Abtak Media Google News

૧૭ સરકારી શાળા બંધ, હવે જીલ્લા કુલ ૬૮૯ સરકારી શાળા ચાલુ

જામનગર જિલ્લામાં બે વર્ષમાં ૨૦૪૩ બાળકો ખાનગી શાળા છોડી જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.આમ છતાં બે વર્ષમાં જિલ્લા પંચાયત હસ્તકની ૧૭ સરકારી શાળા ૧૫ કે તેથી ઓછા વિધાર્થીઓની સંખ્યાના કારણે મર્જ કરવામાં એટલે કે બંધ કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે.૧૭ સરકારી શાળા બંધ થતાં જિલ્લામાં સરકારી શાળાની સંખ્યા ૭૦૫ માંથી ઘટીને ૬૮૯ થતાં આમાં કયાંથી ભણે જામનગર તે પ્રશ્ન ઉઠયો છે.બીજી બાજુ સરકારી શાળા બંધ થતાં દર વર્ષે તાલ માલને તાસીરા સાથે કરવામાં આવતી પ્રવેશોત્સવની ઉજવણી,કન્યા કેળવણીની અભિયાનની સફળતા સામે સવાલ ઉભા થયા છે.

જામનગર જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા રાજય સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ ૧૫ કે તેથી ઓછી સંખ્યા વરાવતી સરકારી શાળા અન્ય સરકારી શાળામાં મર્જ કરવામાં આવી છે.ચાલુ વર્ષે ૧૬ સરકારી શાળા મર્જ કરાઇ છે.જેમાં જામનગર તાલુકાની ૨,લાલપુર તાલુકાની ૧૦ અને જામજોઘપુર તાલુકાની ૪ સરકારી પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.પરંતુ નવાઇની વાત એ છે કે,જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ માં ૮૭૮ અને વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૧૬૫ વિધાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યાનો દાવો કર્યો છે.આમ છતાં બે વર્ષમાં ૧૭ સરકારી શાળા મર્જ એટલે કે બંધ કરવામાં આવતા સરકારી શાળાના શિક્ષણ અને શિક્ષણ કચેરીની કાર્યપ્રણાલી સામે અનેક સવાલ ઉભા થયા છે.તદઉપરાંત ચાલુ વર્ષને બાદ કરતા દર વર્ષે દરેક સરકારી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી પણ કરવામાં આવે છે છતાં વિધાર્થીઓની સંખ્યા ન જળવાતા આ મુદો ખરેખર ચિંતાની સાથે તપાસનો વિષય બન્યો છે.

જામનગર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યાના અભાછે છેલ્લાં ૫ વર્ષમાં કુલ ૨૦ સરકારી શાળા અન્ય શાળામાં મર્જ એટલે કે બંધ કરવામાં આવી છે.જેમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં જામજોઘપુરની ઝીણાવારી વાડી પ્રાથમિક શાળા,વર્ષ ૨૦૧૭-૧૮ માં લાલપુરની ગોવાણા વાડી શાળા નં.૩ અને જામનગરની શંકરપુરા પ્રા.શાળા,વર્ષ ૨૦૧૮-૧૯ માં કાલાવડની નાની માટલી શાળા અને વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૬ શાળાનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લામાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી નબળા ચોમાસાના કારણે અપૂરતો વરસાદ થઇ રહ્યો છે.ત્યારે જિલ્લા પંચાયતની વાડી શાળાઓમાં મોટા ભાગે ખેતમજૂરના બાળકો અભ્યાસ કરતા હોય ખેતમજૂર હીજરત કરી જતાં અને છઠ્ઠા અને સાતમાં ધોરણમાં આવ્યા બાદ વિધાર્થીઓ ગામની મુખ્ય સરકારી શાળામાં અભ્યાસ કરવાનું પસંદ કરતા હોય વિધાર્થીઓની સંખ્યા ન જળવાઇ હોવાનું જિલ્લા પંચાયત શિક્ષણ કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.