વિશ્વાસ જ સંબંધોનો શ્વાસ ટકાવી રાખે છે

રવિ અને જીલ ખુબ સારા મિત્રો હતા. બંને હંમેશા એકબીજા સાથે જ રહેતા. ખરીદી કરવા સાથે જાય, ફરવા સાથે જાય, જોબ પણ સાથે જ કરતા. બંનેને એકબીજા પ્રત્યે ખૂબ માન હતું. રવિ જીલને કંઈ કહે એ પહેલાં જ જીલ સમજી જાય અને જીલ કંઈ બોલે એ પહેલા જ રવિ સમજી જાય. બંને એકબીજા સાથે ઘણા સમયથી હતા એટલે એકબીજા વગર ચાલતું નહીં. જીલ જ્યાં સુધી રવિની સડી ના કરે ત્યાં સુધી એનો દિવસ પૂરો થતો નહીં. રવિ જ્યાં સુધી જીલને હેરાન ન કરે ત્યાં સુધી રવિને ચેન ના પડે. બંનેની દોસ્તી ખૂબ પાકી હતી.

એક દિવસ રવિને તેનો સ્કૂલનો જૂનો મિત્ર મળી ગયો. બંને ખૂબ સમય સાથે રહ્યાં હતા. આજે અચાનક તેનો મિત્ર જીગર તેને મળ્યો અને રવિ તેના મિત્રને ઘરે લઈને આવ્યો. બંનેએ ખૂબ વાતો કરી. જીલ પણ અચાનક રવિના ઘરે આવી પહોંચી. જિલને જોઈને જીગર થોડું અજીબ વર્તન કરવા લાગ્યો. થોડીવાર પછી જીલ ગઈ અને જીગર રવિને જીલ વિશે કંઈ પણ ગમે તેમ બોલવા લાગ્યો કે જીલ સારી છોકરી નથી, તેનો વિશ્વાસ કરવો નહીં, તે બધા છોકરાઓનો પોતાના કામ માટે ઉપયોગ કરે છે અને બીજું ઘણું બધું બોલ્યો.

આ સાંભળતાની સાથે જ રવિ બોલ્યો કે તું કઈ રીતે જીલ ઓળખે છે?

જીગરે કહ્યું કે એ 3 વર્ષ પહેલા મારી મિત્ર હતી. અમે પણ ખૂબ સારા મિત્રો હતા અને અમારા ઘરે પણ ખબર હતી. એને કંઈક ખરીદવું હોય તો મારી પાસે આવે અને પોતાની મિત્રો સામે મારી ખરાબ વાતો કરે. તેનો રાહુલ નામનો એક મિત્ર હતો તેની સાથે આખો દિવસ ફરે અને કંઈ તકલીફ થાય તો મારી પાસે આવે. એણે મારો ખૂબ જ ઉપયોગ કર્યો છે એટલે મેં એની સાથે દોસ્તી તોડી નાખી. એને નાની નાની વાતો સમજાતી જ નહીં અને જો કોઈ વાત વિશે ચર્ચા કરું તો મને ગમે તેમ બોલીને મારી વાત કાપી નાખતી. એના માટે કંઈ સ્પેશિયલ કરીએ તો એને યાદ જ ના રહે. એના માટે કંઈ સારું બોલીએ એને સારું લાગે એવું કંઈ આપીએ તો પણ કંઈ યાદ જ ના રહે. બસ રાહુલ તેના મગજમાં છવાઈ ગયો હતો આપણી કોઈ વાત એને યાદ જ ના રહે.

રવિએ તેને ગુસ્સામાં કહ્યું કે તારી બક્વાસ હવે બંધ કર. હું જીલ વિશે એક પણ ખરાબ શબ્દ સાંભળીશ નહીં. તું તેની સાથે ત્રણ વર્ષ પહેલા હતો પણ અત્યારે હું તેની સાથે એક વર્ષથી છું. ત્રણ વર્ષ પહેલાં એ ચાહે ગમે તેવી હોય પણ જ્યારથી હું તેની લાઈફમાં છું ત્યારથી આજ સુધી એક વર્ષમાં મેં એને ખૂબ સારી રીતે જાણી છે. એનું ચરિત્ર, એનું વર્તન, એની વાણી, એની માસૂમિયત બધી જ વાતની મને ખબર છે. તું મને ના સમજાવીશ કે જીલ કેવી છોકરી છે.

જીગર બોલ્યો કે તને તો જીલ વિશે બધી જ ખબર હતી કે ત્રણ વર્ષ પહેલાં એ કેવી છોકરી હતી તો પણ તે એની સાથે મિત્રતા કેમ રાખી છે?
રવિ બોલ્યો કે હું એને પ્રેમ કરું છું એટલે એના વિશે કંઈ ખરાબ બોલવું કે સાંભળવું મને નથી ગમતું. એ ગમે તેવી હોય પણ નાના બાળક જેવી છે.

જીલ દરવાજાની બહારથી બધું સાંભળી રહી હતી. તેને રડવું આવી ગયું કે રવિને મારા પર આટલો બધો વિશ્વાસ છે. થોડા સમય પછી બંનેના લગ્ન થઈ ગયા અને બંને ખુશીથી જીવન વિતાવવા લાગ્યા.

જરૂરી નથી કે વ્યક્તિ પહેલા કેવો હતો અને અત્યારે કેવો છે. જરૂરી છે તમારો એના પ્રત્યેનો વિશ્વાસ. કેમકે જો તમારો વિશ્વાસ મજબૂત હશે તો કોઈ તમારી મિત્રતાને તોડી નહીં શકે. કોઈ ત્રીજો વ્યક્તિ તમારી વચ્ચે આવી નહીં શકે. આજકાલના લોકોને એકબીજા પ્રત્યે વિશ્વાસ કરતા ઈર્ષા વધારે છે એટલે જ વ્યક્તિ કોઈ ત્રીજા ની વાતમાં આવીને પોતાના સારા અને સાચા સંબંધો તોડી નાખે છે.

– આર. કે. ચોટલીયા

Loading...