આવતીકાલે ‘જનતા ક્ફર્યુ’નો રેકોર્ડ સર્જાશે!

159

૩૨ કરોડ કિ.મી.નો વિસ્તાર અને ૧૩૦ કરોડ જનતા ક્ફર્યુંમાં જોડાય તેવી માનવ ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના

 ‘સ્વયંભૂ સંચારબંધી’ને સૌરાષ્ટ્રનું સ્વયંભૂ સમર્થન : રાજકોટની મુખ્ય બજારો આજથી જ બંધ: કાલે જનતા કફર્યુમાં રેલવે, બસ સેવા પણ બંધ : લોકોને સ્વયંભૂ જોડાવા વિવિધ ક્ષેત્રના આગેવાનોની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક મહામારી કોરોના સામે દેશની ૧૩૦ કરોડની જનતાને સુરક્ષિત કરવા માટે હાથ ધરવામાં આવી રહેલા અસરકારક પ્રયત્નોની વિશ્વ સમાજે નોંધ લીધી છે. દેશમાં આવતાકાલે સ્વૈચ્છિક રીતે રાષ્ટ્રહિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જનતા કર્ફ્યુનો આહવાન કર્યું છે. આ જનતા કફર્યુ કોરોના સંક્રમણ સામે તો અસરકારક સામાજિક પર્યાય બની રહેશે પરંતુ વિશ્વ રેકોર્ડનું પણ નિમિત્ત બનશે ભારતના કુલ ૩૨૮૭૨૬૩૮૯ વર્ગ કિલોમીટરમાં એકસાથે કર્ફ્યુનો અમલ થશે અને આ કર્ફ્યુમાં દેશની ૧૩૩.૯૨ કરોડની જનતા સહભાગી બનશે ભારતમાં અગાઉ પણ સામૂહિક રાષ્ટ્રભાવનાને લઈને વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક સાથે યોગ સાધનાનું નવો વર્લ્ડ રેકોર્ડ ભારતના નામે નોંધાયો છે. ત્યારે રાષ્ટ્રહિતમાં ચાવતીકાલે દેશમાં જનતા કરફ્યુના અમલનો રેકોર્ડ પણ વિશ્વ રેકોર્ડમાં નોંધાશે તે વાત નિશ્ચિત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સામાજિક સામૂહિક રાષ્ટ્ર હિતના પ્રયાસો અને વસુદેવ કુટુંબકમની ભાવના અને કોરોનાના સંક્રમણને સામૂહિક રાષ્ટ્રવાદ અને સામાજિક એકતાથી રોકવાના આ પ્રયાસો પણ વિશ્વ માનવ સમાજ માટે એક આગવું ઉદાહરણ બની રહેશે રવિવારે દેશમાં સામૂહિક રીતે સ્વેચ્છિક જનતા કફર્યુની વડાપ્રધાનની અપીલ વિશ્વના નકશામાં એક વર્લ્ડ રેકોર્ડનો અવસર બની રહેશે.

વિશ્ર્વભરમાં મહામારી રૂ પે ફેલાયેલા કોરોના વાયરસને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતમાં ૨૨મી માર્ચ અર્થાત આવતીકાલે રવિવારે જનતા કફર્યુનું આહવાન કયુર્ં છે. લોકોને કાલે સવારે ૭ વાગ્યાથી લઈ રાત્રીના ૯ વાગ્યા સુધી ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાનના આ આહવાનને સૌરાષ્ટ્રે ઝીલી લીધુ છે. સ્વયંભૂ સંચારબંધીને સૌરાષ્ટ્રમાં સ્વયંભૂ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં મુખ્ય બજારો આજથી જ બંધ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. કાલે બસ સેવા અને રેલવે સેવા પણ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રના આગેવાનોએ જનતા કફર્યુંમાં જોડાવા માટે લોકોને અપીલ કરી છે.

સમગ્ર વિશ્ર્વને હચમચાવી દેનાર કોરોના વાયરસને વકરતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુરૂ વારે કરવામાં આવેલા રાષ્ટ્રજોગ પ્રવચનમાં એવી અપીલ કરવામાં આવી છે. રવિવારે સવારે ૭ થી લઈ ૯ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળી સ્વયંભૂ કફર્યુનું પાલન કરવું જેને સૌરાષ્ટ્રમાં જડબેસલાક સમર્થન મળી રહ્યું છે. આજે સૌરાષ્ટ્રના મોટાભાગના ગામોએ સ્વયંભૂ સંચારબંધીમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. કાલે રેલવે અને બસ સેવા પણ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

રાજકોટમાં આજથી જ સોનીબજાર, ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, લાખાજીરાજ રોડ અને કોઠારીયા નાકા સહિતની મુખ્ય બજારો ત્રણ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત વેપારી એસોસીએશન દ્વારા કરવામાં આવી છે. આવતીકાલના જનતા કફર્યુમાં જોડાવા તમામ નાગરિકોને અપીલ કરાઈ છે.

