Abtak Media Google News

ચીન, જાપાન, સાઉથ કોરીયા, તાઈવાન તેમજ યુરોપીયન દેશોની કંપનીઓ રૂ.૨૬૨૨૦ કરોડના મુડી રોકાણ કરશે

ભારતીય કંપનીઓને કેમીકલ્સ, પેટ્રો કેમીકલ્સ, રિફાઈનરી અને ટેકસ ટાઈલ્સ સેકટરના પ્રોજેકટ સ્થાપવામાં રસ પડયો

આગામી બે વર્ષમાં ગુજરાતમાં રૂ.૧ લાખ કરોડ જેટલું તોતીંગ મુડી રોકાણ આવશે તેવા ઉજળા સંકેતો છે. ૩૫ જેટલા મહાકાય પ્રોજેકટ કલીયરન્સની વાટમાં છે. જેને બે વર્ષમાં સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ મંજૂરી મળી જશે.

કુલ ૧ લાખ કરોડના મુડી રોકાણમાંથી ૨૬૨૦૦ કરોડનું રોકાણ જાપાન, ચીન, તાઈવાન અને સાઉથ કોરીયા તેમજ યુરોપીયન દેશની કંપનીઓ કરવાની છે. સૌથી વધુ મુડી રોકાણ (રૂ.૧૮૧૦૦ કરોડ) ચીનની કંપનીઓ કરશે. સ્ટીલ, ઓટો, કેમીકલ, ફાર્માસ્યુટીકલ રિફાઈનરી અને ટેકસ ટાઈલ્સ સેકટરમાં મોટાભાગનું મુડી રોકાણ થશે.

ભારતીય કંપનીઓ કેમીકલ રિફાઈનરી, પેટ્રો કેમીકલ્સ અને ટેકસ ટાઈલ્સ સેકટરમાં મુડી રોકાણ કરવા વધુ રસ લઈ રહી છે. જયારે વિદેશી કંપનીઓને સ્ટીલ, ઓટો તેમજ પેટ્રો કેમીકલ્સ સેકટરમાં મુડી રોકાણ કરવાની ઈચ્છા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનો રૂ.૩૦ હજાર કરોડનો પ્લાન છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળે છે. ગત માર્ચ મહિનામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને વડોદરામાં એકસ્પેન્શન પ્લાન સ્થાપવાની જાહેરાત કરી હતી. જેનું કામ ૨૦૨૦ સુધીમાં પૂર્ણ થઈ જશે.

ચાઈનાના મધ્યમ અને નાના ઉદ્યોગોનું એસોસીએશન રૂ.૧૦ હજાર કરોડ, ચીનની ક્રોમીની સ્ટીલ લીમીટેડ રૂ.૬ હજાર કરોડ, ચીનની સીયાક મોટર્સ રૂ.૨ હજાર કરોડ, તાઈવાનની નાનલીવ એન્ટરપ્રાઈજ ૧૦૦ કરોડ, રશીયાનું એલએનએમકે ગ્રુપ ૪૫૦૦ કરોડ, સાઉથ કોરીયાની કુકડો કેમીકલ્સ ૩૨૦ કરોડ તેમજ જાપાનની સુઝુખી, તોસીબા અને ડેન્સો સહિતની કંપનીઓ લીથીયમ બેટરીનો પ્લાન્ટ નાખવા રૂ.૧૧૫૦ કરોડનું મુડી રોકાણ કરશે.

આ ઉપરાંત જાપાનની ટીટીઆઈપીએલ રૂ.૨ હજાર કરોડ અને મિત્સુબીસી ઈલેકટ્રીક ઓટોમેટીવ લીમીટેડ ૩૦૦ કરોડ તથા સ્વીડનની પર્સટોર્પ રૂ.૬૫૦ કરોડનું મુડી રોકાણ કરશે. ગુજરાતમાં મુડી રોકાણ કરવામાં સ્થાનિક કંપનીઓ પણ પાછળ નથી. જેએસડબલ્યુ એનર્જી લી. રૂ.૪ હજાર કરોડ, ગલ્સ પેટ્રોકેમ રૂ.૧૫૦૦ કરોડ, એસપી ઈન્ફ્રા (છારાપોર્ટ) રૂ.૫૪૦૦ કરોડ, એમઆરએફ ૪૫૦૦ કરોડ, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ ૩૫૦૦ કરોડ, ઈમામી ગ્રુપ ૧૫૦૦ કરોડ, શ્રી સીમેન્ટ ૪ હજાર કરોડ તેમજ વોલ્ટાસ લીમીટેડ રૂ.૧ હજાર કરોડનું મુડી રોકાણ ગુજરાતમાં કરશે.

આ મામલે ખાણ અને ઉદ્યોગ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મનોજ દાસે કહ્યું હતું કે, અમે રૂ.૧.૫ લાખ કરોડથી વધુ રકમનું મુડી રોકાણ આગામી ૨ થી ૩ વર્ષમાં આવશે તેવુ માનીએ છીએ. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ રૂ.૫૦૦ કરોડથી વધુના પ્રોજેકટની સમીક્ષા કરી તેની સામેની અડચણો દૂર કરી હતી. આ પ્રોજેકટ આગામી ૧ થી ૨ વર્ષમાં સંચાલીત થઈ જશે. આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતને ઈન્વેસ્ટમેન્ટમાં બુસ્ટ મળશે.

કાગળીયાના ગુંચવળા એનઆરઆઈને મુડી રોકાણ માટે બાધારૂપ

ગુજરાતના વિકાસમાં એનઆરઆઈ તરફથી થતું મુડી રોકાણ હંમેશાથી મહત્વનો ભાગ ભજવતું આવ્યું છે. શેર માર્કેટ અને ઉદ્યોગમાં નાણા રોકવા માટે એનઆરઆઈ પ્રયત્નશીલ હોય છે. જો કે, કાગળીયાની લમણાઝીંક એનઆરઆઈને મુડી રોકાણ કરવા બાધારૂપ બની ર્હયું છે. એક સર્વેનુસાર મોટાભાગના નોન રેસીડેન્ટ ગુજરાતી માને છે કે, ગુજરાત મુડી રોકાણ કરવા માટે સૌથી સુરક્ષીત સ્થળ છે. ગુજરાતની સરકાર સૌથી સ્ટેબલ છે. સરકારની પોલીસી સારી છે જો કે સમસ્યાના નિકાલ માટે થતી કાગળીયાની પ્રોસેસ ખુબજ જટીલ છે તેવું પણ એનઆરઆઈનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.