Abtak Media Google News

શરદપૂનમે ચંદ્રની શીતલ ચાંદનીમાં દુધ પૌઆનું સેવન કરવાથી બાળકોનું મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે

શરદપૂનમે માઁં લક્ષ્મીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે:  ગામે-ગામ રાસોત્સવનું આયોજન

ચંદ્ર તો અમૃતના કિરણો વરસાવે છે તેથી તે ‘સુધાંશુ’ કે ‘સુધાકર’ કહેવાય છે. ચાંદનીના અમીરસથી ભરેલા શરદપૂર્ણિમાના પૂર્ણચંદ્રમાં તો પૂર્ણબ્રહ્મના દર્શન થાય છે. શરદપૂર્ણિમા ખુબ જ ઉતમ દિવસ માનવામાં આવે છે. શરદપૂનમનું વ્રત કરવાથી બધી મનોકામના પુરી થાય છે. પૌરાણીક માન્યતાઓ પ્રમાણે આ દિવસે માં લક્ષ્મીનો જન્મ થયો હતો માટે ધનપ્રાપ્તિ માટે આ દિવસ સૌથી ઉતમ માનવામાં આવે છે.

શરદપૂર્ણિમા ખુબ જ મહત્વપૂર્ણ તિથિ છે અને આ તિથિએ જ શરદઋતુનો આરંભ થાય છે. આજે પણ ‘શતં જીવ શરદ:’ એમ સાથે શરદઋતુ સુધી જીવનના આશીર્વાદ અપાય છે તેનું મુખ્ય કારણ શરદઋતુ સુખાકારી આપે છે. માટે તંદુરસ્તી જળવાય છે અને સો વર્ષ જીવાય છે. જોકે હાલની કરૂણાંતિકા એ છે કે શરદપૂર્ણિમાની ચાંદનીનું મધરાત સુધી પણ અમૃત પીવાનું આપણે ભુલતા જઈએ છીએ. આ દિવસે ચંદ્રમાં માંથી અમૃતની વર્ષા થાય છે જે ધન, પ્રેમ અને તંદુરસ્તી ત્રણેય આપે છે. પ્રેમ અને કલાઓથી પરિપૂર્ણ હોવાને કારણે કૃષ્ણએ પણ આ દિવસે મહારાસ રચ્યો હતો.

આ દિવસે વિશેષ પ્રયોગ કરીને તંદુરસ્તી, અપારપ્રેમ અને ખુબ સારા પ્રમાણમાં ધનની પ્રાપ્તિ થાય છે. શરદપૂર્ણિમાના ચંદ્રના સેવનથી શરીરની અનેક વ્યાધિઓ શમી જાય છે એની ચાંદનીના પ્રભાવથી વૃક્ષ વનસ્પતિમાં ઔષધીય ગુણો પ્રગટે છે તેથી આજે પણ વૈદ્યરાજ આયુર્વેદિક ઔષધિઓ પકવવા માટે તેની સામગ્રીને ખુલ્લી ચાંદનીમાં રાતભર રાખે છે.

ચાંદનીના સિંચનથી ઔષધિ સજીવની બની જાય છે. ચંદ્ર તો ઔષધિઓનો સ્વામી કહેવાય છે. ભગવાન શંકરે પણ ચંદ્ર-કિરણોનો પ્રભાવ અનુભવી ચંદ્રને મસ્તક પર સ્થાન આપ્યું અને ચંદ્રમૌલીશ્ર્વર કે સોમનાથ કહેવાય. મોડીરાત સુધી શીતળ ચાંદનીમાં મુકેલા દુધપૌઆ પણ ગુણકારી બની જાય છે. શરદપૂનમની રાતે સમુદ્રની દીપલીનું જળ ચંદ્રકિરણોના સ્પર્શથી મોતી બની જાય છે તેથી આ પૂર્ણિમાને માણેકકારી પણ કહેવામાં આવે છે.

