Abtak Media Google News

Table of Contents

બિમાર કોંગી કોર્પોરેટર સ્નેહાબેન દવે એમ્બ્યુલન્સમાં સભાસ્થળે આવ્યા પરંતુ ભાજપનાં શાસકોએ સ્ટ્રેચરમાં સભાગૃહમાં આવે તો જ હાજરી પુરાશે તેવી  જીદ સાથે ધરાર ગેરહાજરી પુરાવી: સાયકલ લઈને પહોંચેલા પાંચ કોર્પોરેટરોની પણ ઓડિટોરીયમથી અટકાયત કરી પોલીસ પણ બની કાર્યકર

૭૦ પ્રશ્ર્નો પૈકી ૧ માત્ર પ્રશ્ર્નની અઘ્ધકચરી ચર્ચાથી ભાજપનાં નગરસેવકો સંતુષ્ટ: જનરલ બોર્ડનો ૩૦ મિનિટમાં સંકેલો: કોંગ્રેસનાં નગરસેવકો બોર્ડમાં ધરણા પર બેસી ગયા બાદમાં કર્યો બોર્ડનો બહિષ્કાર

રાજકોટ મહાનગરપાલિકાનાં ૪૭ વર્ષનાં ઈતિહાસમાં છેલ્લા ૪૨ વર્ષથી સતા સુખ ભોગવી રહેલા ભારતીય જનતા પાર્ટીનાં શાસકોને જાણે સત્તાનો જોર નશો ચડયો હોય તેવું લાગી રહ્યું છે. આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શાસકોમાં દાદાગીરીનું બેફામ સંક્રમણ થયું હોય તેવું જોવા મળ્યું હતું તો બીજી તરફ અહમનાં કારણે માનવતા જાણે મરી પડવાની હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બિમારીથી પીડાતા વોર્ડ નં.૧૮નાં મહિલા કોંગી કોર્પોરેટર સ્નેહાબેન દવે એમબ્યુલન્સમાં સભા સ્થળે પહોંચ્યા હતા પરંતુ ભાજપનાં શાસકોએ એવો આગ્રહ રાખ્યો હતો કે તેઓ સ્ટ્રેચરમાં ગમે તેમ કરી સભાગૃહમાં આવે તો જ તેઓની હાજરી પુરવામાં આવશે. હાજરી મુદ્દે બોર્ડમાં ભારે હોબાળો મચ્યા બાદ કોંગી કોર્પોરેટરો ધરણા પર બેસી ગયા હતા. અંતે બહુમતીનાં જોરે શાસકોએ તેઓનો અવાજ દબાવી દેતા બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. પોલીસ પણ જાણે ભાજપની કાર્યકર બની ગઈ હોય તેમ સાયકલ લઈ ઓડિટોરીયમ ખાતે પહોંચેલા પાંચ કોંગી કોર્પોરેટરોની અટકાયત કરી લેવામાં આવી હતી. ૭૦ પ્રશ્ર્નો પૈકી એક પ્રશ્ર્નની અઘ્ધકચરી ચર્ચા કરી ભાજપે સંતોષ માની લીધો હતો અને ૩૦ મિનિટમાં જ બોર્ડની કાર્યવાહી આટોપી લેવામાં આવી હતી.

મહાપાલિકાનું એપ્રિલ માસનું મોકુફ રખાયેલું જનરલ બોર્ડ આજે સવારે શહેરનાં રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મળ્યું હતું જેમાં રાબેતા મુજબ પ્રજાનાં પ્રશ્ર્નો હોમાય ગયા હતા અને બોર્ડ ખોટા હોબાળા અને દેકારામાં વેડફાઈ ગયું હતું. પેટ્રોલ-ડીઝલનાં સતત વધતા જતા ભાવનાં વિરોધમાં ઓડિટોરીયમ ખાતે સાયકલ લઈને પહોંચેલા કોંગ્રેસનાં કોર્પોરેટર વિજય વાંક, ઘનશ્યામસિંહ જાડેજા, જાગૃતિબેન ડાંગર, જયાબેન ટાંક સહિતનાં પાંચની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. વોર્ડ નં.૧૮નાં મહિલા કોંગી કોર્પોરેટર સ્નેહાબેન દવે બિમાર હોય તેઓ બોર્ડમાં હાજરી આપવા માટે એમ્બ્યુલન્સમાં આવ્યા હતા. દરમિયાન વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ એવી માંગણી કરી હતી કે, એમ્બ્યુલન્સમાં આવેલા સ્નેહાબેનની હાજરી એમ્બ્યુલન્સમાં જ પુરી લેવામાં આવે જેની સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. સામાન્ય રીતે જયારે બિમારીનો વિષય આવે ત્યારે માનવતા ખાતર પણ નીતિ-નિયમો છોડી દેવાના હોય છે પરંતુ ભાજપનાં સિનિયર કોર્પોરેટર કશ્યપભાઈ શુકલએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે કયાં નિયમ હેઠળ કોઈ નગરસેવકની સભાગૃહનાં બદલે બહાર હાજરી પુરી શકાય જે પ્રશ્ર્ને ભારે હોબાળો સર્જાયો હતો. સભા અધ્યક્ષ મેયરે પણ એવો આગ્રહ રાખ્યો હતો કે સ્નેહાબેન સ્ટ્રેચરમાં સભાગૃહમાં આવશે તો જ તેઓની હાજરી પુરવામાં આવશે. આ મુદ્દે બોર્ડમાં સારો એવો હોબાળો બોલી ગયો હતો. વંદે માતરમ બાદ બોર્ડની કાર્યવાહી શરૂ ‚થતા કોંગ્રેસનાં કોર્પોરેટરોએ એવી માંગણી કરી હતી કે,  સાયકલ લઈને સભાસ્થળે પહોંચેલા જે પાંચ કોર્પોરેટરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તે પાંચેય કોર્પોરેટરોને મેયર સભાગૃહમાં હાજર કરે ત્યારબાદ જ બોર્ડની કાર્યવાહી શ‚રૂ કરવામાં આવે.

