ટમેટું રે ટમેટું… ટમેટા હવે લાગશે ‘મીઠાં’: ભાવમાં નોંધપાત્ર ઘટાડો

tamatos
tamatos

આગામી બે સપ્તાહમાં ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાશે: અત્યારે હોલસેલ માર્કેટમાં ભાવ પ્રતિકિલો માત્ર રૂ. ૧૦ થી ૧૫

અગાઉ ઘણા સમયથી લીલા શાકભાજી મોઠઘા થયા હતા તેમાં ખાસ કરીને ટમેટાના ભાવોમાં ખૂબજ વધારો જોવા મળી રહ્યો હતો જેના કારણે ગ્રાહકોને મોંઘવારી નડી રહી હતી.

ટમેટાના ભાવમાં વધારાનું કારણ એ હતુ કે ટમેટાનું ઉત્પાદન ઓછુ હતુ જેના કારણે આવક ઓછી થતી હતી પરિણામે ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો હતો.

અગાઉ ટમેટાના ભાવ પ્રતિકિલો રૂ ૪૦ થી ૫૦ એ પહોચ્યા હતા જે રીટેઈલ માર્કેટમાં ભાવ રૂ.૬૦ પ્રતિકિલો જોવા મળ્યો હતો. જેના કારણે ટમેટા પણ રડાવી રહ્યા હોય એવું લાગી રહ્યું હતુ પરંતુ ફરી એકવાર ટમેટાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અને લોકોને રાહત થઈ છે.

આ વિશે રાજકોટ સબ યાર્ડના શાકભાજી વિભાગના સેક્રેટરી કે.વી. ચાવડાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે અગાઉ ટમેટાનું ઉત્પાદન ઓછું હતુ અને બહારની આવક પણ બહુ જ ઓછી હતી જેથી ટમેટાના ભાવમાં વધારો થયો હતો. પરંતુ ફરીવાર શિયાળાના હિસાબે ટમેટાનું નવું ઉત્પાદન બજારમાં આવી રહ્યું છે. આવક વધતા ટમેટાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે હજુ આગામી એક સપ્તાહમાં ટમેટાની આવકમાં ૨૦ થી ૩૦ ટકા વધારો થશે જેથી ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવી શકયતા છે.

ટમેટાની આવક વિશે પૂછતા તેમણે જણાવ્યું હતુ કે હાલ જે ટમેટાની આવક થઈ રહી છે તે સંપૂર્ણ પણે સૌરાષ્ટ્ર અને ગુજરાતની આવક છે. હાલ બહારનાં રાજયોમાંથી કોઈપણ પ્રકારની આયાત ટમેટાની કરવામાં આવતી નથી. અને હજુ આગળના દિવસોમાં બહારનાં રાજયોમાંથી ટમેટાની આવક ન કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે આવકની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતુ કે સરેરાશ ૪૦૦ થી ૫૦૦ કિવન્ટલ આવક થઈ રહી છે. જે હજી વધવાની શકયતા છે.

તેમણે ટમેટાના ભાવ વિશે જણાવતા કહ્યું હતુ કે હાલ હોલસેલ બજારમાં ટમેટાનાં ભાવ પ્રતિકિલો રૂ. ૧૦ થી ૧૫ છે અને રિટેઈલ બજારમાં પ્રતિકિલો રૂ. 20 જોવા મળી રહ્યો છે. જે હજુ ઘટવાની શકયતા છે. તેમણે અંદાજીત અંકડો આપતા કહ્યું હતુ કે આગામી એક સપ્તાહમાં ટમેટાની આવક વધવાની છે. જેના પરિણામે ભાવમાં પ્રતિકિલો રૂ. ૫ જેટલો ઘટાડો થવાની શકયતા દેખાઈ રહી છે.

Loading...