Abtak Media Google News

૧૫ દિવસમાં શૌચાલયની સુવિધા ઉભી ન કરનાર પેટ્રોલપંપ પાસેથી દંડ વસુલાશે: જરૂર પડયે સીલીંગની પણ કાર્યવાહી: શહેરમાં ૪૫ પેટ્રોલપંપ છે

રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પેટ્રોલપંપ પર શૌચાલયની સુવિધા ફરજિયાતપણે ઉભુ કરવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ૧૫ દિવસમાં શૌચાલયની સુવિધા ઉભી ન કરનાર પેટ્રોલપંપના સંચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ તબક્કે દંડ વસુલ કરાશે. ત્યારબાદ જ‚ર ઉભી થશે તો પંપ સીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જીપીએમસી એકટની કલમ ૧૮૪ હેઠળ પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરમાં આવેલ તમામ પેટ્રોલપંપના માલીકો તેમજ સંચાલકોને એવો આદેશ આપવામાં આવ્યો છે કે, પોતાના પેટ્રોલપંપ ખાતે આવનાર તમામ નાગરિકો કે ગ્રાહકો માટે શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આવે. જો આવી સુવિધા ન હોય તો ૧૫ દિવસમાં ઉપલબ્ધ કરાવવાની રહેશે. ત્યારબાદ મહાપાલિકા દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જાહેરનામુ પ્રસિધ્ધ થયાના ૧૫ દિવસમાં પેટ્રોલપંપ ખાતે શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન કરાવનાર સામે ધી ગુજરાત પ્રોવીન્શયલ મ્યુનિ.કોર્પોરેશન એકટ ૧૯૪૯ની કલમ ૩૭૬ (અ) એઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પેટ્રોલપંપના સંચાલક પાસેથી દંડ વસુલ કરાશે. અને વારંવાર રજૂઆત કરવા છતાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે તો સીલીંગની કાર્યવાહી કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા વિસ્તારમાં ૪૫ પેટ્રોલપંપ હાલ ધમધમી રહ્યાં છે. જે પૈકી મોટાભાગના પેટ્રોલપંપો પર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે.રાજકોટ શહેરને જાહેર શૌચક્રિયા મુકત શહેર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મ્યુનિ.કમિશનર દ્વારા આ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.