કોરોના વાયરસ સામેની જંગમાં ઈટાલી, સ્પેન અને ચીન સહિતના મસમોટા દેશ ઘૂંટણીએ પડી ગયા છે. પોતાના નાગરિકોને બચાવવા અમેરિકા જેવો સમૃદ્ધ દેશ પણ હવાતીયા મારી રહ્યો છે. કોરોના વાયરસના ફેલાવાના વિકટ પરિસ્થિતિમાં ભારત સરકાર પણ નાગરિકોને બચાવવા માટે મથામણ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ દેશમાં જનતા કફર્યુને પાળવા માટે તાજેતરમાં આહવાન કર્યું હતું. જો જનતા કફર્યુ સરકારના ધાર્યા મુજબ પાળવામાં આવશે તો આ કફર્યુ વિશ્ર્વ માટે એક ઐતિહાસિક દાખલો બની રહેશે. આવતીકાલે દેશના ૧૩૦ કરોડ જેટલો લોકો સ્વૈચ્છાએ ઘરમાં પુરાઈ રહેશે તો કોરોના વાયરસ જેવી મહામારીના કેસમાં ભારતની મોટી સફળતા ગણાશે.

વર્તમાન સમયે ચીન બાદ ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીનમાં કોરોના વાયરસે મોટા પ્રમાણમાં તારાજી સર્જી હતી. ત્યારબાદ ચીનમાં વાયરસગ્રસ્ત શહેરોને લોકડાઉન કરવા સહિતના પગલા લેવાયા હતા. આ વાયરસ હાલ યુરોપીયન દેશ ઈટાલી અને સ્પેનમાં હાહાકાર મચાવી રહ્યો છે. હજ્જારો લોકોના મોત નિપજી ચૂકયા છે. આંકડા મુજબ વાયરસના કારણે વિશ્ર્વમાં મોત નિપજયાની સંખ્યા સતત વધી રહી છે. અત્યારે વિશ્ર્વમાં મોતનો આંકડો ૧૦ હજારને પાર છે. હવે ભારતમાં સંક્રમણ વધે અને મોતના કેસ વધે તો પરિસ્થિતિ ગંભીર થઈ જશે. વિશ્ર્વમાં કોરોના વાયરસ પોઝીટીવ હોય તેવા ૨.૬૯ લાખ કેસ છે. ઉપરાંત રિકવર થયા હોય તેવા ૬૭,૦૦૦ કેસ છે. ભારતમાં પણ પોઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે. પરિણામે આવતીકાલનો જનતા કફર્યુ વિક્રમજનક પરિણામો સામે લાવશે.

  • અમેરિકાના કેલિફોર્નિયામાં ૨.પ કરોડ લોકો કોરોનાના ભરડામાં?

કેલીફોર્નિયા અમેરિકાના ટોચના રાજ્ય પૈકીનું એક છે. જેની ઈકોનોમી ૩.૧ ટ્રીલીયન ડોલર એટલે કે, ભારત કરતા પણ વધુ છે. હાલ કેલીફોર્નિયામાં લોકડાઉન કરાવવામાં આવ્યું છે. રાજ્યમાં ૪ કરોડ લોકોની વસ્તી છે. જેમાંથી ૨.૫ કરોડ લોકો કોરોનાના ભરડામાં સપડાયા હોવાની શંકા મેયર ગેવીસ ન્યુસમે વ્યકત કરી છે. અમેરિકાના કોરોનાના કેસ બે દિવસમાં બે ગણા થઈ જતાં તંત્ર ચિંતામાં મુકાયું છે. લોકડાઉનની સ્થિતિમાં આર્થિક રાહતોની જાહેરાતો કરવામાં આવી છે પરંતુ કોરોનાનો કહેર વધુ તિવ્ર બનતા અમેરિકાનું અર્થતંત્ર તૂટી પડે તેવી સ્થિતિ છે. કેલીફોર્નિયા અમેરિકાના અર્થતંત્રમાં ૧૫ ટકાનો હિસ્સો ધરાવે છે. સીલીકોન વેલી અને હોલીવુડના કારણે કેલીફોર્નિયાને અઢળક આવક થાય છે. આ ઉપરાંત હજ્જારોની સંખ્યામાં ભારતીયો કેલીફોર્નિયામાં વસવાટ કરે છે. હાલ ન્યુયોર્કની જેમ કેલીફોર્નિયામાં વાયરસનો પ્રભાવ વધી રહ્યો છે. ન્યુયોર્કમાં ૨૪ કલાક પહેલા ઈન્ફેકશનના ૨૮૭૦ કેસ હતા જે હવે બે ગણા થઈ ૫૭૧૧એ પહોંચી ગયા છે.

