Abtak Media Google News

અંતિમ તબક્કાના મતદાનમાં નાના પક્ષો અનેક જગ્યાએ પાસા બદલાવનારા બનશે, લાલુના રાજકીય વારસદારોના ઉદયની શકયતા વચ્ચે નિતીષકુમાર માટે છેલ્લો તબક્કો બનશે ‘નિર્ણાયક’

બિહારના રાજકારણ માટે વર્તમાન વિધાનસભાની ચાલી રહેલી ચૂંટણી અને તેમાં પણ આજના દિવસના છેલ્લા તબક્કાનું મતદાન અનેક રાજકીય પક્ષો અને નેતાઓ માટે દશા અને દિશા નક્કી કરનારૂ બની રહેશે તે નિશ્ર્ચિત છે. નિતીષકુમાર માટે પણ છેલ્લા તબક્કાના મતદાન માટેના મત વિસ્તારોમાં પોતાની નાવ પાર ઉતારવા ‘જન સહાનુભૂતિ’ આવશ્યક બની છે ત્યારે નિતીષકુમારે અંતિમ તબક્કાના મતદાન પૂર્વે મારી છેલ્લી ચૂંટણીની અચાનક જાહેરાત કરીને મતદારોને પરોક્ષ રીતે અપીલ કરી છે કે, મારી લાજ રાખી લેજો.

બિહારમાં આજે ત્રીજા તબક્કામાં ૭૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કિશનગંજથી ચાપારણ સુધીના ૧૫ જિલ્લાઓમાં થનારા આજના મતદાનમાં સત્તાધારી એનડી અને મહાગઠબંધનના હરિફો વચ્ચે સીધે સીધી કાંટાની ટક્કર નિશ્ર્ચિત બની છે. મોટા માથાઓની આ ટક્કર વચ્ચે અનેક જગ્યાઓએ ચીરાગ પાસવાનની એલજેપી, હૈદરાબાદના સાંસદ ઓવેસીની ઐમીમ અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવની જાપલ દ્વારા અનેક જગ્યાએ ત્રિકોણીય જંગનું નિર્માણ કર્યું છે. ત્યારે આ ત્રીજુ પરિબળ શાસક અને મહાગઠબંધન માટે અનેક જગ્યાએ સમીકરણો બદલનારા સાબીત થશે. ઐમીમનો મુસ્લીમ બહુમતીવાળા સીમાંચલ પ્રાંતના ચાર જિલ્લાઓ કિશનગંજ, કઠીયાર, અરેરીયા, પૂર્નિયામાં ઉમેદવારોને જીતવા માટે લઘુમતીના મતોની જરૂર પડશે. આ વિસ્તારમાં મહાગઠબંધનના ઉમેદવારો માટે ઉજળા સંજોગો દેખાઈ રહ્યાં છે. આ તમામ ૨૪ બેઠકોના સીમાંચલ વિસ્તારમાં મહાગઠબંધન માટે આરજેડી કોંગ્રેસની ૨૪ બેઠકો પર અને ડાબેરીઓ ૧૪ બેઠકો માટે, એનડીએ માટે ૯ અને ઐમીમની ૧ માત્ર કિશનગંજની બેઠક પર ૨૦૧૯માં વિજય થયો હતો. અત્યારે આ વિસ્તારમાં ઐમીમે સીમાંચલના ૨૪માંથી ૧૫ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ઓવેસીના ઉમેદવારો પૈકીના સીમાંચલમાંથી ૨ થી ૩ બેઠકો પર જીતે તેવું દેખાઈ રહ્યું છે.  ૨૦૧૫માં આ વિસ્તારમાંથી આરજેડી ૮૦, જનતા દળ યુનાઈટેડ ૭૧, ભાજપ ૫૩, કોંગ્રેસ ૨૭, અપક્ષ ૪, સીપીઆઈ ૩, એલજેપી ૨, રાષ્ટ્રીય લોક ક્ષમતા પાર્ટી ૨, હિન્દુસ્તાનની અવામી મોર્ચા ૧ બેઠક જીતી હતી.

આ વિસ્તારના કુલ ૭૮ મત વિસ્તારોમાંથી ૧૦ મત વિસ્તારોમાં ૨૦૧૫માં ૫ હજાર મતથી ઓછીની સરસાઈથી હાર-જીત થઈ હતી. જેમાં બાણમંખી, કસબા, શિખતા, રક્ષલ, ગાયઘાટ, હરીયાખી, પરીહાર, ચીરારીયા અને બનીપત જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આજે થનારા મતદાન પર ખાસ કરીને નિતીષકુમારના ભાવિનો ફેંસલો થશે.

ગુરૂવારે તેમણે કરેલી છેલ્લી ચૂંટણીની જાહેરાતને રાજકીય તજજ્ઞો આ વિસ્તારને અનુલક્ષીને જ કરી હોવાનું જણાવે છે. તેજસ્વી પ્રસાદ યાદવ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. તેવા સંજોગોમાં આ વખતની ચૂંટણીમાં લાલુપ્રસાદ યાદવના પરિવારનો રાજકીય ઉદય થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. બીહારમાં આજે શાંતિપૂર્ણ રીતે થયેલા ત્રીજા તબક્કાના મતદાનમાં સવારે ૯ વાગ્યા સુધીમાં ૧૦.૬૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. નિતીષકુમારે મતદારોને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાની અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.