Abtak Media Google News

પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી વરાછા, કતારગામ, કરંજ અને કામરેજ જેવી બેઠકો ઉપર કોંગ્રેસની નજર

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘીની શુક્રવારે સાંજે (આજે) સુરતમાં વરાછા વિસ્તારમાં જાહેરસભાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ ભાજપ માટે પાટીદાર બહુમતિ વસતિ ધરાવતાં વિસ્તારમાં પ્રચાર માટે આગળ વધવા અંગે કપરા ચઢાણ ચઢવા પડે તેવી સ્થિતિ છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષની આ જાહેરસભાને લીધે ભાજપ માટે પણ પ્રચારની રણનીતિ ઘડવા માટે પડકાર ઉભો થાય તેવુ રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે. આ સભામાં પાસ ક્ધવીનર હાર્દિક પટેલને હાજર રાખવાના કોંગ્રેસે ચક્રો ગતિમાન કર્યાં હોવાનું પણ જાણવા મળે છે. રાહુલની આજની સભા પર ભાજપ સહિત અનેક રાજકીય પક્ષોની પણ નજર મંડાઈ છે.

રાહુલ ગાંધી ત્રણ દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. ગુરુવારે બીજો દિવસ હતો.શુક્રવારે રાહુલ ગાંધી વલસાડ, નવસારીના કાર્યક્રમોમાં હાજરી આપીને સાંજે સાડા છ વાગ્યે સીધા સુરતમાં જાહેરસભાના સ્થળ ઉપર પહોંચશે, તેવું કોંગ્રેસના વર્તુળોનું કહેવું છે. રાહુલની જયાં સભાનું સ્થળ નક્કી કરાયું છે તે જળક્રાંતિ મેદાન વિસ્તારમાં આવેલું મહાનગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્સ સાથેનું ક્રિકેટનું મેદાન છે. તેની સાથે અન્ય ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરીને ૪૦ હજાર લોકો એકઠા થાય તેવો કોંગ્રેસે દાવો કર્યો છે.

રાહુલની સભાને લીધે પાટીદાર મતદાર ધરાવતી વરાછા, કતારગામ, કરંજ, કામરેજ જેવી વિધાનસભાની બેઠકો ઉપર તેની સીધી અસર પડે તેમ છે. એટલે, રાજકીય વાતાવરણ ગરમાય તેવું સ્પષ્ટ છે. જોકે, બીજીતરફ ભાજપ સામે આ વિસ્તારોમાં પ્રચાર માટેના મોટા આયોજનો કરવાનો પણ પડકાર છે. પાટીદાર વસતિ ધરાવતા વિસ્તારોમાં છેલ્લાં ઘણાંય સમયથી ભાજપને નકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે. વિરોધનો પણ સામનો કરવો પડ્યો છે. ત્યારે રાહુલ ગાંધીની સભા પછી ભાજપ આ વિસ્તારમાં પ્રચાર અભિયાન માટે કયા પ્રકારની રણનીતિ તૈયાર કરે છે, તે રસપ્રદ રહે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.