Abtak Media Google News

Table of Contents

આ વર્ષનું સ્લોગન “તંદુરસ્ત કિડની: સર્વ માટે, સર્વત્ર: રાજકોટના વરિષ્ઠ કિડની નિષ્ણાંત ડો.સંજય પંડયા દ્વારા કિડનીના રોગોથી બચવા જરૂરી માર્ગદર્શન

નિ:શુલ્ક એવી કિડની વેબસાઈટ પર ૧૦૦ માસમાં પાંચ કરોડની હિટ્સનો વર્લ્ડ રેકોર્ડ

 

ભારત અને વિશ્વભરમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીના રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં ૧૪ માર્ચ, ૨૦૧૯ ગુરૂવારે “વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવશે. આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન-“તંદુરસ્ત કિડની: સર્વ માટે, સર્વત્ર છે. કિડની એજયુકેશન વેબસાઈટ તે વિશ્વભરમાં આ સ્લોગનને પૂર્ણ કરી યથાયોગ્ય માહિતી આપતી એકમાત્ર વેબસાઈટ છે. ૩૭ ભાષામાં ઉપલબ્ધ વેબસાઈટનાં માધ્યમ દ્વારા નિ:શુલ્ક માહિતી આપતી હોવાના કારણે આ વેબસાઈટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈ પણ ખુણેથી મફત લઈ શકે છે. વિશ્વમાં સૌપ્રથમ વખત ૩૭ ભાષામાં કિડની અંગે વિનામુલ્યે સંપૂર્ણ માહિતી આપતી વેબસાઈટ તે આ દિવસે વિશ્વભરનાં લોકો માટે “કિડની એજયુકેશન ફાઉન્ડેશન તરફથી અમુલ્ય ભેટ છે. રાજકોટના વરિષ્ઠ કિડની નિષ્ણાંત ડો.સંજય પંડયા દ્વારા નિર્મીત www.KidneyEducation.comવેબસાઈટમાં કિડનીના રોગ અટકાવવા અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી ૨૫ આંતરરાષ્ટ્રીય ભાષામાં અને ૧૨ ભારતીય ભાષામાં આપેલ છે.

કિડનીના રોગો: એક ગંભીર સમસ્યા

કિડનીના જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝના દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યક્તિને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે, વિશ્વભરમાં ૮૫ કરોડથી વધુ લોકો કિડનીના રોગનો ભોગ બને છે, ૨૪ લાખ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે, ડાયાબીટીસ અને લોહીનું ઉંચુ દબાણ તે કિડની બગડવાના સૌથી મહત્વના કારણો છે. ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. આ રોગના અંતીમ તબકકાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે, ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને કારણે ભારતમાં ફકત પાંચ થી છ ટકા દર્દીઓમાં જ શકય બને છે, યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે, વિશ્વ કિડની દિવસનો હેતુ લોકોમાં કિડનીના રોગો અંગે જાગૃતિ કેળવવી અને તેને અટકાવવા અથવા તેનું વહેલું નિદાન કરવું તે છે.

કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરના દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે.

સી.કે.ડી. એટલે શું ?

કિડની ફેલ્યર એટલે કિડનીના કાર્યક્ષમતામાં ઘટાડો થવો. લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધારે હોય તે કિડની ફેલ્યર સુચવે છે. ધીમે-ધીમે લાંબે ગાળે ન સુધરી શકે તે રીતે બન્ને કિડની બગડે તેને ક્રોનિક કિડની ડીસીઝ એટલે કે સી.કે.ડી. કહે છે.

સી.કે.ડી.ની તકલીફ છે તેનો ખ્યાલ કઈ રીતે આવે ?

કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ના થાય ત્યાં સુધી રોગના કોઈ ચિન્હો જોવા મળતા નથી. ક્રોનિક કિડની ફેલ્યરના વહેલા નિદાન માટે રોગના મહત્વનાં લક્ષણો અંગે જાણો.