  • સિંગર કનિકાએ રાષ્ટ્રપતિ સુધીનાને જોખમમાં મુકયા!

કોરોના વાયરસનો ફફડાટ હવે સંસદથી લઈ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયો છે. ભાજપના એમપી દુષ્યંતસિંઘ અને તેમના માતા વસુંધરા રાજે સેલ્ફ કોરેન્ટાઈનમાં રહ્યાં છે. તેમણે ગત રવિવારે બોલીવુડની સિંગર કનીકા કપુરની પાર્ટીમાં હાજરી આપી હતી. કનીકા કપુરનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝીટીવ આવતા આ પાર્ટીમાં હાજરી આપનાર દરેક વ્યક્તિ શંકાના દાયરામાં મુકાયો છે. દુષ્યંતસિંઘે પાર્ટીમાં હાજરી આપ્યા બાદ સંસદના ગૃહમાં પણ હાજરી આપી હતી અને તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે બ્રેકફાસ્ટ મીટીંગમાં પણ હાજર રહ્યાં હતા. દુષ્યંતસિંઘ ત્યારબાદ અન્ય બે સ્થળોએ પણ ગયા હતા. પરિણામે કનીકા કપૂરની પાર્ટીના કારણે અનેક લોકોના જીવ ઉપર જોખમ તોળાયું છે.

  • સોમવારે સંસદ બપોર પછી

દેશમાં કોરોના વાઈરસ ઝડપભેર ફેલાવવાની સંભાવના વ્યકત થઈ રહી છે. જેને લઈને સરકાર દ્વારા વિવિધ રક્ષણાત્મક પગલા લેવામાં આવ્યા છે ઉપરાંત વડાપ્રધાન મોદી દ્વારા રવિવારે જનતા ફકર્યુંની જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે તમામ વિમાનો, ટ્રેનો અને બસો ને બંધ કરવામાં આવનારી છે. જેના કારણે સોમવારની સંસદની બેઠક સવારે ૧૧ વાગ્યાના બદલે બપોરે બે વાગ્યે મળશે લોકસભાના સ્પીકર આમે બિરલાએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે સોમવારે પ્રશ્ર્નોતરી કાલ રાખવામાં આવશે નહી જનતા કફર્યંુના કારણે જાહેર પરિવહનો બંધ હોય પોતાના મત વિસ્તારમાં થયેલા સાંસદોને સોમવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં પહોચવામાં અવગડતા પડે તેમ છે. જેથી સોમવારે લોકસભાની બેઠક બપોરે બે વાગ્યાથી શરૂ  થશે આજ પ્રકારની જાહેરાત રાજયસભાના અધ્યક્ષ એમ. વૈકેંયા નાયડુએ કરી છે.

  • સેનેટાઇઝર અને માસ્કનું ભાવબાંધણું કરતી સરકાર

કોરોના વાયરસના ફેલાવાના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો સેનિટાઈઝર તથા માસ્કની બેફામ ખરીદી કરવા લાગ્યા છે. બીજી તરફ કાળા બજારીયાઓએ સેનિટાઈઝર અને માસ્કના ભાવમાં અસહ્ય વધારો કરતા લોકો મુંઝાઈ ગયા છે. આવી સ્થિતિમાં સરકારે હેન્ડ સેનિટાઈઝર અને માસ્કની કાળાબજારી રોકવા માટે ભાવ બાંધણું કર્યું છે. ૨૦૦ એમએલ હેન્ડ સેનિટાઈઝર રૂ.૧૦૦ અને એક નંગ માસ્ક રૂ ા.૧૦થી વધુની કિંમતે વેંચી શકાશે નહીં. આ સત્તાવાર વિગતો રામ વિલાસ પાસવાન દ્વારા આપવામાં આવી છે. કોરોના વાયરસનો ચેપ લાગે નહીં તે માટે હાથ ચોખ્ખા રાખવા હેન્ડ સેનિટાઈઝર મહત્વનો ભાગ ભજવે છે.

