Abtak Media Google News

GST સહિતના પ્રશ્નો અંગે હેમુગઢવી હોલમાં ચર્ચા વિચારણા કરાશે

Gujarat વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાહુલ ગાંધી તા. ૨૫મીથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે.

જેના અંતર્ગત રાજકોટ ખાતે તા. ૨૬મીને મંગળવારે રાહુલ ગાંધી વેપારીઓ અને લઘુ ઉદ્યોગકારો સાથે એક સંવાદ બેઠકનું આયોજન કરશે જેમાં GST સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૨૫થી ૨૭ Gujarat ના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. આ આ પ્રવાસનો તેઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાથી પ્રારંભ કરશે.

આ દરમિયાન બીજા દિવસે એટલે કે તા. ૨૬મીના રોજ રાજકોટ શહેરમાં રોડ-શોની સાથે વેપારીઓ અને લઘુ ઉદ્યોગકારો સાથે એક સંવાદનું કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું છે.

જેના અંતર્ગત રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવા આવશે. ત્યાંથી રાહુલ ગાંધીનો રોડ-શો શરૂ થશે. સાંજે સાડા પાંચ વાગે હેમુ ગઢવી હોલ ખાતે વેપાર-ઉદ્યોગને લગતા GST સહિતના વિવિધ પ્રશ્નો અંગે એક ‘નવસર્જન સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તેની તૈયારીની સમીક્ષા માટે પ્રદેશ કોંગ્રેસ અને કેન્દ્રીય નેતાઓ રાજકોટ આવીને સૌરાષ્ટ્રના મુખ્ય આગેવાનો સાથે બેઠક યોજવામાં આવશે.

રાજકોટની મુલાકાતે આવી રહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૨૬મીને મંગળવારે સાંજે ૫.૩૦ કલાકે હેમુગઢવી હોલમાં વેપારીઓ અને લઘુ ઉદ્યોગકારો સાથે ‘નવસર્જન સંવાદ’ બેઠક કરશે.

જેમાં રાહુલ ગાંધી વેપાર-ઉદ્યોગના પ્રશ્નો જેવા કે જીએસટી અને અન્ય પ્રશ્નો અંગે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ અને ચર્ચા વિચારણા કરશે. રાહુલ ગાંધી સાથેના ‘નવસર્જન સંવાદ’માં ભાગ લેવા માગતા વેપારીઓ અને લઘુ ઉદ્યોગકારો માટે રજિસ્ટ્રેશનની સુવિધા કોંગ્રેસ કાર્યાલય પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લાના જસદણમાં તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસની અગત્યની બેઠક પ્રદેશ કાર્યકારી પ્રમુખ કુંવરજી બાવળીયાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી.

જેમાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે આગામી તા.૨૭મીને બુધવારના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોય તેના ભાગરૂપે જસદણમાં પણ લોકોના પ્રશ્નોને જાણવા માટે જાહેર જનતા સાથે રાહુલ ગાંધીના ‘લોક સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.