શરદપૂર્ણિમાની રાત પ્રેમનું પ્રતિક છે. આ દિવસે શ્રીકૃષ્ણ વૃંદાવનમાં યમુનાતટે વાંસળી વગાડે છે જેની ધુનથી ખેંચાઈને ગોપીઓ ઘરના કામ પડતા મુકી શ્રીકૃષ્ણ પાસે દોડી આવે છે અને શ્રીકૃષ્ણ ગોપીઓનો રાસ રચાય છે. આ દિવસે વ્રત કરી બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવી અને દાન-દક્ષિણા આપવી, લક્ષ્મી પ્રાપ્તિ માટે આ વ્રતને વિશેષરૂપે કરવામાં આવે છે. આ દિવસે જાગરણ કરનારની ધનસંપતિમાં વધારો થાય છે. રાત્રે ચંદ્રમાંને અર્ઘ્ય આપ્યા બાદ ભોજન કરવું જોઈએ. શરદપૂનમની રઢિયાળી રાતે ચંદ્ર સોળેય કળાએ ખીલી ઉઠે છે પ્રેમના પ્રતિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સુખાકારી આ રાતે રાસ રમીને ઉજવણી કરવામાં આવે છે.

શરદપૂનમને મોહરાત્રી પણ કહેવામાં આવે છે

આસો સુદ પુનમને બુધવાર તા.૨૪/૧૦/૨૦૧૮ના શુભ દિવસે શરદપૂર્ણિમા છે. વર્ષમાં ચાર મહારાત્રી ગણાય છે. કાલરાત્રી મહારાત્રી મોહરાત્રી દારૂણા એટલે કે, કાલરાત્રી એટલે કાળી ચૌદશ મહારાત્રી એટલે શિવરાત્રી મોહરાત્રી એટલે શરદપૂર્ણિમા અને દારૂણરાત્રી એટલે હોળીની રાત્રી આમ શરદપૂર્ણિમા વર્ષની સૌથી શ્રેષ્ઠ રાત્રીમાં ગણાય છે. શરદપૂનમની રાત્રે ચંદ્રમાં પોતાની સોળે કળાએ ખિલી અને પોતાનું સૌથી ઉતમ તેજ પૃથ્વી પર પાડે છે. શરદપૂર્ણિમાને માણેક કઠારી પૂનમ તથા કૌમુદી મહોત્સવ પણ ઉજવાતો આમા રાજાઓ પણ ભાગ લેતા શરદપૂર્ણિમાના દિવસે વ્રતનો મુખ્ય ઉદેશ ધન પ્રાપ્તિનો છે અને નિર્ધનતાના નાશનો છે.

આ દિવસે પણ લક્ષ્મીજીનું પૂજન થાય છે. શરદપુનમની રાત્રે બારા જાગરણ કરવું જોઈએ. કહેવાય છે કે શરદ પૂનમની રાત્રે લક્ષ્મીજી દરેક ઘરે જાય છે અને જીએ છે કયો ભકત જાગે છે. આમ મુળ નામ કોજાગર્તિ એટલે કે કોણ જાગે છે તેનાથી અપભ્રંશ થઈ અને કોજાગરી નામ થઈ ગયું હતું.

શરદપૂર્ણિમાના રાત્રે ઔષધી સેવનનું પણ મહત્વ છે. શરદપૂર્ણિમાના રાત્રે ખાસ પ્રકારની ઔષધી સેવન કરવાથી શ્ર્વાસના રોગો થતા નથી. શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રના અજવાળામાં સોયમાં દોરો પોરવવાથી આંખોનું તેજ વધે છે તથા ચંદ્રમાના દર્શન કરવાથી પણ આખોનું તેજ વધે છે. શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રના અજવાળામાં દુધ-પૌઆ રાખી અને તેને આરોગવામાં એટલે કે તેનો પ્રસાદ લેવામાં આવે તો શરીરના રોગોનું શમન થાય છે તથા તે લોકોને વિચાર સ્થિર નથી તેવોએ અને જે અભ્યાસ કરે છે નાના બાળકો તેવોએ શરદપૂર્ણિમાની રાત્રે આખીરાત ચંદ્રના અજવાળામાં થોડી સાકર રાખી અને બીજા દિવસે તેનો પ્રસાદ લેવામાં આવે તો માનસિક શાંતી મળશે અને અભ્યાસમાં એકાગ્રતા આવશે.

શરદપૂનમની રાત્રે ચંદ્રમાં પોતાનું શ્રેષ્ઠ તેજ પૃથ્વી પર પાડે છે અને આનો લાભ દરેક લોકોએ લેવો જોઈએ આથી જ શરદપુનમની રાત્રે રાસ લેવાનું મહત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.