Abtak Media Google News

તરવડા ગામે મિત્રની વાડીએ જમી પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત  એકની એક બહેનના એકલૌતા ભાઈના મોતથી પરિવારમાં શોક

રાજકોટના મવડી નજીક બાઈક સ્લીપ થતા રાજકોટના ટ્રાફીક વોર્ડનનું મોત નિપજયું હતુ જયારે મિત્ર કોન્સ્ટેબલને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. યુવાનના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાથમિક વિગત મુજબ રાજકોટના કેસરી પુલ નજીક આવેલા ખોડિયારપરામાં રહેતા અને ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવતા કિશન અનુપકુમાર પેથાણી નામનો ૨૧ વર્ષનો રાવળદેવ યુવાન પોતાના કોન્સ્ટેબલ મિત્ર અજય લાખાભાઈ બારૈયાના બાઈક પાછળ બેસી લોધીકાના તરવડા ગામેથી પરત આવતા હતા ત્યારે મવડી નજીક બાઈક સ્લીપ થતા બંનેને સારવાર અર્થે અહીની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ગંભીર રીતે ઘવાયેલા ટ્રાફીક બ્રિગેડ કિશન પેથાણીનું સારવાર દરમિયાન મોત નિપજતા તેના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મૃતક કિશન પેથાણી મિત્રો સાથે લોધીકાના તરવડા ગામે મિત્ર રવિરાજસિંહની વાડીએ જમવા ગયો હતો ત્યાંથી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. અને મૃતક ટ્રાફીક બ્રિગેડમાં ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું અને એકની એક બહેનનો એકલૌતો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.