આવા કપરા સમયમાં પણ લોકોના લાભાર્થે કામ કરવું એ મોટી સેવા છે: વ્રજરાયજી બાવાશ્રી

સરગમી નવરાત્રીના પ્રારંભે વૈષ્ણવ સંપ્રદાયના બાવાશ્રીએ આપ્યા આશીર્વાદ

આ વખતે સરગમી ગોપી રાસ અને કનૈયાનંદ રાસોત્સવનું આયોજન રદ કરવામાં આવ્યું છે પરંતુ માતાજીની સ્થાપના અને આરતીની મંજૂરી હોવાથી સરગમ પરિવાર દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે માતાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને પ્રથમ નોરતે વૈષ્ણવ સંપ્રદાયના બાવાશ્રી વ્રજરાયજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી આરતીમાં ભાગ લીધો હતો અને આશીર્વચન કહ્યા હતા.

પ્રથમ નોરતે પૂ.બાવાશ્રીએ હાજરી આપી માતાજીની આરતી કરી પોતાના આશીર્વચનમાં  બાવાશ્રીએ  કહ્યું હતું કે, સરગમ કલબે માતાજીની સ્તુતિની પરંપરાને તૂટવા નથી દીધી. એક સામાજિક સંસ્થા તરીકે સરગમ કલબે હંમેશા સેવાકીય પ્રવૃત્તિ કરી છે અને લોકોને તેનો લાભ આપ્યો છે.

પૂ.બાવાશ્રીએ કોરોનાકાળનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આવા કપરા સમયમાં પણ લોકોના લાભાર્થે કામ કરવું એ મોટી સેવાનું કામ છે અને સરગમ ક્લબ તે કામ કરી રહ્યું છે.

પ્રારંભમાં સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ બાવાશ્રીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ગુણવંતભાઇ ડેલાવાળા ઉપરાંત  અરવિંદભાઈ દોમડીયા, રમેશભાઇ અકબરી,ભરતભાઇ સોલંકી,રાજેન્દ્રભાઇ શેઠ,ઘનશ્યામભાઈ પરસાણા, મનસુખભાઇ ધંધુકિયા, હરીસિંગભાઇ સુચરિયા, લેડીઝ ક્લબના ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, જશુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, છાયાબેન દવે,ગીતાબેન હિરાણી, તેમજ બન્ને ક્લબના કમીટી મેમ્બર હાજર રહયા હતા.

ગુણવંતભાઈના જણાવ્યા અનુસાર, હેમુ ગઢવી હોલમાં નવરાત્રીના ૯ દીવસ રોજ રાત્રે ૯/૩૦ થી ૧૦/૩૦ એક કલાક માટે માતાજીની આરતી કરવામાં આવશે.

Loading...