Img 4388

કોંગ્રેસની આમ આદમી સામે ભાજપનાં કોર્પોરેટરોએ ભારે દેકારો બોલાવ્યો હતો અને એવી દલીલ કરી હતી કે, નિયમોનો ભંગ કરવામાં આવે અને જો પોલીસ કોઈપણ વ્યકિત કે નગરસેવકની અટકાયત કરે તો તેને છોડાવી સભાગૃહમાં લાવવાની જવાબદારી મેયરની હોતી નથી. હાજરી મુદ્દે સામ-સામી આક્ષેપબાજી જામી હતી. ભાજપનાં કોર્પોરેટરોએ ‘ખોટી નાટકબાજી બંધ કરો, બંધ કરો’ તેવા સુત્રોચ્ચાર પોકાર્યા હતા તો સામાપક્ષે કોંગ્રેસે પણ ‘ભાજપ તારી દાદાગીરી નહીં ચાલે, નહીં ચાલે’ તેવા ઉગ્ર સુત્રોચ્ચારો પોકાર્યા હતા. કોર્પોરેટરોની હાજરી મુદ્દે વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઘનશ્યામસિંહ જાડેજા, મનસુખ કાલરીયા સહિતનાં કોંગી કોર્પોરેટરો ઓડિટોરીયમમાં ધરણા પર બેસી ગયા હતા જેઓને મેયરનાં આદેશ બાદ માર્શલ અને પોલીસે ટીંગાટોળી કરી બહાર કાઢયા હતા. હાજરી મુદ્દે ઉગ્ર હોબાળો થયા બાદ કોંગ્રેસનાં કોર્પોરેટરોએ જનરલ બોર્ડનો બહિષ્કાર કરી દીધો હતો.

Img 4492

આજે જનરલ બોર્ડમાં ભાજપનાં ૧૪ કોર્પોરેટરોએ ૧૬ સવાલો અને કોંગ્રેસનાં ૧૯ કોર્પોરેટરોએ ૫૪ સવાલો સહિત કુલ ૭૦ સવાલો બોર્ડનાં પ્રશ્ર્નોતરીકાળમાં રજુ કર્યા હતા. કોંગ્રેસનાં બહિષ્કાર બાદ જાણે બોર્ડ ચલાવવા માટે ભાજપને છુટ્ટો દોર મળી ગયો હોય તેમ પ્રિતીબેન પનારાનાં એક પ્રશ્ર્નની અઘ્ધકચરી ચર્ચા કરી તમામ નગરસેવકો સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ ગયા હતા અને પ્રશ્ર્નોતરીકાળ પૂર્ણ કરી મુખ્ય એજન્ડા હાથ પર લઈ લેવામાં આવ્યા હતા. ૩૦ મિનિટમાં જનરલ બોર્ડ પૂર્ણ થઈ જતા પ્રજાનાં પ્રશ્ર્નોનું ફરી એક વખત બાષ્પીભવન થઈ ગયું હતું. બોર્ડમાં એક મુખ્ય ઉપરાંત બે અરજન્ટ બિઝનેસ દરખાસ્તને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જયારે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ઘંટેશ્ર્વર, મોટામવા, મુંજકા અને માધાપર ગામનો સમાવેશ કરવાની દરખાસ્તને મંજુરી આપવા બદલ રાજય સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ભાજપે ભુતકાળમાં સંકલન બેઠકમાં હાજરી પુરી હતી

Img 4520 1

જનરલ બોર્ડમાં આજે હાજરી મુદ્દે ભારે દેકારો બોલી ગયો હતો. એમ્બ્યુલન્સમાં આવેલા કોંગ્રેસનાં નગરસેવિકા સ્નેહાબેન દવે જો સ્ટ્રેચરમાં સભાગૃહમાં આવશે તો જ તેઓની હાજરી પુરવામાં આવશે તેઓ આગ્રહ રાખનાર સતાધારી પાર્ટી ભાજપનાં નગરસેવકો અગાઉ જનરલ બોર્ડ પૂર્વે મળતી ભાજપની સંકલન બેઠકમાં જ હાજરી પુરી લેતા હતા અને મન પડે તો સભાગૃહમાં આવતા હતા અન્યત્ર બારોબાર ચાલતી પકડી લેતા હતા. પોતાનો ભુતકાળ ભુલી આજે ભાજપે એવો આગ્રહ રાખ્યો હતો કે જે નગરસેવક જનરલ બોર્ડમાં સભાગૃહમાં હાજર હશે તેની હાજરી પુરવામાં આવશે. પરીણામે કોંગ્રેસનાં અનેક નગરસેવકો હાજર હતા અને બોર્ડની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. તેઓની ગેરહાજરી પુરાય હતી.

