Abtak Media Google News

રાત્રે બે વાગે સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હોવાનું તારણ: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા

મહારાષ્ટ્રના ભંડારામાં શનિવારે મોટી દુર્ઘટના બની ગઈ છે. અહીંની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાતે બે વાગ્યે આગ લાગી ગઈ હતી, જેમાં ૧૦ બાળકનાં મોત થયાં છે, જેમની ઉંમર એક દિવસથી માંડી ૩ મહિના સુધીની છે. આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે.

જિલ્લા કલેક્ટર સંદીપ કદમ, એસપી વસંત જાધવ, એએસપી અનિકેત ભારતી, જિલ્લા સર્જન ડો. પ્રમોદ ખંડાતે ઘટનાસ્થળ પર હાજર છે. સ્વાસ્થ્ય ડે. ડાયરેક્ટર સંજય જયસ્વાલ પણ નાગપુરથી ભંડારા માટે રવાના થઈ ચૂક્યા છે. આગ સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં સવારે ૨ વાગ્યે લાગી હતી. યુનિટમાંથી સાત બાળકને બચાવી લેવાયાં છે, સાથે જ દસ બાળકનાં મોત થયાં છે.

આખી હોસ્પિટલને પોલીસે બંધ કરાવી દીધી છે. સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. શ્વાસ રૂંધાવાથી મરનારાં બાળકોનું પોસ્ટમાર્ટમ નહીં કરવામાં આવે. ઘટના પાછળનું કારણ શોધીને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.

નર્સે ધુમાડો જોઈને તાત્કાલિક જાણ કરી પણ…

આ વોર્ડમાં લગભગ ૧૭ બાળક હતાં. અહીં નાજુક સ્થિતિવાળાં બાળકોને રાખવામાં આવે છે. સૌથી પહેલા એક નર્સે વોર્ડમાંથી ધુમાડો નીકળતાં જોયો. તેણે તાત્કાલિક હોસ્પિટલના અધિકારીઓને આની જાણ કરી. ત્યાર પછી સ્ટાફે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. આની ફાયરબ્રિગેડને પણ જાણ કરી દેવાઈ. ફાયરકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. ઘટના પછી હોસ્પિટલની બહાર ભીડ ભેગી થઈ ગઈ છે. લોકોનો આરોપ છે કે ઘટના માટે હોસ્પિટલ તંત્ર જવાબદાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.