Abtak Media Google News

રાત્રે ૧૧:૫૪ કલાકે ગ્રહણ સ્પર્શ કરશે, ગ્રહણનો મોક્ષ ૩:૪૯ કલાકે થશે: ૩ કલાક અને ૫૫ મિનિટ સુધી ગ્રહણ ચાલશે: ધાર્મીક દ્રષ્ટીએ ગ્રહણ પાળવાનું રહેશે

આવતીકાલે શુક્રવારે ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થશે આ ચંદ્રગ્રહણ ૩ કલાક અને ૫૫ મીનીટ સુધી ચાલશે ચંદ્રગ્રહણના કારણે દ્વારકાધીશ સહિતના મંદિરોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અષાઢ શુદ પુનમને શુક્રવારના દિવસે મકર રાશીમાં ચંદ્રગ્રહણ થશે ભારતમાં દેખાશે જેથી ધાર્મિક દ્રષ્ટીએ પાળવાનું રહેશે ભારતીય સમય પ્રમાણે ગ્રહણ સ્પર્શ રાત્રે ૧૧.૫૪થી થશે, ગ્રહણનો મધ્ય રાત્રે ૧.૫૪ કલાકે અને ગ્રહણનો મોક્ષ રાત્રે ૩.૪૯ કલાકે થશે. ચંદ્રગ્રહણ ૩ કલાક અને ૫૫ મીનીટ સુધી ચાલશે.

આ ચંદ્ર ગ્રહણ રાત્રીનાં બીજા પ્રહરમાં થતુ હોવાથી ગ્રહણનો વેધ શુક્રવારે બપોરે ૧૨.૪૫ કલાકથી શરૂ થશે. તથા વૃધ્ધો બાળકો, બીમાર વ્યકિતઓ ગર્ભવતી સ્ત્રીઓ માટે ગ્રહણનો વેધ સાંજના પાંચ વાગ્યાથી શરૂ થશે.

આ ગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશીયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા મુખ્ય સીટી ટોકીયો, લંડન, બીસ્બન, જકાર્તા , રોમ ,મેલબોર્ન, પેરીશ જેવા મોટા બધા જ શહેરોમાં દેખાશે ગ્રહણનું રાશી પ્રમાણે ફળ ગ્રહણનું ફળ શુભફળ, મેષ, સિંહ, વૃશ્ચીક, મીન,મિશ્રફળ: વૃષભ, કર્ક, કન્યા,ધન, અશુભફળ: મિથુન, તુલા, મકર, કુંભ રાશી માટે રહેશે.

એક માન્યતા છે કે ગ્રહણ હંમેશા અશુભ ફળ જ આપે પરંતુ વાત ખોટી છે. ગ્રહણનો લાભ પણ મેળવી શકાય છે. ગ્રહણ દરમ્યાન કરેલા મંત્ર જપ લાખ ગણુ ફળ આપે છે.

ગ્રહણ દરમ્યાન દેવપૂજન તર્પણ ,શ્રાધ્ધ, જપ, હોમ અને ગ્રહણ પૂરૂ થયાબાદ દાન કરવાથી અનેક ગણુ ફળ મળે છે. અને જીવનની મુસીબતોમાંથી રાહત મળે છે. સાથે સંતાનોને માટે પણ પ્રગતી કારક બને છે. આમ પૂજા પાઠ દ્વારા ગ્રહણનોલાભ મેળવી શકાય છે.

મિથુન, તુલા, મકર, કુંભ રાશીના લોકોને અશુભ ફળ દૂર કરવા માટે ગ્રહણ દરમ્યાન ચંદ્રના ૐ સો સોમાયનમ: જાપ કરવાથી અશુભ ફળમાંથી રાહત મેળવી શકે છે. તે ઉપરાંત પૂનમના દિવસે ગ્રહણ થતુ હોવાથી પોતાના કુળદેવીના જપ કરવા ઉતમ રહેશે ગ્રહણ દરમ્યાન જપ કરવાથક્ષ અદભૂતલાભ મેળવી શકાય છે.

ચંદ્રગ્રહણનાલીધે રાજકીય ઉથલપાથલમાં વધારો થશે. ધર્મશ્રેષ્ઠ રહેલી વ્યકિતઓને હાની થશે.

ડોલર સામે રૂપીયો ગગડે તેવીસંભાવના રહેલી છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતુ.

ચંદ્રગ્રહણ નિમિત્તે બેટ દ્વારકાધીશ મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

આવતીકાલે શુક્રવારના રોજ ખગ્રામ ચંદ્રગ્રહણ નીમીતે બેટ દ્વારકાધીશ મંદીરમાં ઠાકોરજીના નિત્યદર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ઠાકોરજીની મંગળા આરતી સવારે ૬ કલાકે, મોર આરતી સવારે ૬.૩૦ કલાકે, મીઠાંજલ સવારે ૧૧ કલાકે, ઉત્થાપન બપોરે ૩ કલાકે, શયન આરતી સાંજે ૬ કલાકે, મંગલા આરતી રાત્રે ૧૧ કલાકે અને મોર આરતી રાત્રે ૧૧.૩૦ થશે.  ત્યારબાદ પછી તમામ મંદીર બંધ રહેશે અને ફકત ગ્રહણ નિમિતે હવનનાદર્શન રાત્રે ૧૧.૫૪ વાગ્યાતી રાત્રે ૩.૫૦ સુધી થશે. તા. ર૮ને શનિવારના રોજથી ઠાકોરજીની શૃંગાર આરતી વ્હેલી સવારે ૬.૩૦ કલાકે, મીઠાંજલ સવારે ૯ કલાકે, ઉત્થાપન બપોરે ૪ કલાકે અને ઠાકોરજીના શયન રાત્રે ૭ કલાકે થશે જેની ભાવીકોએ નોંધ લેવી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.