થો મોર્ફીન અને મેથેનોલયુક્ત બેઝીક આલ્કલાઈન પ્રકારના ડ્રગ્સનો છે. અલ મદિના બોટમાં રહેલા ડ્રગ્સના ૧૯૪ પેકેટનું વજન કુલ ૨૧૭ કિલો ૮૫ ગ્રામ છે.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક કિલોના પાંચ કરોડ રૂપિયે વેચાતા આ ડ્રગ્સની માર્કેટ પ્રાઈસ ૧ હજાર કરોડ થવા જાય છે.

બોટમાંથી ઝડપાયેલાં છ શખ્સોમાં ડ્રગ્સકાંડનો મુખ્ય કેરીયર સફદર અલી અલવારાયુ શેખ (ઉ.વ.૩૭, રહે. ખૈબરસહાદ કોટ, સિંધ, પાકિસ્તાન) છે. ભારતમાં બોટ મારફતે ડ્રગ્સનો જથ્થો ઘુસાડવા માટે તેણે ૭મી મે ૨૦૧૯નાં રોજ બલુચિસ્તાનમાંથી અલ મદિના બોટ ખરીદી હતી અને કરાચીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.૧૦મી મેનાં રોજ આ બોટનું કસ્ટમ ક્લિયરન્સ કરાવી તે તેમાં ૩૩૦ કિલોગ્રામ ડ્રગ્સ અને તેના સહિત કુલ ૧૧ ક્રુ મેમ્બર સાથે ભારત આવવા નીકળ્યો હતો. ૧૨મી મેનાં રોજ આ ડ્રગ્સ તેણે ભારતીય રીસીવરને સુપ્રત કરવાનું હતું. પરંતુ, કોઈક કારણોસર

૧૨મી મેનાં રોજ જથ્થો રીસીવ કરવા ભારતીય બોટ નહીં આવી શકે તેવો સંદેશ મળતાં તે બોટ સાથે પરત ફર્યો હતો. ૩૩૦ કિલો ડ્રગ્સ તેણે કરાચી નજીક સમુદ્રીવિસ્તારમાં નિર્જન બેટ પર ઉતારી દીધો હતો. ૧૪ મેનાં રોજ સફદર અલી પુન: કરાચી ગયો હતો. અહીં તેણે ખુદાબક્ષ અને ઝાહેદ નામના બે શખ્સો સાથે ડ્રગ્સની ડિલિવરી અંગે મિટીંગ કરી હતી.

જેમાં પાંચ દિવસ બાદ બાદ એટલે કે ૨૧મી મેનાં રોજ ડ્રગ્સની ડિલિવરીની ડેટ નક્કી થઈ હતી. ભારતમાંથી મોહમ્મદ રમઝાન નામનો શખ્સ બોટ લઈ ડ્રગ્સ રીસીવ કરવા આવવાનો હતો. જો કે, ૨૧મીનાં રોજ સફદરઅલી બોટ સાથે ઝડપાઈ ગયો પણ બોટમાંથી ૨૧૭.૮૫ કિલોગ્રામ ડ્રગ્સ મળ્યું છે. બાકીનું ૬૦૦ કરોડનું ડ્રગ્સ ગયું ક્યાં તે અંગે ડીઆરઆઈને કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નથી.

ડીઆરઆઈએ ઝડપેલાં છ પાકિસ્તાનીઓમાં સફદર ઉપરાંત અલ્લાહદાન અલ્લાબક્ષ, અઝીમખાન ઉસ્માનખાન, અબ્દુલ ગફૂર શકીદાદ , મોહમ્મદ ઉરસ અને અબ્દુલ અઝીઝ મોહમ્મદ ઝુમાનો સમાવેશ થાય છે. બોટમાંથી ૪૭ હજાર રૂપિયા પાકિસ્તાની ચલણ, એક સ્માર્ટફોન અને ૫ મોબાઈલ ફોન મળ્યાં છે. પ્રાથમિક પૂછતાછમાં સફદરઅલીએ વોટસએપ મારફતે ડ્રગ્સ ડિલરના સંપર્કમાં હોવાનું કબૂલ્યું છે. ભારતમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા બદલ સફદરને પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓએ ૧૦ લાખ રૂપિયા ચૂકવ્યાં હતા.

ભારતમાં આ માલ કોને સપ્લાય થવાનો હતો? સફદરને માલ ડિલિવરી કરવા તૈયાર કરનારાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયા કોણ? સફદરઅલી પાસે ડ્રગ્સનો જથ્થો કેવી રીતે પહોંચ્યો? ૬૦૦ કરોડનું ડ્રગ્સ ક્યાં ગયું? વગેરે વિવિધ મુદ્દે સફદરઅલીનું મોઢું ખોલાવવાનું બાકી છે.  કેન્દ્ર સરકાર વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશ ગોસ્વામીએ વિવિધ મુદ્દે રીમાન્ડ માટેના ગ્રાઉન્ડ રજૂ કર્યાં બાદ ભુજની વિશેષ કોર્ટના ડેઝિગન્ટેડેટ જજ મમતાબેન એમ. પટેલે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.