અમેરિકાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના હસ્તક્ષેપ મુદ્દે ટ્રમ્પ ધૂંઆપૂંઆ

ટ્રમ્પ V\S ટ્વીટર: સોશિયલ મીડિયાની ‘હદ’ નક્કી થશે ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા જાયન્ટ ટ્વીટર સાથે વાંકુ પડ્યું છે. બે દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટને સેન્સર કરવાના કારણે મામલો બીચક્યો છે. રોષે ભરાયેલા ટ્રમ્પે સોશિયલ મીડિયાને બંધ કરવા સુધીની ચેતવણી પણ આપી દેતા સમગ્ર વિવાદ ઉપસી આવ્યો છે.

થોડા સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ૨૦૨૦માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્વીટર હસ્તક્ષેપ કરશે તેવો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ફરીથી તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ તરીકે હું આ વાત ક્યારેય ચલાવી નહીં લઉં. અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના અટકચાળાનો વિવાદ સામે આવ્યો છે. અગાઉ પણ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે રશિયાએ હસ્તક્ષેપ કર્યો હોવાની વાત સામે આવી હતી.

ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વિરોધી અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે. અમે આવી બાબતોને નિયંત્રીત કરીશું અથવા તો બંધ જ કરાવી દેશું. વર્ષ ૨૦૧૬માં પણ સોશિયલ મીડિયા દ્વારા આવી રીતે પ્રયાસ થયો હોવાનો ગંભીર આક્ષેપ ટ્રમ્પ દ્વારા થયો હતો.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારા કહ્યાં મુજબ ટ્વીટર હવે ફરીથી રંગ બતાવવા લાગ્યું છે. ટ્વીટર સામે મોટા પગલા લેવામાં આવશે. અમેરિકાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ભરપુર પ્રયોગ થયો હતો. અલબત સોશિયલ મીડિયા થકી મતદારની નિર્ણય શક્તિ ઉપર અસર થતી હોવાનો આક્ષેપ પણ ચૂંટણી સમયે ઉઠ્યો હતો. હવે ફરીથી ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિવાદોનો વંટોળ ઉઠયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે સોશિયલ મીડિયાની સેન્સરશીપ અંગે ગંભીર બની ગયા છે. આગામી સમયમાં ટ્વીટર સહિતના પ્લેટફોર્મ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ એકશન લઈ શકે તેવી શકયતા છે.

Loading...