Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ હેતુસરની વાતચીતનો મત વ્યકત કર્યા બાદ ઈમરાન ખાન પણ વિકાસના માર્ગે

આગામી મહિને યુએનની બેઠક દરમિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના પ્રતિનિધિ શાહ મહમદ કુરેશી વચ્ચે ચર્ચા થવાની શકયતા

ભારત-પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર સહિતના વિવાદોમાં વાતચીત અને વેપારથી ઉકેલ લાવવાનો મત પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાને વ્યકત કર્યો છે.

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને ટવીટ કરીને કહ્યું હતું કે, બન્ને દેશો વચ્ચેના મતભેદ ઉકેલવા ચર્ચા થવી જરૂરી છે. ભારત અને પાકિસ્તાનને આગળ આવી ચર્ચાની પહેલ કરવી જોઈએ. જેમાં કાશ્મીર મુદ્દે ચર્ચાનો મત પણ ઈમરાન ખાને વ્યકત કર્યો હતો. તાજેતરમાં પાકિસ્તાનને સંબોધન સમયે ઈમરાન ખાને તમામ પાડોશી દેશો સાથે શાંતિ સ્થાપવાનું આહવાન કર્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત મહિને ચૂંટણી જીત્યા બાદ ઈમરાન ખાન શાંતિ, વિકાસ અને જીવનની ગુણવતા સુધારવાનો રાગ આલોપી રહ્યાં છે. ટ્વીટર ઉપર તેમણે નવજોત સિધુનો આભાર પણ માન્યો છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને લખેલા પત્રમાં હેતુસરની વાતચીત માટેનો મત વ્યકત કર્યો હતો. મોદીએ સારા પાડોશી સબંધો અને ભાઈચારાનું આહવાન પણ કર્યું હતું.

બીજી તરફ આગામી મહિને ન્યુયોર્ક ખાતે યુએનજીએની બેઠક દરમિયાન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના પ્રતિનિધિ શાહ મહમદ કુરેશી વચ્ચે ચર્ચા થાય તેવી શકયતા છે. ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સબંધો ફરીથી સામાન્ય બને તેવી અપેક્ષા સેવવામાં આવી છે.

અગાઉ રદ્દ થયેલી બેઠકોનો દોર ફરીથી શરૂ થશે તેવું પણ માનવામાં આવે છે.ઈમરાન ખાને જાહેર કરેલા નવા કેબીનેટ મંત્રીઓમાં મોટાભાગના મંત્રીઓ પરવેઝ મુશરર્ફના શાસન સમયના હોવાથી ભારત-પાકિસ્તાન વચ્ચે ફરીથી શાંતિ સ્થાપવામાં મુશ્કેલી પડશે તેવું જણાય રહ્યું છે. પરવેઝ મુશરર્ફના શાસન દરમિયાન ભારતમાં અનેક આતંકી હુમલા અને નાના-મોટા છમકલા થયા હતા. જેથી મુશરર્ફના પીઠુઓ ફરીથી ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ ન સ્થપાય તેવું કાવતરું ઘડે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.