Abtak Media Google News

સાયકલોનીક સર્ક્યુલેશનના પગલે દરિયાકાંઠાના જિલ્લાઓ જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે અસર તેમજ જામનગર અને રાજકોટમાં આંશિક અસર દેખાશે

સિસ્ટમની અસરને પગલે દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા : વલસાડના ઉમરગામમાં સવા પાંચ ઇંચ, સુરતના કામરેજમાં અઢી ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો વધુ એક ધુઆધાર રાઉન્ડ આવવાનો છે. હવામાન વિભાગે આગામી બુધવાર અને ગુરૂવારે એમ બે દિવસની ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જેમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે. ઉપરાંત રાજકોટ અને જામનગરમાં પણ આંશિક અસર દેખાવાની છે.

તાજેતરમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવીને રીતસરનો કહેર વરસાવ્યો હતો. હવે ફરી આવો બીજો રાઉન્ડ આવવાનો છે. જો કે આ રાઉન્ડ માત્ર બે દિવસ જ ચાલવાનો છે. સાયકલોનીક સર્ક્યુલેશનને પગલે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બુધવાર અને ગુરુવારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં જુનાગઢ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડવાનો છે. આ સાથે રાજકોટ અને જામનગરમાં પણ આંશિક અસરને લીધે ભારે વરસાદ પડવાની શકયતા સેવાઇ રહી છે.

વધુમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત અને ડાંગમાં પણ બુધવાર અને ગુ‚વાર એમ બે દિવસ ભારે વરસાદ પડવાનો છે. ઉલ્લેખનીય છે કે આ સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ વર્ષથી વર્તાઈ રહી છે. જેને લીધે વલસાડના ઉમરગામમાં સવા ૫ ઇંચ, સુરતના કામરેજમાં અઢી ઇંચ, સુરતના ઉંમરપાડામાં સવા બે ઇંચ, નવસારીમાં બે ઇંચ, વલસાડના કપરપાડામાં બે ઇંચ, વડોદરાના પાદરામાં બે ઇંચ, નવસારીના જલાલપોરમાં બે ઇંચ, મહેસાણામાં પોણા બે ઇંચ, વલ્લભીપુરમાં પોણા બે ઇંચ, વાપીમાં પોણા બે ઇંચ, અંકલેશ્વરમાં પોણા બે ઇંચ, વાસોમાં પોણા બે ઇંચ, સુરતના માંગરોળમાં  દોઢ ઇંચ અને હિંમતનગરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ સૌરાષ્ટ્રમાં વરસાદ મન મુકીને વરસ્યો હતો. જેના પગલે ભારે તબાહી પણ સર્જાઈ હતી.અનેક ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા હતા. હવે ફરી આગામી બુધવાર અને ગુરુવારે મેઘરાજા મનમૂકીને વરસવાના છે.

ઉલ્લેખનીય છે કે હજુ ચોમાસાની શરૂઆત છે ત્યાં જ ડેમો, નદી અને નાળા છલકાઈ ગયા છે. ત્યારે હજુ બે દિવસનો વધુ એક રાઉન્ડ મેઘરાજા લેવાના છે. ત્યારે આ વર્ષે અતિવૃષ્ટિ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. હજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો ગત વરસાદના પાણી ઓસર્યા નથી. ત્યાં મેઘરાજાનો ફરી એક રાઉન્ડ વધુ તબાહી સર્જે તેવી દહેશત જોવા મળી રહી છે. આમ આગામી વરસાદનો રાઉન્ડ નુકસાન સર્જે તેવી ભીતિ સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.