Abtak Media Google News

જામનગર સહિત દેશભરમાં આવતીકાલથી બે દિવસની બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

બેંક કર્મચારીઓની પગાર વધારા સહિતની જુદી-જુદી માગણી અંગે કેન્દ્ર સરકાર અને ઈન્ડિયન બેંક એસોસિએશનની મંત્રણાઓનો એકાદ વર્ષથી કોઈ જ નિર્ણય ન લેતી હોવાથી ૩૦મી અને ૩૧મી મેએ રાષ્ટ્રીયકૃત બેંકના ગુજરાતના કર્મચારીઓ સહિત દેશભરના કર્મચારીઓ બે દિવસની હડતાલ પાડશે. છેલ્લા એક વર્ષમાં પગાર વધારાના પ્રશ્ને વારંવાર બેઠકો યોજાઈ તે છતાંય કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી.

ઈન્ડિયન બેંક એસો.ને પાંચમી મેએ જુદી-જુદી બેંકોના કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે યોજેલી બેઠકમાં બેંકોની આર્થિક સ્થિતિ નબળી હોવાનું કારણ આગળ ધરીને માત્ર બે ટકા પગાર વધારો આપવાની તૈયારી બતાવેલ પરંતુ કર્મચારીઓને માન્ય નથી તેથી ૩૦મી મે અને ૩૧મી મે બે દિવસ હડતાલ પાડવાનો બેંક કર્મચારીઓએ નિર્ણય કર્યાે છે.

ભારત સરકારના ચીફ લેબર ઓફિસરે સ્ટ્રાઈક-હડતાલના એલાન પછી આ મુદ્દે બેંક કર્મચારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી પરંતુ આ ચર્ચા ફળદાયી સાબિત થઈ નહોતી. આ બેઠકમાં ઈન્ડિયન બેંક એસો.ના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. કર્મચારીઓનું કહેવું છે કે બેંક કર્મચારીઓને છેલ્લ્ે ૧પ ટકાનો પગાર વધારો આપવામાં આવ્યો હતો. બીજું ૨૦૧૬-૧૭ના વર્ષમાં રાષ્ટ્રીયકૃત બેંકોનો કુલ નફો રૃા.૧,૫૯,૦૦૦ કરોડનો રહ્યો છે તેની સામે બેંક લોન એનપીએ થઈ હોવાથી જોગવાઈ કરવામાં જ નફાની રકમ વપરાઈ હોવાથી નફો ઘટયો છે. બેંકના નફાને એનપીએ સામે એડજસ્ટ કરી લઈને બેંકનો નફો ઓછો થયો હોવાનો આભાસ ઉભો કરવામાં આવી રહ્યો છે.

કર્મચારીઓને પગાર વધારાથી વંચિત રાખવા માટે આ કારણ આપવું તે ઉચિત નથી તેમજ વર્ગ-૧ થી ૩ ના કર્મચારીઓને જ માત્ર પગાર વધારાનો લાભ આપવો તે ઉચિત નથી. લેબર કમિશ્નરે કર્મચારીઓને સાંભળ્યા પછી તેમની માગણીઓને મુદ્દે નવેસરથી વિચાર કરવા ઈન્ડિયન બેન્કીંગ એસોસિએશનને જણાવ્યું છે.

જામનગર બેન્કીંગ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા મુજબ બેંક કર્મચારીઓનો વેતન વધારો તા.૧-૧૧-૨૦૧૭થી ચડત છે. કર્મચારીઓની પગાર વધારાની માગણી અન્વયે બે ટકા વધારો સ્વીકારવા તૈયારી દર્શાવાઈ હતી, પરંતુ કર્મચારી યુનિયનને આ દરખાસ્ત મંજૂર નથી.

દરેક બેંક નફો કરે છે, પરંતુ ખરાબ ધિરાણ અને જોગવાઈ આ નફો ખાય જાય છે અને બેંકને ખોટમાં દર્શાવવામાં આવે છે જેને યુનિયન દ્વારા ગેરવ્યાજબી ગણાવાઈ છે. યુનિયન એ એવી પણ માગણી કરી છે કે યોગ્ય પગાર વધારો અને અધિકારી વર્ગનું સમાધાન પણ સામે કરો, પરંતુ તે પણ માન્ય રાખવામાં આવ્યું નથી. આથી તા.૩૦ અને ૩૧  એમ બે દિવસ બેંક કર્મચારીઓ હડતાલ ઉપર જનાર છે. ભાવનગરની પણ તમામ રાષ્ટ્રીય બેંકના કર્મચારીઓ આ હડતાલમાં જોડાનાર છે તેમ રીજિયોનલ સેક્રેટરી સચિન ચૌહાણ અને જોઈન્ટ સેક્રેટરી કુલીન ધોળકિયા તથા જોઈન્ટ સેક્રેટરી કે.ડી. કલ્યાણીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.