અમેરિકાની ચૂંટણી મોસમમાં ભારત, ચીન અને રશિયાના ખરાબ હવામાનની ‘આંધી’ ઉડાડતા ટ્રમ્પ

કોરોના, જળવાયુ પરિવર્તન અને ઉત્તર કોરિયાને લઈ ટ્રમ્પ-બિડન વચ્ચે જુબાની જંગ

ભારત, ચીન અને રશિયામાં હવા શુઘ્ધતાનું સ્તર ખુબ નીચું: પ્રદૂષણ નિયંત્રણ માટે કોઈ પગલા ન લીધા હોવાનો ટ્રમ્પનો આરોપ

અમેરિકાની ચુંટણીને આડે થોડા દિવસો જ બાકી રહ્યા છે જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના હરીફ જો બિડેનના આક્રમક વલણના પગલે દુનિયાભરની મીટ મંડાવનારી બની છે. શાસક અને વિપક્ષ એમ બે જ પક્ષનું રાજકારણ ધરાવતા લોકતંત્રમાં ત્રીજા વિકલ્પનું કોઈ સ્થાન ન હોવાથી સજાગતાને લઈ શાસક અને વિપક્ષ બંને હંમેશા જાગતા જ રહે છે. આજે અંતિમ પ્રેસિડેન્શિયલ ડિબેટ નૈશવિલ ખાતે યોજાઈ હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડન વચ્ચે ખરાખરીની જુબાની જંગ છેડાઈ હતી. બંને નેતાઓએ કોરોના મહામારી, જળવાયું પરિવર્તન તેમજ ઉતરકોરિયામાં નસ્લી ભેદભાવને લઈ એકબીજા પર તિક્ષ્ણ પ્રહારો કર્યા હતા.

આ દરમિયાન ટ્રમ્પે ભારત, ચીન અને રશિયા પર પણ નિશાન સાધી હવામાન સંબંધી આંધી યુએસના ચુંટણી મોસમમાં ઉડાવી હતી. ટ્રમ્પે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ભારત, ચીન અને રશિયા સહિતના દેશોમાં શુઘ્ધ હવાનું સ્તર ખુબ નીચું છે. તેમણે જળવાયું પરિવર્તનને લઈ કહ્યું કે, ભારત દેશને જોવો ત્યાં કેટલી દુષિત હવા છે. ચીન રશિયાને જોવો ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. આ દેશોએ પ્રદુષણ નિયંત્રણ માટે કોઈ પગલા લીધા ન હોવાનો આરોપ મુકયો છે. ટ્રમ્૫ના આ નિવેદન બાદ ભારતમાં ગત વર્ષે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ પણ નાગરીકોએ સવાલો ઉઠાવ્યા છે. નમસ્તે ટ્રમ્પ અને હાઉડી મોદી કાર્યક્રમોનું આ જ પરિણામ છે તેમ કહી લોકોએ કટાક્ષ પણ કર્યા છે.

નોંધનીય છે કે, અમેરિકા અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના રાજકારણ પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રભાવ સવિશેષ જાણિતો છે. મોદી મેજીકથી ટ્રમ્પ પુરેપુરા પ્રભાવિત છે. મોદીની મિત્રતા અને હાઉડી મોદી જેવા કાર્યક્રમો અત્યારે અમેરિકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યા છે. નરેન્દ્ર મોદીના પગલે રાજકીય સફળતા માટે આગળ વધી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકનોના દિલ જીતવા સ્થાનિક મુદાઓને બદલે વિશ્ર્વમંચ પર અમેરીકાના હરીફોેને લઈને ચુંટણીમુદા બનાવવાની રણનીતિ તૈયાર કરી છે ત્યારે આ અંતિમ બેઠકમાં ટ્રમ્પના નિવેદનથી અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડિબેટ દરમિયાન દાવો કર્યો હતો કે, અમેરિકામાં સૌથી ઓછુ કાર્બન ઉત્સર્જન થાય છે જયારે એશિયાઈ દેશ ભારત, ચીન અને રશિયામાં આનું પ્રમાણ વધારે છે જે હવા પ્રદુષણ માટે જવાબદાર છે.

આ મુદા ઉપરાંત ટ્રમ્પ અને બીડેન વચ્ચે નોર્થ કોરિયાને લઈને પણ તકરાર થઈ હતી. કોરોના મહામારીને લઈ ટ્રમ્પે કહ્યું કે, આગામી થોડા દિવસોમાં રસી તૈયાર થઈ જશે જયારે આની સામે પલટવાર કરતા બીડને કહ્યું કે, કોરોના સામે લડવા માટે ટ્રમ્પ પાસે કોઈ પ્લાન છે જ નહીં અને આવા વ્યકિતએ રાષ્ટ્રપતિપદ પર રહેવું ન જોઈએ.