  • કોરોનાથી મુંબઇ સૌથી વધુ જોખમમાં : આવશ્યક સેવા સિવાય બધુ બંધ

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. મુંબઈની વસ્તી વધુ છે જેના કારણે શહેર વધુ જોખમમાં મુકાયું છે. પરિણામે સંક્રમણના કેસ રોકવા આવશ્યક સેવા સીવાયની તમામ સર્વિસ બંધ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ મુંબઈ, પુના, પીમ્પરી ચિંચવાડા અને નાગપુર સહિતના શહેરોમાં દુકાનો-ઓફિસો બંધ કરવાનો નિર્ણય લીધો છે. માનવતાના ધોરણે કર્મચારીઓના પગાર ન કાપવાનું આહવાન પણ ઠાકરેએ કર્યું છે. વર્તમાન સમયે મુંબઈમાં ૫૨ પોઝીટીવ કેસ છે. જો સ્થિતિ કાબુ બહાર જશે તો પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ બંધ કરવામાં આવશે. જો કે પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવા બંધ કરવાનો વિકલ્પ છેલ્લો રહેશે. કરિયાણું, દૂધ, શાકભાજી જેવી જીવન જરૂ રી વસ્તુની ખરીદી સીવાય અન્ય કોઈ કામ કરવા બહાર ન નીકળવાનું સુચન મુખ્યમંત્રી ઠાકરે દ્વારા કરવામાં આવ્યું છે.

  • મુંબઇમાં કોરોનાના ભયે અંબાણી પરિવાર ખાવડીમાં?

ભારતમાં કોરોના વાયરસ બીજા તબક્કામાં છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરના વધુ કેસ જોવા મળી રહ્યાં છે. મુંબઈમાં જનજીવન પર કોરોના વાયરસની અસર પડી છે. મુંબઈ લગભગ ઠપ્પ થવા તરફ છે. કોરોના વાયરસનો ભય લોકોમાં ફેલાયો છે. ત્યારે નીતા અંબાણી અને તેના પુત્રો સહિતનો અંબાણી પરિવાર મોટી ખાવડી ખાતેના નિવાસ સ્થાને પહોંચી ગયો હોવાનું વિશ્ર્વસનીય સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. મુંબઈમાં આલીશાન નિવાસ સ્થાન છોડી તેઓ ખાવડી ખાતે શિફટ થઈ ચૂકયા છે. અત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસનું પ્રમાણ વધી રહ્યું છે. આ પ્રમાણને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર પગલા લેવામાં આવી રહ્યાં છે. પરિણામે જરૂ રી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત લોકોને કોઈ અગત્યના કામ વગર ઘરની બહાર નીકળવું નહીં તેવી અપીલ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. દરમિયાન ધનીક લોકો કોરોનાથી બચવા માટે પોતાના પરિવારોને આઈસોલેટ જગ્યા પર લઈ જઈ રહ્યાં છે. ધનીક આગેવાનો પોતાના પરિવારજનને ચેપ ન લાગે તે માટેના પગલા લેવા લાગ્યા છે. આવી રીતે અંબાણી પરિવાર પણ મુંબઈની ભીડભાડથી દૂર જામનગર નજીક મોટી ખાવડીમાં આવી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

  • કોરોના જેવી મહામારી સામે લડવામાં ભારતની ચાવીરૂપ ભૂમિકા

કોરોના વાયરસની મહામારી સામે લડવામાં ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હોવાનો ઉલ્લેખ સાઉદી અરેબીયા દ્વારા તાજેતરની જી-૨૦ના સભ્યો દેશોની બેઠકમાં કરાયો હતો. વડાપ્રધાન મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ મહોમદ બિન સલમાન વચ્ચે તાજેતરમાં ટેલીફોનિક વાતચીત થઈ હતી અને કોરોના વાયરસને લઈ રખાતી કાળજી અંગે ચર્ચા થઈ હતી. કોરોના વાયરસ સામે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે લડવામાં ભારત અત્યાર સુધી મહદઅંશે સફળ રહ્યું છે ત્યારે સાઉદી અરેબીયા સહિતના દેશો ભારતની પડખે ઉભા રહ્યાં છે.

