Abtak Media Google News

સૌરાષ્ટ્રભરનાં ટ્રાવેલ એજન્ટોના આ એસોસિએશનથી પ્રવાસીઓમાં વિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ કરાશે: હોદેદારો ‘અબતક’ની મુલાકાતે

સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજા ફરવાની શોખીન છે અને વેકેશનમાં દેશ-વિદેશમાં કયાંકને કયાંક પ્રવાસ કરતી હોય
છે. અહીંથી બિઝનેસના કામે વિદેશ જવાવાળાની સંખ્યા પણ ઘણી છે.

ઘણા સંજોગોમાં સ્થળ પસંદગીથી લઈને હોટેલ બુકિંગ સહિતના મુદ્દે પ્રવાસીઓ સાથે છેતરપિંડી થતી હોય છે ત્યારે આવી પ્રવૃતિ બંધ થાય અને પ્રવાસીઓમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય તેવા હેતુથી રાજકોટમાં ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સૌરાષ્ટ્રની રચના થઈ છે ત્યારે એસો.ના હોદેદારોએ અબતકની શુભેચ્છા મુલાકાત લઈને વિસ્તૃત વિગત આપી હતી.

ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સૌરાષ્ટ્રનાં પ્રમુખ તરીકે કલ્પેશ સાવલિયાની વરણી થઈ છે.આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ વ્યાસ, મંત્રી તરીકે અમેશ દફતરી, સહમંત્રી તરીકે મૌલિક વિંછીયા, ખજાનચી તરીકે બાદલ પટેલ અને સહ ખજાનચી તરીકે કૌશિક ટાંકની વરણી કરવામાં આવી છે.

આ એસોસિએશનની એકિઝકયુટિવ કમિટીમાં જીતુભાઈ લાખાણી, કલ્પેશ રૈયાણી, ધીરેન ખાખરા, અભિનવ પટેલ, મહેશ રાઠોડ તથા કેયુર ગોંડલીયા અને એડવાઈઝરી કમિટીમાં મિલન કોઠારીની વરણી કરવામાં આવી છે. આ સિવાયના મોરબી ચેપ્ટરની જવાબદારી વિજય પટેલને સોંપવામાં આવી છે.

આ એસોસિએશનનાં સભ્યો માટે સમયાંતરે ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવામાં આવશે. સભ્યો વચ્ચે માહિતીઓનું આદાન પ્રદાન થાય તેવા કાર્યક્રમો, ટુરિઝમ એકિઝબિશન, કાનુની સલાહ, ગ્રુપ ઈન્સ્યુરન્સ, મનોરંજક કાર્યક્રમો, સ્પોર્ટસ ઈવેન્ટ, ટુરિઝમ એવોર્ડ, પ્રવાસ વગેરેનું આયોજન પણ કરવામાં આવશે.

પ્રવાસે જનારા લોકોને તમામ પ્રકારની માહિતી મળી રહે અને કોઈ સાથે છેતરપિંડી ન થાય તેવો પ્રયાસ કરવામાં આવશે. ઘણા લેભાગુ લોકો ટ્રાવેલ એજન્ટ બનીને લોકોને છેતરતા હોય છે. આવા લોકોને એસોસિએશનમાં સભ્ય નહીં બનાવાય એટલું જ નહીં જો એસોનાં સભ્ય સામે પણ કોઈ ફરિયાદ આવશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં આ એસોસિએશન સાથે ૧૧૦ ટ્રાવેલ એજન્ટો જોડાયા છે અને હજુ વધુ જોડાશે. આ એસોની ઓફિસ પ્રભાવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, ૧૦૯, સ્ટાર પ્લાઝા, ફુલછાબ ચોક ખાતે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.