Abtak Media Google News

ચકલ સ્કવોડ ગ્રુપે હેકીંગની જવાબદારી સ્વીકારી ૨૦૧૬માં પણ જૈકનું એકાઉન્ટ હેક થયું હતું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના સંસ્થાપક અને સીઇઓ જૈક ડોર્સીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે હેક કરવામાં આવ્યું છે. તેમના એકાઉન્ટથી હેકર્સે અનેક આપત્તિજનક અને જાતિવાદ અંગે ટ્વીટ કર્યા છે. અહેવાલ અનુસાર ઘણા ટ્વીટ અડધા કલાક સુધી તેમની પ્રોફાઇલ પર જોવા મળ્યા હતા. બાદમાં ટ્વિટરની ટેક ટીમે તેમના એકાઉન્ટને રિકવર કર્યુ છે. ડોર્સીના અંદાજે ૪૨ લાખ ફોલોઅર્સ છે.

મહત્વનું છે કે,  ચકલ સ્ક્વોડ ગ્રુપે લીધી હેકિંગની જવાબદારી સ્વીકારી છે. ટ્વિટરનું કહેવું છેકે આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. કંપનીએ એ એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે, જેણે ડોર્સીના હેક એકાઉન્ટને રીટ્વીટ કર્યું હતું. આ ઉપરાંત અન્ય કેટલાક એકાઉન્ટને પણ શંકાના આધારે બંધ કરી દેવામાં આવ્યા છે. ચકલ સ્ક્વોડ નામના એક ગ્રુપે હેકિંગની જવાબદારી લીધી છે. જૈકનું એકાઉન્ટ હેક કરીને હિટલરના સમર્થન અને નાજી જર્મની અંગે ટ્વીટ કરવામાં આવ્યા. ઉપરાંત જૈક વિરુદ્ધ જાતિવાદ અંગે ટિપ્પણી પણ પોસ્ટ કરવામાં આવી. અન્ય એક ટ્વીટમાં હેકર્સે ટ્વિટરે હેડક્વાર્ટરમાં બોમ્બ હોવાની અફવા પણ ફેલાવી હતી. ટ્વિટરે બાદમાં આ તમામ મેસેજ ડિલીટ કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જૈકનું એકાઉન્ટ હેક થઈ ચુક્યું છે. ટ્વિટર પર આ ઓનલાઇન હુમલો ડોર્સીના યૂઝર્સને કરેલા એ વાયદા બાદ થયો છે, જેમાં તેમણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટૂંક સમયમાં હેટ સ્પીટ ખતમ કરવાની વાત કરી હતી. આ પહેલા ૨૦૧૬માં પણ ડોર્સીનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. ત્યારે અવરમાઇન નામના એક હેકર ગ્રુપે તેમના એકાઉન્ટને હેક કરીને અનેક પોસ્ટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.