Abtak Media Google News

એક બહેનનું મોત: ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા પોલીસની દોડધામ

ગઈકાલે વિસાવદર તાલુકાના દુધાળા ગામની બે બહેનોને ઝેરી દવા પીધેલ હાલતમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા અને આ યુવતીઓને તેના ધરાર પ્રેમીઓએ ઝેર પાયું હોવાનું પરીવાર સતત રટણ કરતો હોય સમગ્ર પંથકમાં ઘટનાના પગલે ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી. સારવાર દરમિયાન એક યુવતીનું કમકમાટી ભર્યું મોત નિપજતા વિધવા માતા પર આભ ફાટયું હતું.

ટુંકાગાળામાં ઘટનાના સમાચાર વાયુ વેગે શહેરમાં પ્રસરી જતા બનાવને લઈને સામાજીક અગ્રણીઓ અને લોકોના ટોળા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા. બનાવના વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના દુધાળા ગામે કાજલબેન મહેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ આંતરોલીયા (ઉ.વ.૧૯) તેમજ ગુલાબબેન રમેશભાઈ ખીમાણીયા (ઉ.વ.૧૬) બંને પિતરાઈ બહેનો બદગ ગામની સીમમાં ભાગીયુ રાખેલ વાડીએ ખેતી કામ કરી રહેલ ત્યારે દુધાળા ગામનો જ ભાવેશ ભરતભાઈ અને કાનો ભનુભાઈ ત્યાં આવી પહોંચેલ.

યુવતીઓને પરાણે પોતાની સાથે ઉપાડી જવાનો ઈરાદો હોય પોતાની સાથે આવવા દબાણ કર્યું હોય યુવતીઓ કાજલની સગાઈ તાજેતરમાં જ રતન ગામે થયેલ હોય અને તેવી જ રીતે ગુલાબની સગાઈ ઈટાળીયા ગામે થયેલ હોય યુવતીઓએ સાથે જવાની ના પાડતા બંને ધરાર પ્રેમીઓએ યુવતીઓને પકડીને ધરાર ઝેરી દવા પીવડાવી હોવાનું ઉપસ્થિત પરીવારે રટણ કર્યું હતું.

ટુંકી સારવાર બાદ ગુલાબનું કમકમાટી ભર્યું મોત નિપજતા પરીવાર પર આભ ફાટયું હતું. ગુલાબના પિતા રમેશભાઈ હરીભાઈ ખીમાણીયા પણ થોડા સમય પહેલા જ મૃત્યુ પામેલ હોય ગુલાબની માતાએ હૈયાફાટ ‚દનથી કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સર્જાયા હતા. વિસાવદર પીઆઈ સહિતનો કાફલો બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે લાગતા વળગતાઓના નિવેદનો લેવા પહોંચ્યો હતો. તપાસના ધમધમાટથી ગુનાનો સંપૂર્ણ ભેદ ઉકેલવા પોલીસે કસરત આદરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.