Abtak Media Google News

લોકડાઉનના પગલે નગરોમાં જય જય પરશુરામના નાદ નહીં ગુંજે શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના સામુહિક ધાર્મિક કાર્યક્રમો રહ્યા બંધ : બ્રાહ્મણો ધોતિયું ધારણ કરી વિધિવિધાન પૂર્વક ઘેર બેઠા આરાધ્યદેવનું પૂજન કર્યું

ભૂદેવો સોશિયલ ડિસ્ટન્સના અક્ષરસહ પાલન સાથે આજે રાત્રે ૮ : ૧૫ કલાકે દીવડા પ્રગટાવી દીપોત્સવ મનાવશે

વૈશાખ સુદ બીજના પાવન દિવસે સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. પુરાણોમાં ભગવાન વિષ્ણુના કુલ ચોવીસ અવતારોનો ઉલ્લેખ છે. તેમાં ભગવાન શ્રી પરશુરામને વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર માનવામાં આવે છે. ભગવાન પરશુરામ ઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા. વૈશાખ શુકલપક્ષ બીજના દિવસે રોહિણી નક્ષત્રમાં પરશુરામનો જન્મ થયો હોવાનું મનાય છે.

ભૃગૃશ્રેષ્ઠ પરશુરામ ભગવાન શંકરના પરમ ભક્ત હતા. મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોધ પરશુ (ફરસી)ને ધારણ કરવાને કારણે તેમનું નામ પરશુરામ પડ્યું હતું. મહર્ષિ પરશુરામે પૃથ્વીને ૨૧ વખત ક્ષત્રિય વિહોણી બનાવી હોવાનું માનવામાં આવે છે.

પરશુરામ ભૂદેવોના સ્વાભીમાન અને ગૌરવનું પ્રતિક છે. વર્ષોની પ્રણાલિકા મુજબ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઠેર-ઠેર પરશુરામના જન્મોત્સવ નિમિત્તે હર્ષોલ્લાસથી ભવ્ય શોભાયાત્રા, વાહનોમાં અવનવા ફલોટ્સ અને ધાર્મિક કાર્યક્રમો સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં કોરોનાની મહામારીને પગલે શોભાયાત્રા અને સમૂહ ભોજન સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. લોકડાઉનનું પાલન કરતા સમસ્ત બ્રહ્મ સમાજના ભુદેવો દ્વારા ઘરમાં રહી વિધિ વિધાનપૂર્વક ધોતિયુ ધારણ કરીને આરાધ્યદેવની પૂજા કરી હતી. પરશુરામ જયંતિના પાવન અવસરે રાજકોટ શહેરમાં પણ શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને પગલે રૈયાગામ સ્થિતિ પરશુરામધામમાં કોઈપણ પ્રકારની સામૂહિક ઉજવણી નહી કરાય. ભુદેવો પોતાના ઘરે દીવડા પ્રગટાવી કોરોનાની મહામારીથી બચવા જગતના આરાધ્યદેવને વિશેષ પ્રાર્થના કરી હતી.

  • પ્રજા રક્ષણ માટે શસ્ત્ર ઉગામી ક્ષત્રિયોને ક્ષાત્રધર્મના પાલનનો સંદેશ આપ્યો

શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે પરશુરામે શસ્ત્ર ઉગામીને ક્ષત્રિયોને પ્રજા રક્ષણનો ક્ષત્રિય ધર્મના પાલનનો સંદેશ આપ્યો હતો. પરશુરામનું ચરિત્ર આજના માનવીને અધર્મ અન્યાય અને દુરાચાર તરફ લાલ આંખ કરવાનું શીખવે છે. શાસ્ત્રનું બ્રહ્મતેજ અને શસ્ત્રનું તેજ સંયુક્ત થતા પરશુરામનું તેજસ્વી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. રામ ક્ષમા વિપ્રસ્ય ભૂષણમ, ક્ષમા વીરસ્વ ભૂષણમ્ આવો સંદેશો પરશુરામને તેમના પિતાએ આપ્યો હતો. જેના કારણે પરશુરામે પોતાનું જીવનકાર્ય પૂર્ણ કરી તપસ્વી બની ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.