  • આવતીકાલે ૩૭૦૦ ટ્રેનોના પૈડા થંભી જશે

ચીનના વુહાનમાંથી ઉદભવેલા કોરોના વાયરસ હવે ચીનના સીમાડા વટાવીને વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતની ૧૩૦ કરોડની જનતાને આ મહામારી માંથી બચાવવા માટે સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે, અને આ વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે ૧૫ થી ૨૯મી માર્ચના ઈમરજન્સી વચ્ચે રવિવારે દેશમાં રાષ્ટ્રવ્યાપી જનતા કફર્યુની જાહેરાત કરી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ઐતિહાસિક કવાયત હાથ ધરવામાં આવી છે. જનતા કફર્યુના પગલે રેલવે એ શુક્રવારે દેશ વ્યાપી રેલ નેટવર્ક ની ૩૭૦૦ પેસેન્જર અને લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેન રવિવારે જનતા કફર્યુના પગલે રદ કરવાની જાહેરાત કરી હતી. કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા દેશમાં લોકડાઉન સહિતની કાર્યવાહી માટે તૈયારીઓ આરંભવામાં આવી છે રેલ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા મુજબ સમગ્ર દેશના તમામ રેલવે સ્ટેશન પરથી  શનિવાર મધરાતથી રવિવારની રાતના દસ વાગ્યા સુધી એક પેસેન્જર ટ્રેન નહિ ઉપડે આ હુકમ શુક્રવારે રાત્રે જારી કરવામાં આવ્યો હતો તેમ રેલવે નિગમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ અને સિકંદરાબાદમાં પરા વિસ્તારમાં  રેલવે સેવા પણ મહદ અંશે ઘટાડી દેવામાં આવી છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓને જરૂરી પરિવહન માટે કેટલીક સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. આવા આવશ્યક સેવાની કેટલીક ટ્રેનો ચાલુ રાખવામાં તેનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

  • ભારતના અગમચેતીના પગલાથી વિશ્ર્વના દેશોને અવગત કરાયા

કોરોના વાયરસને અટકાવવા માટે ભારતે આગમચેતીના પગલા લીધા છે જે મહદઅંશે સફળ રહ્યાં છે. આ પગલા અંગે વિદેશ સચિવ હર્ષવર્ધન દ્વારા તાજેતરમાં વિશ્ર્વને અવગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ઈન્ડોપેસીફીક દેશો સાથે ટેલીકોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ સ્ટીફ બેગને પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયા, સાઉથ કોરીયા, વિએટનામ, ન્યુઝીલેન્ડ અને જાપાનના મીનીસ્ટર ઓફ એકસ્ટર્નલ હાજર રહ્યાં હતા. ભારત દ્વારા વાયરસના સંક્રમણને રોકવા જે પગલા લેવાયા છે તે અંગેની વિગતો હર્ષવર્ધન દ્વારા અપાઈ હતી.

  • અર્થતંત્રને શ્ર્વાસ લેતુ કરવા રિઝર્વ બેંક વધુ ૩૦ હજાર કરોડ ઠલવાશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આવતા અઠવાડિયે બજારમાં વધુ રૂ ા.૩૦ હજાર કરોડની લીકવીડીટી ઠાલવે તેવી શકયતા છે. તાજેતરમાં આરબીઆઈએ ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત સરકારની સિક્યુરીટી ખરીદવાનો નિર્ણય લીધો હતો. માર્ચ મહિનામાં કુલ ૨ વખત સોદા કરવામાં આવ્યા હતા. વર્તમાન સમયે શેરબજારમાં રોકાણકારોની હાલત ખરાબ છે ત્યારે ગત શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૦ હજાર કરોડ બજારમાં ઠાલવ્યા હતા અને હવે વધુ ૩૦ હજાર કરોડની રકમ ઠાલવવા જઈ રહી છે. આગામી ૨૦૨૨માં મેચ્યોર થનારી સિક્યુરીટીમાં ૬.૮૪ ટકાના કુપનદરે રોકાણ થશે. આ ઉપરાંત ૭.૭૨ અને ૭.૨૬ ટકાના દરે પણ રોકાણ કરવામાં આવશે. બજારમાં તરલતા જાળવવા માટે એકંદરે આરબીઆઈ ૩૦ હજાર કરોડનું રોકાણ કરશે.

Loading...