Abtak Media Google News

૨૦૧૯નું વર્ષ લઘુ ઉદ્યોગકારો માટે ખુબજ મહત્વનું બની રહેશે

કેન્દ્રીય વિત્ત રાજય મંત્રી શિવપ્રસાદ શુકલની અધ્યક્ષતાવાળી કમીટીના એક મંત્રી મંડળના સમૂહે નાના ઉદ્યોગોને જીએસટી રજિસ્ટ્રેશન માટે છુટ આપવાનો સુજાવ કર્યો હતો. વાત કરવામાં આવે તો જીએસટી કાયદો લાગુ થયા બાદ જીએસટી રિટર્ન પહેલા માસીક ત્યારબાદ ત્રિમાસીક અને છેલ્લે વાર્ષિક કરવાનો નિર્ણય લીધો હતો. એમાં પણ જે ઉદ્યોગકાર ૫ ટકા જીએસટી પ્રથમ ભરી દે તો તેને દોઢ કરોડ સુધી રાહત આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સાથો સાથ જીએસટી રજિસ્ટ્રેશનની છુટ ૨૦ લાખ રૂપિયાથી વધારી દેવાની પણ મંત્રી મંડળ દ્વારા માંગ કરવામાં આવી હતી. ત્યારે મંત્રી મંડળના સમુદાયે આ અંગેનો નિર્ણય કેન્દ્રીય વિત્ત મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠક પર છોડી દીધુ છે.

લો કમીટી દ્વારા પણ જીએસટી રજિસ્ટ્રેશનની છુટ ચાર લાખ રૂપિયાની સુધી ટર્નઓવર કરતી કંપનીઓ માટે સુજાવ આપવામાં આવ્યો હતો. જેનું દિલ્હી સરકારે પણ સમર્થન આપ્યું છે. ત્યારે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ ૫૦ થી લઈ ૭૫ લાખ સુધીના ટર્નઓવર કરતા ઉદ્યોગો માટે ફલેટ પેમેન્ટની સુવિધાનો પ્રસ્તાવ રાખ્યો છે. જો વિત્ત મંત્રાલય જીએસટી માટેની છુટની રેખા વધારી દે તો નાના અને લઘુ ઉદ્યોગો કાયદાની આંટી ઘુટીમાંથી મુક્ત થઈ શકે. પરંતુ આનાથી ટેકસ ચોરીના પણ બનાવો વધવાની શકયતા દેખાઈ રહી છે.

મંત્રી મંડળની સમીતીએ ૫૦ લાખ સુધી વાર્ષિક ટર્નઓવર કરતી કંપનીઓ માટે કંપોઝીશન સ્કીમને સહેલી કરવાનો પણ પ્રસ્તાવ સરકાર સમક્ષ મુકયો છે. જેને લઈ ૫ ટકા સુધીનું રિટર્ન ભરવા માટેનો પણ સુજાવ આપવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો કંપોજીસન સ્કીમની સુવિધા નાના ઉત્પાદકો અને વેપારીઓને મળી રહી છે. જેમાં કંપોજીસન સ્કીમને ૧ કરોડથી વધારી દોઢ કરોડ કરવામાં આવ્યું છે અને આ પ્રકારના ઉદ્યોગોને ત્રિમાસીક નહીં પરંતુ વાર્ષિક રીટર્ન ભરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે સુશીલ મોદીની અધ્યક્ષતાવાળી મંત્રી મંડળ સમૂહે કેરેલમાં જીએસટી રેટમાં વધારો અને સંબંધીત રાજયોમાં સેસ લગાડવાની છુટ આપવા વકાલત પણ કરી હતી.

જીએસટીને લઈ નાના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માટે નવું વર્ષ ખૂબજ ધમાલપૂર્વકનું રહેશે જેમાં ૨ ડઝન જેટલી વસ્તુઓ પર જીએસટીના દરોમાં ઘટાડો ત્યારબાદ રીટર્ન ફર્મોની મુદત અને લેટ ફી માફી જેવી સોગાદો સરકારે નાના ઉદ્યોગકારોને આપી છે તથા નવા વર્ષમાં ઘણાખરા નવા નિર્ણયો માટેની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. જીએસટી સીસ્ટમને સ્થિર કરવા આ તમામ નિર્ણયો ખૂબજ મહત્વપૂર્ણ રહેશે. જીએસટીને લઈ ઉદ્યોગકારો એમાં પણ સવિશેષ નાના ઉદ્યોગકારોની વાત કરવામાં આવે તો ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડયો હતો. જેમાંથી સરકારે તમામ નાના ઉદ્યોગકારોની તરફેણમાં જીએસટીના દર ઘટાડવાની પહેલ હાથ ધરી છે.જીએસટી જેવા જટીલ કાયદા હેઠળ નાના ઉદ્યોગકારોની પરિસ્થિતિ ખુબજ વિકટ અને દયનીય બની ગઈ હતી. કહેવાય છે કે, વ્યાપારમાં નાના ઉદ્યોગકારોનો ભાગ ખુબજ મહત્વનો હોય છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે નાના ઉદ્યોગકારોને બેઠા કરવા અને સ્થિર કરવા જે પગલાઓ લેવામાં આવી રહ્યાં છે તે ખરા અર્થમાં આવકાર્ય છે એટલે કહેવાય છે કે, નાના ઉદ્યોગો માટે ૨૦૧૯નું વર્ષ ખુબજ મહત્વપૂર્ણ બની રહેશે જેમાં જીએસટીમાં ઘણા ખરા સુધારાઓ જોવા મળશે અને લઘુ ઉદ્યોગોને વેગ પણ આપવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.