કિડની રોગના ચેતવણીજનક ચિન્હો:

નબળાઈ લાગવી, થાક લાગવો.

ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઊબકા થવા.

આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા.

નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો.

લોહીમાં ફિકકાશ હોવી.

પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું.

જો કોઈ વ્યક્તિને ઉપર મુજબના ચિન્હો હોય તો વહેલાસર ડોકટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

સી.કે.ડી.નું જોખમ વધુ કયારે ?

કિડનીની તકલીફ કોઈપણ વ્યક્તિને કોઈપણ ઉંમરે થઈ શકે છે. પરંતુ નીચેના પ્રશ્ર્નોની હાજરીમાં કિડની રોગ થવાનું જોખમ વધારે રહે છે.

ડાયાબીટીસની બીમારી અથવા લોહીનું દાબણ ઉંચુ હોવું

કુટુંબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય

લાંબા સમય માટે દુ:ખાવાની દવા લીધી હોય

મુત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય

જાડાપણું હોવું, ધુમ્રપાનની ટેવ હોવી

કિડની ચેકઅપ સરળ-ફકત આટલું કરો

કિડનીના રોગના વહેલા નિદાન દ્વારા જીવલેણ રોગથી બચી શકાય છે. કિડનીના રોગના વહેલા નિદાન માટેની સરળ પધ્ધતિ તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે. લોહીના દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે સી.કે.ડી.ની. પહેલી નિશાની હોઈ શકે છે.

કિડનીના રોગોથી બચવા માટે શું કરશો ?

૧. નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું

૨. ડાયાબીટીસનો હંમેશા યોગ્ય કાબુ રાખવો

૩. લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો

૪. પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું

૫. પાણી વધારે પીવું

૬. ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો

૭. ડોકટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુ:ખાવા માટેની દવાઓ) ન લેવી.

૮. રૂટીન હેલ્થ ચેકઅપ

૯. કિડનીના રોગના ચિન્હો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી

“તંદુરસ્ત કિડની: સર્વ માટે, સર્વત્ર સ્લોગનને સાકાર કરતી વિશ્વની એકમાત્ર ૩૭ ભાષામાં વેબસાઈટ www.KidneyEducation.com

Download 16
* તંદુરસ્ત કિડની સર્વ માટે ૩૭ ભાષામાં

દરેક વ્યક્તિ પોતાની માતૃભાષામાં જાણકારી મેળવી શકે તે માટે આ વેબસાઈટમાં ૩૭ ભાષાઓમાં કિડની વિશે માહિતી વિનામુલ્યે ઉપલબ્ધ છે.

* તંદુરસ્ત કિડની અંગે સર્વત્ર પ્રસાર માટે વેબસાઈટ માધ્યમ

વિશ્વના દરેક ભાગમાં સરળતાથી માહિતી નિ:શુલ્ક માટે તે માટે કિડની અંગે જાણકારીનો ખજાનો વબેસાઈટ રૂપે.

* એક જ કલીકમાં સર્વ માહિતી

૩૭ ભાષામાં ઉપલબ્ધ ૨૦૦ પાનાના તમારી કિડની બચાવો પુસ્તક દ્વારા કિડનીના જુદા જુદા રોગો અંગેના બધા જ પ્રશ્નોના જવાબો આ એક જ વેબસાઈટમાં મળી શકશે.

* સૌથી વધુ ભાષામાં જાણકારી

આ વેબસાઈટમાં કિડની અંગેનું ૨૦૦ પાનાનું પુસ્તક વિશ્વની વિવિધ ૩૭ ભાષાઓમાં ઉપલબ્ધ છે કે જેમાં ૨૫ આંતરરાષ્ટ્રીય અને ૧૨ ભારતીય ભાષાનો સમાવેશ થાય છે.

* વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સન્માનિત વેબસાઈટ

એક જ વેબસાઈટમાં વિશ્વમાં સૌથી વધુ ૩૭ ભાષામાં પુસ્તકનાં અમુલ્ય યોગદાન માટે કિડની એજયુકેશન વેબસાઈટને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ એનાયત.

* ૫ કરોડ હિટ્સ

૧૦૦ મહિનાઓમાં ૫ કરોડ હિટસ્ સાથે કિડની અંગે માહિતી આપવામાં વિશ્વભરમાં અગ્રેસર.

* વિશ્વનીય માહિતી માટે આંતરરાષ્ટ્રીય કિડની નિષ્ણાંતોની ટીમ

૧૦૦થી વધુ વિશ્વના સેવાભાવી કિડની નિષ્ણાંતો દ્વારા ૩૭ ભાષામાં કિડની ગાઈડ તૈયાર કરવામાં આવી.

* વિશ્વના વરિષ્ઠ નેફ્રોલોજિસ્ટ દ્વારા યોગદાન

“ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજીના પ્રમુખ તરીકેની સેવા દરમિયાન ડો.રેમુઝીએ ડો.પંડયા દ્વારા લેખિત કિડની બચાવો પુસ્તક ઈટાલિયન ભાષામાં તૈયાર કરેલ અને “ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા દરમિયાન ડો.ગારસીયાએ સ્પેનીશ ભાષામાં કિડનીની વેબસાઈટ તૈયાર કરેલ જે કિડની અંગે જનજાગૃતિની ઝુંબેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વાસ અને પ્રચંડ સમર્થન સુચવે છે.

* જાણકારી માટે વિવિધ વિકલ્પો

અનુકુળતા મુજબ વાંચન કરવા માટે ઓનલાઈન રીડીંગ, પીડીએફ અને ઈપીયુબી ડાઉનલોડ તથા વોટ્સએપ દ્વારા પુસ્તક મેળવવાના મનપસંદ વિકલ્પો.

* વિશ્વમાં પ્રથમ વખત વોટ્સએપ દ્વારા પુસ્તક

મોબાઈલમાં એક કલીક કરો અને મનપસંદ ભાષામાં કિડની પુસ્તક નિ:શુલ્ક મેળવો. વોટ્સએપ કરો: ૯૪૨૬૯ ૩૩૨૩૮

* તટસ્થ સચોટ માહિતી

સ્પોન્સરશીપ, એડવર્ટાઈઝમેન્ટ કે ડોનેશન વગરની આ વેબસાઈટ કિડની વિશે તટસ્થ માહિતી આપશે.

* જનજાગૃતિ અભિયાન

રાજકોટના સિનીયર નેફ્રોલોજિસ્ટ (કિડની નિષ્ણાંત) ડો.સંજય પંડયા દ્વારા ગુજરાતી ભાષામાં “તમારી કિડની બચાવો પુસ્તકના વર્ષ ૨૦૦૬માં પ્રકાશન સાથે જનજાગૃતિના અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ પ્રયાસને અપ્રતિમ પ્રતિભાવો સાંપડતા આ પુસ્તકનું રૂપાંતર ૩૭ ભાષામાં ભારતના અને વિશ્વભરના કિડની નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યું અને વિશ્વભરના લોકો આ માહિતીનો લાભ લઈ શકે તે માટે વેબસાઈટ બનાવવામાં આવી.

* વિકિપીડિયામાં માહિતી

કિડની એજયુકેશન વેબસાઈટ અંગે વિકિપીડિયામાં આપવામાં આવેલ વિસ્તૃત માહિતી આ વેબસાઈટની મહત્તતા સુચવે છે.

કિડનીના રોગો અંગે વધુ માહિતી મેળવવા સંપર્ક: ડો.સંજય પંડયા, ભુતખાના ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ.

ફોન: ૦૨૮૧-૨૨૨૨૦૭૭, ૨૨૩૫૩૮૭, ૨૨૩૯૦૮૫ ઈ-મેઈલ: [email protected] નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.