ગોંડલ અક્ષરદેરી સાર્ધ શ્તાબ્દી મહોત્સવનું આજે સમાપન

240
sardh shatabdi
sardh shatabdi

૭ દિવસમાં ૧૨૫થી વધારે શાળાઓનાં ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ જીવન ઉત્કર્ષ પ્રદર્શનનો લાભ લીધો

તીર્થધામ ગોંડલ ખાતે ઉજવાઈ રહેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં લાભ લેવા આવી રહેલા ભાવિકોનો પ્રવાહ દિવસે અને દિવસે વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી લાખો લોકો ઉત્સવનો લાભ લેવા માટે આવી રહ્યાં છે. સ્વામિનારાયણ નગરમાં તૈયાર કરવામાં આવેલા જુદા-જુદા પ્રદર્શનખંડો મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રદર્શન ખંડો પૈકી અક્ષરાનંદ, યોગાનંદ અને નિત્યાનંદ નામના પ્રદર્શનખંડો લોકોને જીવન જીવવાની સાચી કળા શીખવે છે. આજે મહોત્સવનો છેલ્લો દિવસ છે.

અક્ષરાનંદ નામના પ્રદર્શનખંડમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કાર્યના વિવિધ પ્રસંગોની મનોભાવક રજૂઆત કરવામાં આવી છે.

જેના સ્મૃતિસ્થાનનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે એવા ગુણાતીતાનંદ સ્વામીનો સાચો પરિચય એક આકર્ષક વિડીયો શો દ્વારા મળી રહે છે.

ગુણાતીતાનંદ સ્વામીએ એમના શિષ્યોને વહેમ અને મિથ્યા આડંબરથી દૂર રહીને ભગવાનની ઉપાસના કરવાની શીખવાડેલી રીત આજની પેઢીને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની શીખ આપે છે. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જંગલમાં લાકડા કાપનારો બાઉદ્દીન નામનો કઠિયારો કેવી રીતે જૂનાગઢના નવાબનો દીવાન બન્યો એ સત્યઘટનાની દિલચસ્પ રજૂઆત કરવામાં આવી છે. સોરઠમાં તરખાટ મચાવતા બહારવટિયા વાલેરા વરુનું ગુણાતીતાનંદ સ્વામી દ્વારા કેવી રીતે જીવનપરિવર્તન થયું અને નિર્દોષ લોકો કેવી રીતે વાલેરા વરુના ત્રાસમાંથી મુક્ત થયા એ ઘટનાની રજૂઆત પણ હદયસ્પર્શી છે. આવી જુદી જુદી ઘટનાઓ મુલાકાતીઓને ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ થાય એવી પ્રેરણા પૂરી પાડે છે.

યોગાનંદ નામના પ્રદર્શનખંડમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જીવનપ્રસંગોની રજૂઆત કરવામાં આવી છે. આ ખંડની મૂલાકાતે આવનાર સૌ કોઈને હળવી શૈલીમાં જીવનના ગહન સવાલોના જવાબો આપી દેવામાં આવ્યા છે.

મનોરંજનની સાથે સાથે મનોમંજન થાય એવી રીતે આજે ઘરઘરમાં બનતી જુદી જુદી ઘટનાઓને યોગીજી મહારાજના જીવનમાં બનેલી વિવિધ ઘટનાઓ સાથે તુલના કરીને દુ:ખોની વચ્ચે પણ કેવી રીતે આનંદમાં રહેવું તે અંગેની સુંદર સમજણ આપવામાં આવી છે. દરેક પ્રસંગોની રજૂઆત એટલી પ્રભાવક રીતે કરવામાં આવી છે કે વડીલથી લઈને નાના બાળક સુધીના સૌ કોઈને આ વાત સરળતાથી સમજાઈ જાય. પ્રદર્શનખંડની મુલાકાત લઈને બહાર આવતા નાના વિદ્યાર્થીઓને પૂછીએ કે તમે આ વિડીયો શોમાંથી શું શીખ્યા? તો લગભગ દરેક બાળકનો અભિપ્રાય એક સરખો હતો કે અમે મુશ્કેલીમાં પણ હસતા રહેવું જોઈએ એ વાત આ પ્રદર્શનમાંથી શીખ્યા.

નિત્યાનંદ નામના પ્રદર્શનખંડમાં પારિવારિક સંબંધોની જાળવણી કેવી રીતે કરવી તેની રજૂઆત કરવામાં આવી છે. દિવસે અને દિવસે રહેવા માટેના મકાનો આધુનિક અને મોટા થતાં જાય છે પણ કોંટુંબીક ભાવના  સંકુચિત અને સમાપ્ત થતી જાય છે. પારિવારિક સંબંધોને લૂણો લાગી ગયો હોય એમ ધીમે ધીમે ઘસાતા જાય છે અને એક સમય એવો આવે છે કે આ સંબંધોનું મરણ થાય છે. નિત્યાનંદ ડોમમાં એક લાઈવ સંવાદ દ્વારા પારિવારિક પ્રશ્નો ઉભા થવાના કારણો અને એ પ્રશ્નોનું નિરાકરણ કરવાના ઉપાયોની આકર્ષક રજૂઆત કરવામાં આવી છે.

જ્યારે પ્રેક્ષકોની સામે સંવાદ ભજવાય ત્યારે મોટાભાગના લોકોને અનુભૂતિ થાય કે આ મારા પરિવારની જ વાત છે. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે પરિવારના તમામ પ્રશ્નોના ઉકેલ માટે એક સરળ ઉપાય આપ્યો છે અને તે છે ઘરસભા. ઘરસભા એટલે ઘરના તમામ સભ્યોએ રાત્રિના સમયે ભેગા મળીને અડધો કલાક બેસવું. પોતે જે ધર્મમાં શ્રદ્ધા ધરાવતા હોય તે ધર્મના ધર્મગ્રંથોનું વાંચન કરવું અને પારિવારિક પ્રશ્નોની સમૂહ ચર્ચા કરવી. આ નાની એવી વાત કેવી અસરકારક છે અને તેના દ્વારા વર્ષો જુના પ્રશ્નો કેવી રીતે હલ થઈ ગયા એની વાત જુદાજુદા લોકોને થયેલા અનુભવો દ્વારા રજૂ કરવામાં આવી

છે.

શાળાઓના વિદ્યાર્થીઓને પણ અક્ષરદેરીના દર્શન અને સ્વામિનારાયણ નગરની મુલાકાત લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. છેલ્લાં ૭ દિવસમાં ૧૨૫થી વધારે શાળાઓના ૪૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ જીવન ઉતકર્ષ પ્રદર્શનનો લાભ લઇ ચૂક્યા છે. આ ઉત્સવનો આજે છેલ્લો દિવસ છે.

Loading...