વ્યવસાય વેરામાં ૫૦ ટકા માફીની કોંગ્રેસની દરખાસ્ત અંગે ચર્ચા પણ નહીં !

મહાપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં એકમાત્ર દરખાસ્ત મંજુરી અર્થે રજુ કરવામાં આવી હતી જયારે અરજન્ટ બિઝનેસ તરીકે બે દરખાસ્ત રજુ થઈ હતી જેને મંજુરીની મહોર મારવામાં આવી હતી. વોર્ડ નં.૩નાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ મનસુખભાઈ કાલરીયા અને સંજયભાઈ અજુડીયાનાં ટેકાથી બોર્ડ સમક્ષ એક દરખાસ્ત રજુ કરી હતી જેમાં લોકડાઉનની સ્થિતિ બાદ ધંધા-રોજગાર પર ખુબ જ માઠી અસર પડી છે. આવામાં વેપારીઓને વ્યવસાય વેરામાં ૫૦ ટકા સુધીની રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. બહુમતીનાં નશામાં ચકનાચુર ભાજપે કોંગ્રેસની આ દરખાસ્ત અંગે એક શબ્દ પણ ચર્ચા કરવાની ખેવના લીધી ન હતી અને બધુ મંજુર, બધુ મંજુર એમ કહીને ગણતરીની મિનિટોમાં જ બોર્ડની કામગીરી આટોપી લીધી હતી.

સભાગૃહમાં નહીં હોય તેની ગેરહાજરી પુરાશે, સતત  ત્રણ બોર્ડમાં ગેરહાજર રહેનાર ગેરલાયક ઠરશે: મેયર

જનરલ બોર્ડની બેઠકમાં આજે સભા અધ્યક્ષ એવા મેયર બીનાબેન આચાર્ય કંઈક અલગ જ મુડમાં હોય તેવું લાગતું હતું. ૩૦ મિનિટમાં બોર્ડની કામગીરી આટોપાયા બાદ મેયરે એવી ઘોષણા કરી હતી કે, આજનાં બોર્ડમાં હાલ જે નગરસેવકો સભાગૃહમાં હાજર છે તેઓની જ હાજરી પુરવામાં આવશે. બોર્ડનો બહિષ્કાર કરનાર કોંગ્રેસનાં એક પણ કોર્પોરેટરની હાજરી પુરવામાં આવશે નહીં. આટલું જ નહીં સતત ત્રણ બોર્ડમાં જે નગરસેવક ગેરહાજર છે તેને ગેરલાયક ઠેરવવા માટેની પણ પ્રક્રિયા કરવામાં આવશે. સામાન્ય રીતે શહેરનાં પ્રથમ નાગરિક તરીકે મેયરે માનવતા દાખવવાની આવશ્યકતા હતી અને બિમાર હોવા છતાં એમ્બ્યુલન્સમાં બોર્ડમાં આવેલા સ્નેહાબેન દવેની હાજરી પુરવા માટે સ્ટાફને એમ્બ્યુલન્સ સુધી જવાની સુચના આપવાની જરૂરીયાત હતી પરંતુ મેયરને પોતાનાં હોદાનો અહમ હોય તેમ તેઓએ સ્નેહાબેન સ્ટ્રેચરમાં સભાગૃહમાં આવશે તો જ હાજરી પુરવામાં આવશે તેઓ આગ્રહ રાખ્યો હતો. જયારે વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા સ્નેહાબેનને સ્ટ્રેચર સાથે સભાગૃહમાં લાવવા માટે તૈયાર થયા ત્યારે પ્રથમ નાગરિકે એવી રોન કાઢી હતી કે હવે બોર્ડની કામગીરી શરૂ થઈ ગઈ છે અને હાજરી પુરી શકાય નહીં.  ટુંકમાં ધરાર સ્નેહાબેનની ગેરહાજરી પુરાવી હતી. બોર્ડમાં ભાજપનાં નીતિનભાઈ ભારદ્વાજ અને દક્ષાબેન ભેંસાણીયા જયારે કોંગ્રેસનાં અતુલભાઈ રાજાણી અને માસુબેન હેરભાએ રજા રીપોર્ટ મુકયા હતા તો ભાજપમાંથી ઉદયભાઈ કાનગડ, જયારે કોંગ્રેસમાંથી ગાયત્રીબા વાઘેલા, મનસુખભાઈ કાલરીયા, વિજયભાઈ વાંક, જાગૃતિબેન ડાંગર, વશરામભાઈ સાગઠીયા, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ એન. જાડેજા અને નિર્મલભાઈ મારૂ ગેરહાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.